ભાવનગર

કેન્દ્રીય રાજયમંત્રી બી.એલ.વર્માના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં પાલીતાણા ખાતે ‘દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ’ યોજાયો

ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે‌કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ.
વર્માના અધ્યક્ષસ્થાને તેમજ કેન્દ્રીય ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી
નિમુબેન બાંભણીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘દિવ્યાંગજનો માટે સાધન સહાય વિતરણ કેમ્પ’નું આયોજન કરવામાં
આવ્યું હતું.જેમાં ભાવનગર જિલ્લાના ૩૬૬ પૂર્વ-ચિહ્નિત દિવ્યાંગ લાભાર્થીઓને કુલ રૂ. ૫૯.૧૨ લાખની કિંમતના ૭૩૭
સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી શ્રી બી.એલ. વર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન
ધરા પર જ્યારે જ્યારે હું આવું છું ત્યારે ગર્વની અનુભુતિ થાય છે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાનશ્રી
નરેન્દ્રભાઇ મોદી માત્ર ભારત દેશનાં જ નહીં પરંતુ દુનિયાના લોકપ્રિય નેતા છે.તેમના નેતૃત્વમાં દેશમાં અનેક
બદલાવ આવ્યાં છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સુગમ્ય ભારત અભિયાન એક નવા સમયની શરૂઆત છે. આજના
સમયમાં દરેક કચેરી, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને જાહેર જગ્યાઓ દિવ્યાંગ માટે સુગમ બનાવવામાં આવી છે.
દરેક જાહેર જગ્યાએ રેમ્પ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દિવ્યાંગજન જાતે જ જાહેર જગ્યાઓએ જઈ શકે,
સ્વાવલંબી બની શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે . સરકાર દિવ્યાંગજનને “આત્મનિર્ભર” બનાવવા સતત
પ્રયાસરત છે.ADIP યોજના હેઠળ લાખો દિવ્યાંગજનોને નિઃશુલ્ક આધુનિક સહાયક સાધનો આપવામાં આવ્યા છે.તેમણે
કહ્યું કે, છેલ્લા ૧૧ વર્ષોમાં દિવ્યાંગજનને સાધન-સહાય માટે અંદાજે ૧૮ હજારથી વધુ કેમ્પનું આયોજન કરવામાં
આવેલ છે.૩૧ લાખ કરતાં વધુ દિવ્યાંગજન સુધી સહાય પોંહચાડવામાં આવી છે.
તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિવ્યાંગ જનોમાં રહેલી દિવ્ય શક્તિને ઓળખી છે,
દિવ્યાંગજન નામ આપીને દિવ્યાંગજનોને સન્માન પણ આપ્યું છે. આજે દિવ્યાંગો પેરા ઓલમ્પિક જેવી રમતોમાં શ્રેષ્ઠ
દેખાવ કરીને દેશનું નામ રોશન કરી રહ્યાં છે.
મંત્રીશ્રીએ દિવ્યાંગજનોના આરક્ષણની વાત કરતાં કહ્યું કે, પહેલાં સરકારી નોકરીઓમાં દિવ્યાંગજનોને માત્ર ૩
ટકા જ આરક્ષણ મળતું હતું જે હવે ૪ ટકા મળતું થયું છે તેમજ ઉચ્ચ શિક્ષણ માટે ૫ ટકા કરાયું હોવાનું તેમણે જણાવ્યું
હતું.તેમણે કહ્યું કે, દિવ્યાંગજનોને પહેલાં ૭ પ્રકારની શ્રેણીમાં સમાવિષ્ઠ કરાયાં હતાં હવે તેમને ૨૧ પ્રકારની શ્રેણીમાં
સમાવિષ્ઠ કરીને તેમને દિવ્યાંગ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો, ઉજજવલા
યોજના અંતર્ગત ગેસ કનેક્શનો,નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરોમાં પાણી પહોંચાડવાનું કામ આ સરકાર દ્વારા

