fbpx
અમરેલી

જાન્યુઆરી-૨૦૨૫થી ફાર્મર આઇ.ડી. ફરજિયાતઃ ખેડુતોને વહેલામાં વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

અમરેલી તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ (સોમવાર) ભારત સરકારના PM-KISAN  યોજનામાં પાત્રતા ધરાવતા ખેડૂતોએ સેલ્ફ રજિસ્ટ્રેશનથી અરજી કરવા માટે તા.૦૧/૦૧/૨૦૨૫ થી ફાર્મર આઈડી ફરજિયાત છે.

નવા અરજદારોએ પહેલા ફાર્મર રજિસ્ટ્રીમાં ફરજિયાત નોંધણી. PM-KISAN યોજનામાં સેલ્ફ રજિસ્ટ્રેશનથી અરજી કરતા સમયે એપ્લિકેશન ફોર્મમાં ફાર્મર આઈડી (Farmer ID) ની વિગત આપવી પડશે.

રાજ્યમાં Agri Stack-DPI હેઠળ ગ્રામ્ય સ્તરે ફાર્મર રજિસ્ટ્રીની કામગીરી ઝુંબેશ સ્વરુપે શરુ છે. રાજ્યના PM-KISAN યોજનાના તમામ લાભાર્થીઓએ યોજનાના આગામી ૧૯મા હપ્તાનો લાભ મેળવવા ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવવા તેમજ નવા અરજદારોએ પી.એમ. કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવો જરુરી છે.

ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફત તમામ વિવિધ યોજનાકીય લાભો  અને ધિરાણ સબંધી લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે. ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લીંક હોય તે મોબાઈલ નંબર, ૮-અ નકલ,૭-૧૨ નકલની વિગત સાથે ગ્રામ પંચાયત કે ઇ-ગ્રામ સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર ખાતે હાજર રહી કરાવવું.

આ રજિસ્ટ્રેશન પ્રકિયા નિઃશુલ્ક છે. રજિસ્ટ્રેશન માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર (વિ.સી.ઇ.) કે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરવો. સીટી વિસ્તાર માટે સીટી તલાટીનો સંપર્ક કરીને ડેટા એન્ટ્રી ઓપરેટર મારફત રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

પી.એમ.કિસાનના લાભાર્થી હોય તેવા ખેડૂતને આગામી હપતો મેળવવા માટે આ ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત કરવા ભારત સરકાર દ્વારા સૂચના છે. આથી, અમરેલી જિલ્લાના પી.એમ. કિસાન યોજના અંતર્ગત લાભ મેળવતા તમામ ખેડૂતમિત્રોને ખેડુત આઈ.ડી.ની નોંધણી ફરજિયાતપણે થાય તે માટે અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા અનુરોધ છે.

આ અંગેની વધુ જાણકારી-વિગત અને માર્ગદર્શન માટે સંબંધિત ગામના તલાટી કામ મંત્રી-સીટી તલાટી (કસ્બા તલાટી) તેમજ તાલુકાકક્ષાએ તાલુકા વિકાસ અધિકારીશ્રી- તાલુકા મામલતદારશ્રીનો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts