ગુજરાત

આગામી તા. ૦૮ ઓગસ્ટ સુધી મહાત્મા મંદિર ખાતે આયોજિત રાખીમેળામાં વિવિધ ૧૦૦ પ્રકારના સ્ટોલનું પ્રદર્શન સહ વેચાણ

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાએ ગાંધીનગર ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજિત ‘રાખીમેળા’નું ઉદ્ઘાટન કર્યું હતું. આગામી તા. ૦૮ ઓગસ્ટ સુધી
એટલે કે, પાંચ દિવસ યોજાનારા આ રાખીમેળામાં રાખડી સહિતની વિવિધ ચીજ-વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ માટે પ્રદર્શન હોલ નં. ૨, મહાત્મા મંદિર ખાતે ૧૦૦ જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં છે.
આ રાખીમેળામાં મહિલા કારીગર દ્વારા ઉત્પાદિત અવનવી ડીઝાઇનની રાખડીઓ તેમજ ભાઈ દ્વારા બહેનને આપવામાં આવતી ભેટ માટે પણ જુદી-જુદી વસ્તુના સ્ટોલ રાખવામાં આવ્યા છે. જેમાં ગૃહ સુશોભન, ચણીયા ચોળી, કટલરી, ડ્રેસ મટીરીયલ, સાડી સહિતની વિવિધ હાથ બનાવટની ચીજ-વસ્તુઓના સ્ટોલ રાખવામાં આવ્યા છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ મહિલાઓને આત્મનીર્ભર બનાવવા માટે કામગીરી કરી રહી છે. તેમના દ્વારા દર વર્ષે મહિલાઓને પગભર બનાવવા અને તેમના વ્યાપારને એક પ્લેટફોર્મ પુરુ પાડવા માટે વિવિધ પ્રકારના મેળાઓનું આયોજન કરવામાં આવે છે.
ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રદર્શન સહ વેચાણ મેળા યોજના અંતર્ગત જુદા-જુદા જીલ્લાઓમાં ૧૬ મેળાનું આયોજન કરાયું હતું. આ મેળાઓ થકી ૭૩૯ મહિલા કારીગરોએ રૂ. ૩૫૪.૭૮ લાખનું વેચાણ કર્યું હતું.
વોકલ ફોર લોકલના સંકલ્પને સાર્થક કરતા ગાંધીનગરની જનતા મહિલા કારીગર પાસેથી સીધા જ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી શકશે. જેમાં ગાંધીનગર જીલ્લાના તેમજ આજુબાજુના વિસ્તારના અંદાજીત એક લાખ કરતા પણ વધુ નાગરીકો સહભાગી થવાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આયોજીત થતા આ પ્રકારના મેળામાં ભાગ લેવા માટે મેળા પોર્ટલ દ્બીઙ્મટ્ઠ ખ્તુીઙ્ઘષ્ઠ.ર્ખ્તદૃ.ૈહ ઉપર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે. સ્ટોલ બુકીંગ માટે ઓનલાઇન પ્રતિ દિન એક સ્ટોલના રૂ. ૨૦૦ ફી ભરવાની હોય છે. રજીસ્ટ્રેશન કરાવેલી મહિલાઓનો ઓનલાઇન ડ્રો બાદ સ્ટોલની ફાળવણી કરવામાં આવે છે.
‘રાખીમેળા’નું ઉદ્ઘાટન પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી મીરાબેન પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમના મેનેજીંગ ડિરેક્ટર શ્રી પુષ્પાબેન નીનીમા ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts