પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના ગાઢ જંગલમાં આગનો બનાવ

પોરબંદરના પૂર્વ વિસ્તારમાં આવેલી બિરલા સ્કૂલની પાછળ બાવળના જંગલમાં બપોરના સમયે આગ ફાટી નીકળી હતી. જાે કે, આ વિસ્તારમાં પવનની ગતિ સામાન્ય કરતાં ઘણી વધારે હતી જેના કારણે આગે ટૂંકજ સમયમાં ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આસપાસના વિસ્તારોમાં પણ ઝડપથી ફેલાવા લાગી હતી.
બાવળના ગાઢ જંગલમાં આગની ભીષણતા એટલી હદે હતી કે આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જાેઈ શકાતા હતા. આગની જાણ થતાં જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ, ભારે પવન અને બાવળના કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની ગયો હતો.
આગની જ્વાળાઓ બિરલા કોલોનીના રહેણાંક વિસ્તાર સુધી પહોંચી જતાં સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લીધા હતા. સુરક્ષાના ભાગરૂપે બિરલા સ્કૂલમાંથી મહત્વપૂર્ણ દસ્તાવેજાે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બિરલા કોલોનીના રહીશોને પણ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઘરોમાંથી ગેસ સિલિન્ડર બહાર કાઢવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનું વાતાવરણ જાેવા મળ્યું હતું. પોરબંદરના ઓળદર નજીક આવેલા જુરીના જંગલમાં વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી હોવાથી લોકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. આ મામલે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. સ્થાનિક લોકોએ તંત્ર પાસે માંગણી કરી હતી કે, આ ઘટનાની યોગ્ય તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે.
Recent Comments