અમરેલી

સાવરકુંડલામાં મગફળીના ઓછા ભાવ મળતાં ખેડૂતોને નુકસાન

સાવરકુંડલા કૃષિ ઉત્પાદન માર્કેટિંગ કમિટી (APMC) માં મગફળીની આવક દિન-પ્રતિદિન વધી રહી છે, જેમાં રોજની સરેરાશ ૫,૦૦૦ મણ જેટલી મગફળી જુદા જુદા ગામોમાંથી ખેડૂતો વેચવા માટે લાવે છે. જોકે, આ વધતી આવકની સામે ખેડૂતોને મળતા ભાવ રૂ.૬૦૦થી રૂ.૮૦૦ સુધીના છે, જેમાં ઉચ્ચ ગુણવત્તાની મગફળીને જ મહત્તમ રૂ.૧,૦૦૦નો ભાવ મળે છે. આ ભાવોને કારણે ખેડૂતો મોટું નુકસાન ભોગવી રહ્યા છે. APMCમાં મગફળી વેચવા આવેલા ખેડૂતોએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, બિયારણ, દવા, મજૂરી અને અન્ય ખર્ચની ગણતરીએ રૂ.૬૦૦-૭૦૦ના ભાવે વેચાણથી તેઓ નુકસાનમાં જઈ રહ્યા છે. દિવાળીના તહેવારોને કારણે પૈસાની જરૂર હોવાથી મજબૂરીવશ તેઓ નીચા ભાવે વેચાણ કરી રહ્યા છે. ખેડૂતોએ વધુમાં જણાવ્યું કે, સતત પડતા વરસાદને કારણે મગફળીના પાકને નુકસાન થયું છે અને તેમાં ભેજ લાગી ગયો છે, જેના કારણે ભાવ વધુ ઘટ્યા છે, જ્યારે ટેકાના ભાવ પણ હજુ શરૂ થયા નથી. ખેડૂતોએ સરકારને વિનંતી કરી છે કે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને ઓછામાં ઓછો રૂ.૧,૦૦૦થી વધુ પોષણક્ષમ ભાવ આપવામાં આવે. આ સાથે જ પ્રગતિશીલ ખેડૂતોએ ભાવની ચિંતામાંથી મુક્તિ માટે ભાવાંતર યોજના દાખલ કરવાની પણ માંગણી કરી છે. APMCના સેક્રેટરીએ જણાવ્યું કે વરસાદી માવઠાના કારણે પાકને નુકસાન થયું છે, જે ભાવ પર અસર કરી રહ્યું છે.

Related Posts