અમરેલી

આંસોદર પ્રાથમિક શાળાનું પર્યાવરણ રક્ષણઅને પાણી બચાવવા પ્રેરણાદાયી ઇજન

અમરેલી તા.૭ જાન્યુઆરી, ૨૦૨૫ (મંગળવાર)  આંસોદર ગામની પ્રાથમિક શાળાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા, પાણીના બગાડને અટકાવવા અને પ્રકૃતિ પર્યાવરણના રક્ષણ માટે સમાજને પ્રેરણાદાયી ઇજન આપ્યું છે.અમરેલીથી આશરે બત્રીસેક કિલોમીટર દૂર લાઠી તાલુકાના આંસોદર ગામમાં સરકારી પ્રાથમિક શાળાના પ્રયાસોએ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા, પાણી બચાવવા અને પર્યાવરણના જતન માટે એક ‘લઘુ ક્રાંતિ’ કરી છે, તેમ કહીએ તો ખોટું નથી.આંસોદર ગામે છેલ્લા બે દાયકા દરમિયાન શિક્ષક અને બાદમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા શ્રી સુરેશભાઈ નાગલાએ પર્યાવરણલક્ષી એક આગવા અભિગમ સાથે શાળા અને સમાજનું સંકલન કર્યું છે. આ સંકલનથી વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ ખીલી છે, સાથે જ વિદ્યાર્થીઓનું એક જવાબદાર નાગરિક તરીકે ઘડતર પણ થઈ રહ્યું છે. પર્યાવરણીય સમસ્યાઓ સામે માનવ જાત શું કરી શકે તે કાર્યો માટે વિદ્યાર્થીઓ અને ગામમાં જાગૃત્તિ આવી છે.

શ્રી સુરેશભાઈ નાગલા કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષણ સાથે જોડી રાખે છે, આ સાથે પ્રકૃતિ માટે પડકારરુપ પ્લાસ્ટિકના વપરાશને ઘટાડવા અને વિદ્યાર્થીઓને એક નવીન પ્રવૃત્તિમાં જોડવા પ્લાસ્ટિકના વિકલ્પ રુપે કાગળની બેગ બનાવવાનું શરુ કરે છે અને આ બેગ ગામના દુકાનદારોને વિનામૂલ્યે આપે છે. થોડાં સમયમાં તેનું પરિણામ એ મળ્યું કે, દુકાનદારોએ બાળકો પાસેથી વિનામૂલ્યે આ બેગ લેવાના બદલે તેની ખરીદી કરી. શાળામાં આ રકમમાંથી ફરી ખરીદી અને વેચાણની પ્રક્રિયાનું ચક્ર ફરતું રહે છે તેમ જણાવતા શ્રી સુરેશભાઈ નાગલા કહે છે કે, ગામમાં તેની એક હકારાત્મક અસર જોવા મળી અને પ્લાસ્ટિક પૃથ્વી – પ્રકૃતિ માટે હાનિકારક છે તેમ માનતા થયા અને પ્લાસ્ટિકના વપરાશ અંગેની જાગૃત્તિમાં પણ વધારો થયો.
ઉપરાંત ગામમાં કોઈના ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે ભેટ સોગાદ આપવામાં પ્લાસ્ટિક બેગનો વપરાશ ન થાય તે માટે રંગબેરંગી કાગળની બનાવી અર્પણ કરવામાં આવે છે. જેથી પણ ગ્રામજનોમાં સકારાત્મક અસર પડી છે. આમ, શાળા, શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચેનો એક વિશિષ્ટ નાતો જળવાઇ રહે અને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્લાસ્ટિક ઉપયોગ પ્રતિબંધ રાખવા શું કરી શકાય તેની પણ અસરો જોવા મળે છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકની બેગનો વપરાશ ઘટે તે માટે આ તો કર્યું પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિકની બોટલનો પ્રશ્ન હતો, જેને રાજ્યકક્ષાના એક પ્રોજેક્ટ અંતર્ગત ગામમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિક બોટલ એકત્ર કરવામાં આવી અને ગામમાં પેકેટિંગ – ફૂડ વેફર્સ વગેરેના પ્લાસ્ટિકનો કચરો હતો. જેથી સિંગલ યુઝ પ્લાસ્ટિકની ખાલી બોટલમાં આ પ્લાસ્ટિકના કચરાને તેમાં ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવ્યો. આમ, વિદ્યાર્થી-શિક્ષકોએ ગામમાંથી ૫,૧૦૦ સિંગલ યુઝ પ્લાસ્ટિકને બોટલમાં એકત્ર કર્યું, જેમાં ગ્રામજનોએ પણ સહયોગ પૂરો પાડ્યો. પ્લાસ્ટિકના એકત્ર થયેલા કચરાને રિયુઝ માટે મોકલવામાં આવ્યો, આ પ્રોજેક્ટથી વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં પ્લાસ્ટિકનો વપરાશ ન કરવા માટે વ્યાપક પ્રમાણમાં જાગૃત્તિ આવી.

આંસોદર ગામમાં નિયમિતપણે પણ પ્રાથમિક શાળાના શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સપ્તાહમાં એકવાર ગામના કોઈ એક મહોલ્લા – શેરીમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, તેમાં ગ્રામજનો પણ જોડાય છે. આ સાથે સ્વચ્છતા, પાણી બચાવો, વ્યસન મુક્તિ સહિતની બાબતો પ્રત્યે ગ્રામજનો જાગૃત્ત થાય છે, વિદ્યાર્થીઓ દ્વારા જ આ પ્રવૃત્તિ થતી હોવાથી ગ્રામજનોમાં પણ તેનો એક પ્રભાવ જોવા મળે છે.

શ્રી સુરેશભાઈ નાગલા પાણી બચાવવા અને પાણીના બગાડને અટકાવવા માટે ગામમાં પાણીના વપરાશનો હિસાબ મેળવવા માટે એક આગવો પ્રયાસ કર્યો. વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ પોતાની આસપાસના ૫- ૫ ઘરોમાં પાણીના વપરાશનો તાગ મેળવવા એક પ્રકારે સર્વે કરે છે. જેમાં પીવાના પાણીથી માંડીને વાસણ-કપડા ધોવામાં પાણીનો કેટલો વપરાશ થાય છે, તેનો એક અહેવાલ નિયત ફોર્મમાં તૈયાર કરે છે, પાણીનો ઓછો વપરાશ કરનાર પરિવાર-મોભીનું સન્માન પણ કરવામાં આવ્યું, જેથી પાણીના વપરાશ માટે ગ્રામજનો વધુ સજાગ બન્યા. ઉપરાંત વિદ્યાર્થીઓને ગામમાં પાણીના ઉપલબ્ધ સ્ત્રોત નદી, તળાવ વગેરે બાબતોથી અવગત કરવામાં આવ્યા. આ સાથે પાણી બચાવો માટેના સંદેશ આપતી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવામાં આવી. આમ, વિદ્યાર્થીઓ પાણીનું મહત્વ સમજ્યા સાથે જ ગ્રામજનોમાં પણ પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અંગે જાગૃત્તિ કેળવાઈ.

શ્રી સુરેશભાઈ કહે છે કે, પાણી બચાવવા માટેના નવાચારની નોંધ, ખ્યાતનામ મેનેજમેન્ટ સંસ્થા અમદાવાદ IIM એ પણ લીધી હતી અને તેમના એક પ્રકાશનમાં પણ આ ઇનોવેશનને સ્થાન આપ્યું હતું.ગ્રામજનો વિદ્યાર્થીઓને સાથે રાખી સમયાંતરે ગામમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવે છે. શ્રી સુરેશભાઈ નાગલા માને છે કે, આ બધી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ગ્રામજનો અને શાળા પરિવારના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો અનન્ય સહયોગ રહ્યો છે.તેઓ શાળાની અન્ય પ્રવૃત્તિ વિશે ધ્યાન દોરતા કહે છે કે, શાળામાં બીજ બેંક, વનસ્પતિના કચરાનું સેન્દ્રિય ખાતર બનાવવા વિશે પણ વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવે છે. તેઓ કહે છે કે, આંસોદર પ્રાથમિક શાળાનો મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સમાં સમાવેશ થયો હોવાથી રાજ્ય સરકાર તરફથી અનુદાન મળે છે, તેના પરિણામે શાળાની ભૌતિક સુવિધામાં વધારો થયો છે. શાળામાં અદ્યતન કોમ્પ્યુટર લેબ, ડિજિટલ સ્માર્ટ બોર્ડ, ગણિત – વિજ્ઞાન પ્રયોગશાળા, સીસીટીવી કેમેરા, સુવિધાસભર ભવન સહિત માળખાકિય સુવિધાઓથી શાળા સજ્જ છે.

Related Posts