ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના દ્વારા રાજ્યમાં ખરીફ-૨૦૨૫ ઋતુમાં ઓકટોબર માસમાં થયેલ કમોસમી વરસાદને કારણે ઉદ્દભવેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાને લઈ રાજ્યનાં ૩૩ જિલ્લામાં થયેલ પાક નુકસાન અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોને મદદરૂપ થવા “કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર – ૨૦૨૫” જાહેર કરવામાં આવેલ છે.
આ પેકેજમાં અમરેલી જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ખરીફ ઋતુ ૨૦૨૫માં વાવેતર હેઠળ પાકોમાં જેમાં ૩૩% કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂ. ૨૨,૦૦૦/- પ્રતિ હેક્ટર લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે.
પેકેજમાં સમાવેશ થયેલ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં વાવેતર હેઠળના પાકોમાં થયેલ પાક નુકશાની વાળા અસરગસ્ત ખેડૂતોએ આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે કે.આર.પી. પોર્ટલ પર અરજી કરવાનો સમયગાળો તારીખ : ૧૪/૧૧/૨૦૨૫ના રોજ બપોર ૧૨:૦૦ કલાક થી ૧૫ દિવસ સુધી ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન VCE/VLE મારફત જ કરવાની રહેશે.
ઓનલાઇન અરજી કર્યા બાદ પ્રિન્ટ મેળવી સહિ/અંગુઠો કરીને નિયત નમૂનામાં, ગામ નમૂના નં. ૮-અ, તલાટી કમ મંત્રીનો નુક્સાનગ્રસ્ત પાક વાવેતર વિસ્તારનો દાખલો/ગામ નમૂના નં. ૭-૧૨, આધાર કાર્ડની નંબર અને તેની નકલ, મોબાઇલ નંબર, સેંવિગ/બચત ખાતા ચાલુ હોય તે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની સ્વચ્છ નકલ, સંયુક્ત ખાતાના કિસ્સામાં સંયુકત ખાતેદારો પૈકી એક જ ખાતેદારને લાભ અપાય તે અંગેનો અન્ય ખાતેદારોની સહી વાળો ના – વાંધા અંગેનો સંમતિ પત્ર વગેરે સાધનિક વિગતો સાથે જોડીને આપના ગ્રામપંચાયત કે ઈ-ગ્રામ કેન્દ્ર ખાતેથી VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.
આ સહાય પી.એફ.એમ.એસ. મારફ્ત ડી.બી.ટી.થી ચુકવણી કરવાની થતી હોય અરજદારે ખાસ પોતાનો સેવીંગ-બચત બેંક ખાતું તેમજ ડી.બી.ટી.એનેબલ (આધારકાર્ડ દ્વારા પેમેન્ટ આવે) હોય તેવું ચાલુ હોય તેજ વિગતો ખાસ ચકાસણી અને ખાતરી કરીને જ અરજી કરવાની રહેશે. ખેડૂતોએ અરજી ફોર્મ ભરવા માટે કોઇ ચુકવણું કરવાનું રહેશે નહિ.
અરજી અંતર્ગતની સહાય ખેડાણ હેઠળના ખાતા દીઠ (ગામ નમૂના નં. ૮/અ દીઠ) એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઇ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે. આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતા વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતા પર સહાય મળવાપાત્ર થશે. ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામુ રજુ કરવાનું રહેશે. પેઢીનામા પૈકીના કોઇ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોની સંમતિનું સોગંદનામુ રજુ કરી અરજી કરી શકશે. આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે.
વધુ જાણકારી માટે ગામના તલાટી કમ મંત્રી/સીટી તલાટી(કસ્બા તલાટી)/ગ્રામસેવક, વી.સી.ઇ. તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)/તાલુકા વિકાસ અધિકારીશ્રી/મામલતદારશ્રીનો સંપર્ક કરવા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવમાં આવ્યુ છે.

















Recent Comments