કરવામાં આવી રહ્યું છે.દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં બે હજાર લેખે વર્ષમાં ત્રણ વખત પૈસા જમાં
કરવામાં આવી રહ્યાં છે,આમ ખેડૂતોના રૂપિયા કોઇ દલાલના હાથમાં નહીં પરંતુ સીધાં જ ખેડૂતોના ખાતામાં જમાં થઈ
રહ્યાં હોવાનું જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યું કે,”સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ”ના મંત્ર સાથે અમારી
સરકાર કામ કરી રહી છે. આ સાધન સહાય થકી અનેક દિવ્યાંગજનોના જીવનમાં આમૂલ પરિવર્તન આવશે,
આત્મનિર્ભર બનશે એટલું જ નહીં વિકસિત ભારત અભિયાનમા સહભાગી બનશે તેવો દ્રઢ આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત
કર્યો‌ હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ
મોદીના નેતૃત્વમાં ભારત દેશમા અનેક ક્રાન્તિકારી બદલાવ આવ્યાં છે.દિવ્યાગજનો માટે સરકારશ્રીની અનેક
કલ્યાણકારી યોજનાઓ અમલી છે.સમગ્ર બોટાદ અને ભાવનગર જિલ્લામાં અંદાજે ૨૭૦૦ જેટલાં દિવ્યાંગજનનું
ઍસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, અને તેમની જરૂરીયાતો સમજવામાં આવી હતી.ભારત સરકારની ADIP યોજના
અંતર્ગત આજે પાલિતાણા ખાતે ૩૬૭ જેટલાં દિવ્યાંગજનોને અંદાજે રૂ.૬૦ લાખની કિમંતના મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ,
વ્હીલચેર, ચાલવાની ઘોડી જેવાં વિવિધ ૧૯ પ્રકારનાં ૭૩૭ જેટલા સાધનો આપવામાં આવ્યાં છે.આ સાધન સહાયથી
દિવ્યાંગ જનો પોતાના કામો સરળતાથી કરી શકશે એટલું જ નહીં સ્વમાનભેર પણ જીવી શકશે.
મંત્રીશ્રીએ કહ્યું કે, મને બોટાદ અને ભાવનગર જિલ્લાના દિવ્યાંગજનોએ પોતાની આપવીતી જણાવતાં કહ્યું
કે,અમે સરખું સાંભળી નહોતાં શકતાં એના કારણે અમે ઘણાં ડોક્ટરો પાસે ગયા હતાં એમણે અમને જે સાધનો આપ્યાં
તે બરાબર કામ આપતાં ન હતાં પરંતુ એલિમ્કો કંપની અને આપનાં સહયોગથી જે સાધનો અમને મળ્યાં છે તે
ખરેખર સારાં છે, આ સાધનો થકી અમારી અનેક તકલીફો દૂર થઈ હોવાનું જણાવ્યું હતું.આ કેમ્પ દિવ્યાંગ જનો માટે
ઘણો મદદરૂપ બન્યો છે.ભાવનગર જિલ્લામાં કુલ ૨૦૬૭ દિવ્યાંગજનોને ૩૭૬૩ સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ
માટે કરવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકારની (ADIP)
યોજના તથા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના સીએસઆર કાર્યક્રમ અંતર્ગત તેમજ‌ ભાવનગર
જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ કેમ્પનું આયોજન કરવામાં
આવ્યું હતું.
આ કેમ્પમાં એલિમ્કો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ પ્રકારના સહાયક સાધનો જેમ કે બેટરીચાલિત
મોટરાઇઝ્ડ ટ્રાઇસાઇકલ, ટ્રાઇસાઇકલ, વ્હીલચેર, સી.પી. ચેર, બૈસાખી, શ્રવણ યંત્ર (કાનની મશીન), કૃત્રિમ અંગ
વગેરેનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં મોટરચાલિત ટ્રાઇસાઇકલ- ૪૯, ટ્રાઇસાઇકલ – ૧૭૨, વ્હીલચેર –
૨૨, એડીએલ કિટ – ૨, વોકર – ૧૧, બૈસાખી – ૨૩૧, બ્રેલ કિટ – ૨, સુગમ્ય કેન – ૨૨, મોબાઇલ – ૩, સી.પી. ચેર
– ૧૦, રોલેટર – ૧૪, ટીએલએમ કિટ – ૬૩, કાનના મશીન (શ્રવણ યંત્ર) – ૪૦ નો સમાવેશ થાય છે.
કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા,જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, DGM એલિમ્કોના શ્રી
રમેશચંદ્ર, GMDCના શ્રી વીણાબેન,એલિમ્કોના શ્રી નિતીન મહોર, પ્રાંત અધિકારી શ્રી અંકિત પટેલ,ALIMCOનાં
મેનેજર શ્રી મૃદૃલ અવસ્થી સહિત જિલ્લાના અધિકારીઓ-પદાધિકારીઓ સહિત જિલ્લાના દિવ્યાંગજનો મોટી સંખ્યામાં
ઉપસ્થિત ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Posts