પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ, ભાવનગર ઝોન, ધવલ પંડ્યાના માર્ગદર્શન નીચે અમરેલી નગરપાલિકાના ઉપક્રમથી શહેરી વિકાસ વર્ષની ઉજવણી અંતર્ગત અમરેલી નગરપાલિકાના ૧૯૮ કર્મચારીઓ/અધિકારીઓ માટે ફાયર, ૧૦૮/૧૧૨ ઈમરજન્સી સર્વિસીઝ અને ફર્સ્ટ એઈડની તાલીમનો કાર્યક્રમ યોજાયો.
ચાલુ નાણાંકીય વર્ષને ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ છે. જેના Pillar-3 Good Governanceમાં અધિકારીઓ/કર્મચારીઓને જરૂરી તાલીમ આપવા ઉપર વિશેષ ભાર મુકાયો છે. તેમજ કોઈપણ કુદરતી આફત કે માનવ સર્જીત દુર્ધટના સમયે નગરપાલિકા કક્ષાએ સ્થાનિક સ્તરે આ ડીઝાસ્ટરનો પ્રથમ પ્રતિભાવ ફ્રન્ટલાઈન વોરીયર તરીકે નગરપાલિકાના અધિકારીઓ/કર્મચારીઓએ આપવાનો થાય છે. જેથી નગરપાલિકા વિસ્તારોમાં આવતી કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓ સામે લડવા માટે નગરપાલિકાઓના અધિકારીઓને/કર્મચારીઓને સુસજ્જ કરવા આવશ્યક હોય છે. જે અન્વયે પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓ ભાવનગરના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાની ૧૦ નગરપાલિકાઓ માટે ફાયર સેફ્ટી, ૧૦૮/૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઇડની તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
તે પૈકી આજરોજ અમરેલી નગરપાલિકામાં નગરપાલિકાના કોન્ફરન્સ રૂમમાં ફાયર સેફ્ટી, ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ અને ફર્સ્ટ એઈડ જેવી મહત્વની તાલીમ નગરપાલિકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને આપવામાં આવી. જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ રાઠોડ હાજર રહ્યા હતા. આ તાલીમનો લાભ કુલ ૧૯૮ તાલીમાર્થીઓએ લીધો હતો.
રિજિયોનલ ફાયર કચેરીના હરેશભાઈ સરતેજા તથા સાગર પુરોહીત અને તેમની ટીમ દ્વારા ફાયર સેફ્ટી અંગેની થિયરી અને પ્રેક્ટિકલ ડિમોન્સ્ટ્રેશન દ્વારા સમજ આપી. કલ્પેશ ચૌહાણ અને તેમની ટીમ દ્વારા ૧૦૮ અને ૧૧૨ આવશ્યક સેવાઓ વિશે વિસ્તૃત સમજ આપી અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવામાં રાખવામાં આવતા વિવિધ સાધનો અંગે નિદર્શન યોજવામાં આવ્યું.
ઈન્ડીયન રેડક્રોસ સોસાયટીના ટ્રેનર દર્શિત મેહુલ વ્યાસ તથા પૂજા વ્યાસ અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર અંગે જેમ કે, દાઝી જવું, પડી જવું, હાર્ટ એટેકના સમયે કૃત્રિમ શ્વાસોશ્વાસ (CPR) વગેરે બાબતે વિસ્તૃત થિયરી અને પ્રેક્ટિકલ દ્વારા જાણકારી આપવામાં આવી.


















Recent Comments