અમરેલી

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ તેમજ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ ખેડૂતોને પાકના સંરક્ષણ માટે આગોતરા તકેદારીના પગલાં લેવા અનુરોધ કર્યો છે.

ખેડૂતોને ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં રાખવાને બદલે તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રી વડે યોગ્ય રીતે ઢાંકી દેવાની સલાહ આપવામાં આવી છે. ઉપરાંત પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી વરસાદનું પાણી અંદર ન જાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

કમોસમી વરસાદ દરમિયાન જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવા તેમજ ખાતર અને બિયારણને ભીંજાય નહીં તે માટે સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.

એ.પી.એમ.સી. ખાતે અનાજ અને અન્ય ખેતી પેદાશોને ખુલ્લામાં રાખવાને બદલે ઢાંકીને અથવા શેડ હેઠળ સુરક્ષિત રાખવા તથા શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ ટાળવા અથવા આગોતરી તકેદારી રાખવા વેપારી અને ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.

આ અંગે વધુ માહિતી માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામકશ્રી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે. ખેડૂતોને “અગમચેતી એજ સલામતી”નો મંત્ર અપનાવી પાકનું રક્ષણ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે તેમ અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts