ગુજરાત

પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર: અમિત ચાવડા

•             પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર: શ્રી અમિત ચાવડા

•             બંધારણે મતનો અધિકાર આપ્યો – ભાજપ ચૂંટણીપંચના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે છે : શ્રી અમિત ચાવડા

•             રાતોરાત લાખોની સંખ્યામાં ફોર્મ-૭ કોણે જમા કરાવ્યાની માહિતી અને સી.સી.ટી.વી. ફુટેજ જાહેર કરો :

શ્રી અમિત ચાવડા

•             કોંગ્રેસ પક્ષ એકપણ મતદારના મતદાનનો અધિકાર છીનવવા નહીં દે : શ્રી અમિત ચાવડા

•             ખોટી વિગત દ્વારા ફોર્મ-૭ના વાંધા મુકનારા સામે એફ.આઈ.આર. કરી, જેલ ભેગા કરો : શ્રી અમિત ચાવડા

•             ચોક્કસ પક્ષને લાભ અપાવવા અધિકારી ગેરકાયદેસર કામ કરશે તો જેલના સળીયા પાછળ જવા તૈયાર રહે :

શ્રી અમિત ચાવડા

•             મતદાન અધિકાર છીનવવાના સુનિયોજીત ષડયંત્ર વિરૂધ્ધ કોંગ્રેસ પક્ષ ધરણા-પ્રદર્શન, મામલતદાત કચેરી, કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે, જરૂર પડશે તો કોર્ટમાં જઈશું : શ્રી અમિત ચાવડા

•             કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ હોય કે છેવાડામાં વસનાર ગરીબ મજદૂર હોય તેમને સમાન મતનો અધિકાર આપ્યો તેને કોંગ્રેસ છીનવવા નહીં દે. : શ્રી જગદીશભાઈ ઠાકોર

•             દરેક નાગરિકને તેમના મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કરનાર કોણ છે તે જાણવાનો હક્ક છે :

ડૉ. એમીબેન યાજ્ઞિક

રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિતભાઈ ચાવડાએ ચૂંટણી પંચની એસ.આઈ.આર. (SIR)ની કામગીરીમાં થઈ રહેલ ગેરરીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા નવસારી લોકસભામાં ભૂતિયા શોધી વોટ ચોરી ઉજાગર કરી હતી. ચૂંટણી પંચના નાક નીચે કોંગ્રેસ પક્ષ અને નેતા વિપક્ષ શ્રી રાહુલ ગાંધી દ્વારા વારંવાર વોટ ચોરીને ખુલ્લી પાડવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા જે ડ્રાફ્ટ મતદારયાદીમાં ક્ષતિ હોય તે સુધારા માટે વ્યવસ્થાનો દુરુપયોગ સામે આવ્યો છે. મતદાર રદ્દ કરવા માટેના ફોર્મ ૭,  જાન્યુઆરી ૧૫ સુધીમાં ચૂંટણી પંચ જોડે નહિવત પ્રમાણમાં આવ્યા હતા. કોંગ્રેસ પક્ષ દ્વારા પત્ર લખી ફોર્મ ૭ની વિગત માંગવા છતાં ચૂંટણી પંચ દ્વારા આપી નથી. જ્યારે એક ષડયંત્રની જેમ ૧૬,૧૭ અને ૧૮ જાન્યુઆરીમાં જથ્થાબંધ પ્રમાણમાં જમા થયા છે. એક સંગઠિત પ્લાનિંગ સાથે કેટલાક ચોક્કસ પક્ષ દ્વારા ત્રણ દિવસમાં પૂરતા પુરાવા વગર ફોર્મ ૭ને જે તે વિધાનસભામાં અધિકારીઓ ને આપવામાં આવ્યા છે. પહેલા વોટ ચોરી કરી હવે ૧૦ લાખ જેટલા ખોટા ફોર્મ-૭ ભરીને મતદારોનો મતનો અધિકાર છીનવવાનું ષડયંત્ર છે. બંધારણે મતનો અધિકાર આપ્યો છે ત્યા ભાજપના ચૂંટણીપંચ સાથેના મેળાપીપણાથી અધિકાર ખતમ કરવા માંગે છે. લોકશાહીમાં જનતાને મળેલા મતદાનના અધિકારને સુનિયોજિત કાવતરું ઘડીને છીનવવાનો પ્રયાસ છે.

એક સરખા ચોક્કસ પ્રિન્ટેડ ફોર્મેટમાં મતદારની વિગત સાથે અલગ અલગ જિલ્લામાં ફોર્મ ૭ રજૂ કરવામાં આવ્યા છે તેના પુરાવા છે. મોટી સંખ્યામાં આવેલ ફોર્મ ૭ કોણ ચૂંટણી પંચમાં આપવા આવ્યું હતું તેના સીસીટીવી ફૂટેજ અને માહિતી જિલ્લાવાર ચૂંટણીપંચે આપવા પડશે. શું તે ફોર્મના જથ્થા આપનાર ચોક્કસ રાજકીય પક્ષના આગેવાનો હતા કે નહીં તેની વિગત ચૂંટણી પંચે જાહેર કરવી પડશે ફોર્મ ૭ અરજી કરનાર ક્યાંક વિદેશનો રહેનારા નીકળે, ક્યાંક ફોર્મ ૭ના વાંધો ઉપાડનારની વિગતમાં એપિક નંબર ના લખ્યો હોય તો ક્યાંક તેનો મોબાઈલ નંબરની વિગતો ના હોય તેવા ચૂંટણીપંચમાં જમા થયા છે. ક્યાંક જેમના નામે ફોર્મ ૭ના વાંધા રજૂ થયા છે તે બાબત થી અજાણ હોય તે પ્રકાર ની માહિતી સામે આવી છે.

કોંગ્રેસ પક્ષ એક પણ નાગરિકના મતદાનનો અધિકાર છીનવવા નહીં દે. કોંગ્રેસ પક્ષ દ્વારા બંધારણથી મળેલ મતદાનના અધિકાર માટે આગેવાનો કાર્યકરો સાથે મામલતદાર – કલેક્ટર કચેરીનો ઘેરાવો કરશે અને ધરણાં પ્રદર્શન કરશે. જ્યાં કાયદાકીય લડાઈ લડવાની હશે તો તે પણ કોંગ્રેસ સંવિધાન અને લોકશાહી બચાવવા માટે લડશે. ખોટી વિગત સાથે ફોર્મ ૭ ભરી ને વોટ ચોરી કરવાના પ્રયાસ સામે કાયદેસરની કાર્યવાહીની જોગવાઈ છે. ખોટી વિગત દ્વારા ફોર્મ ૭ના વાંધા મૂકી વોટ ચોરીનો પ્રયાસ ઉપર એફઆઈઆર નોંધી જેલ ભેગા કરવા જોઈએ. ખોટી માહિતીના આધારે તપાસ્યા વગર કોઈ અધિકારી દ્વારા ચોક્કસ પક્ષને લાભ અપાવવા ગેરરીતિ આચરે તો તેની સામે કાયદાકીય લડાઈ  લડશું. ગેરકાયદેસર કામ કરશે તો અધિકારીઓ જેલના સળિયા પાછળ જવા તૈયાર રહે.

પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોરે પત્રકાર પરિષદમાં આક્રમક તેવરે વાત કરતા જણાવ્યું કે જે રીતે અંગ્રેજોએ દેશને હાયજેક કર્યો હતો તેમ હાલ માં કેટલીક શક્તિઓ દેશને વોટ ચોરી ના ષડયંત્રથી હાયજેક કરવા માંગે છે. જેમ બંધારણ સમયે કેટલાક વર્ગ, સમૂહદાય કે લિંગને મતદાન અધિકાર ના મળે તેવા પ્રયત્ન હતા છતાં કોંગ્રેસે દેશના રાષ્ટ્રપતિ હોય કે છેવાડામાં વસનાર ગરીબ મજદૂર હોય તેમને સમાન મતનો અધિકાર આપ્યો તેને કોંગ્રેસ છીનવવા નહીં દે.

પૂર્વ સાંસદ ડૉ. એમીબેન યાજ્ઞિક પ્રેસ વાર્તામાં મતદાર જોગ અપીલ કરી હતી કે ડ્રાફ્ટ મતદારયાદીમાં તેમના નામની ચકાસણી કરીને કોઈએ વાંધો ઉપાડ્યો હોય તેની વિગત મેળવે. મતદાનનો અધિકાર છીનવવાનો પ્રયાસ કરનાર કૉણ છે તે જાણવાનો હક્ક દરેક નાગરિકને છે. ખોટી રીતે મતદાન અધિકાર છીનવનાર વ્યક્તિઓ ઉપર મતદારોએ કાનૂની પગલાં લેવા જોઈએ.

Related Posts