અધર્મની ઉપર જ્યારે સત્યનો વિજય થાય છે,
હોળીના પાવન અગ્નિમાં બધી અશુભતા બળી જાય છે.
શ્રદ્ધાના દીવા પ્રગટ્યા છે આજે કુંડલાના ચોકમાં,
તંદુરસ્તી અને આયુની દુઆ હર હોઠે ગવાય છે.
–“પાંધી સર”
ધર્મપ્રેમી અને ઉત્સવપ્રિય ગણાતા સાવરકુંડલા શહેરમાં પરંપરાગત રીતે હોલિકા દહનનો પર્વ અત્યંત આસ્થા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. સામાન્ય રીતે હોળીના દિવસે જ દહન થતું હોય છે, પરંતુ આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ હોવાને કારણે, ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગતરોજ રાત્રે જ હોલિકા દહનનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઠેર-ઠેર હોલિકા પ્રગટાવવામાં આવી હતી. ખાસ કરીને શહેરના ‘ગઢ’ ગણાતા *દેવળા ગેઇટ વિસ્તારમાં શ્રી ક્રિષ્ના ગૌશાળા પાસે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.* અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. આ પાવન પ્રસંગે નવદંપતીઓ તેમજ અન્ય શ્રદ્ધાળુઓએ હોલિકાની પ્રદક્ષિણા કરી હતી અને શ્રીફળ-ધાણીથી પૂજન કરીને પોતાના સ્નેહીજનોના સુખ, શાંતિ અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.આ પ્રસંગે શ્રી કૃષ્ણ ગૌશાળાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર, બળવંતભાઈ મહેતા સમત તમામ ટીમ દ્વારા ઉપસ્થિત તમામને હોળીની શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
શહેરના અન્ય વિસ્તારોમાં પણ ભક્તિમય માહોલમાં હોળી પ્રગટાવીને લોકોએ ‘અધર્મ પર ધર્મના વિજય’ના પ્રતીક સમાન આ પર્વને હર્ષોલ્લાસ સાથે વધાવ્યો હતો. ખાસ જણાવી દઈએ કે હોળી પ્રગટયા બાદ તેની જવાળાની દિશા પરથી પ્રાચીન પરંપરા મુજબ વર્ષનો વરતારો પણ નક્કી થાય છે. રાત્રિના સમયે પ્રગટેલી હોળીની જ્વાળાઓ અને શ્રદ્ધાળુઓની ભીડથી સાવરકુંડલા શહેર ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું.


















Recent Comments