ગુજરાત

નાણાકીય સાક્ષરતા સપ્તાહ ૨૦૨૫ (૨૪ થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫)

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) નાણાકીય સાક્ષરતાના વિવિધ વિષયો પર નાણાકીય શિક્ષણ સંદેશાઓનો પ્રચાર કરવા માટે ૨૦૧૬થી દર વર્ષે નાણાકીય સાક્ષરતા સપ્તાહ (એફએલડબ્લ્યુ)નું આયોજન કરે છે. ૨૪થી ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ દરમિયાન ઉજવવામાં આવતા આ વર્ષના નાણાકીય સાક્ષરતા સપ્તાહની થીમ ‘નાણાકીય સાક્ષરતા – મહિલા સમૃદ્ધિ’ છે, જેમાં ‘નાણાકીય આયોજન’, ‘બચત અને જોખમ વ્યવસ્થાપન’ અને ‘વૃદ્ધિ માટે ધિરાણના લાભ’ પર ભાર મૂકવામાં આવ્યો છે.

આ પ્રસંગે ભારતીય રિઝર્વ બેંક, અમદાવાદ (એઆરઓ) દ્વારા પોતાની પ્રાદેશિક કચેરી ખાતે એફએલડબ્લ્યુના ઉદઘાટન સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં મહાપ્રબંધક (પ્રભારી અધિકારી) શ્રીમતી દેવિકા ગૌરીશંકરે નાણાકીય સાક્ષરતા સપ્તાહનું ઉદ્ઘાટન કર્યું હતું, સંદેશાઓ બહાર પાડ્‌યા હતા અને આરબીઆઈ અધિકારીઓ, નાબાર્ડ, એસએલબીસી, યુટીએલબીસી અને રાજ્યના વરિષ્ઠ બેન્કર્સની હાજરીમાં એફએલડબ્લ્યુ ૨૦૨૫ની થીમ ધરાવતા નાણાકીય સાક્ષરતા પોસ્ટરોનું અનાવરણ કર્યું હતું. જનમેદનીને સંબોધતા શ્રીમતી ગૌરીશંકરે તમામ હિતધારકોને એફએલ સપ્તાહ ૨૦૨૫ના સંદેશાઓને શક્ય તેટલા વ્યાપકપણે પ્રોત્સાહન આપવા વિનંતી કરી હતી.

બેંકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ તેમની વેબસાઇટ, એટીએમ, મોબાઇલ એપ્લિકેશન અને તેમની શાખાઓમાં તૈનાત ડિજિટલ ડિસ્પ્લે બોર્ડ પર આરબીઆઈ દ્વારા વિકસિત કરવામાં આવેલા પોસ્ટરો પ્રદશિર્ત કરીને ઉપરોક્ત થીમ પર તેમના ગ્રાહકો અને લોકોમાં માહિતીનો પ્રસાર કરે અને લોકોમાં જાગૃતિ લાવે.

આરબીઆઈ આ વિષય પર આવશ્યક નાણાકીય જાગૃતિ સંદેશાઓનું પ્રસારણ કરવા માટે અઠવાડિયા દરમિયાન કેન્દ્રીયકૃત સમૂહ મીડિયા અભિયાન હાથ ધરશે અને આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓ પણ નાણાકીય સાક્ષરતા શિબિરોનું નેતૃત્વ કરશે. આ માટે, થીમ અને સંદેશાઓના પ્રસારને પ્રોત્સાહિત કરવાના વિવિધ હોદ્દેદારોના પ્રયત્નો પણ માંગવામાં આવ્યા છે.

Related Posts