સમગ્ર વિશ્વમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને પ્રાકૃતિક ખેતીનું મહત્વ વધતું જઈ રહ્યું છે. તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ પ્રાકૃતિક ખેતી અભિયાન અંતર્ગત અમરેલી જિલ્લામાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
આ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ (GPKVB) તથા આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે મંગળવારે કિસાન દિવસ અંતર્ગત અમરેલી તાલુકાના મિશન કલસ્ટરના સ્વંય પ્રેરિત ખેડૂતો માટે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં વિવિધ તાલુકાઓના આશરે ૧૩૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી મહેશ ઝીડ, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્યશ્રી, સ્વપ્નિલ દેશમુખ, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રી, ડૉ. મિનાક્ષી લુણાગરીયા એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો, જીવામૃત તથા ઘન જીવામૃતના ઉપયોગ, જમીનની ઉપજાઉ શક્તિ જાળવવા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવા તેમજ સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત પાક ઉત્પાદન અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
પ્રાકૃતિક ખેતી અપનાવવાથી રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ પર આધાર ઘટે છે, જેના પરિણામે ખેતી ખર્ચ ઓછો થાય છે તેમજ જમીન અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. સાથે સાથે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદન થયેલ પાક આરોગ્ય માટે લાભદાયી હોવાથી બજારમાં તેની માંગ પણ સતત વધતી જઈ રહી છે.
આ તાલીમ કાર્યક્રમથી ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસ્યો હોવાનું જોવા મળ્યું છે અને આવનારા સમયમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.


















Recent Comments