ભાવનગર

ફ્લાઈટ  બંધ વિકાસની હત્યા  ભાવનગર સાથે ખુલ્લો વિશ્વાસઘાત : ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલનો આક્રોશ

ભાવનગર : ભાવનગર શહેરના વિકાસના દાવાઓ હવે જુઠ્ઠાણાં, જુમલા અને જનતાને ભોળી બનાવવાની નાટકબાજી સાબિત થયા છે. કેન્દ્રમાં મંત્રી હોવા છતાં ભાવનગર આજે હવાઈ નકશા પરથી લગભગ ગાયબ કરી દેવામાં આવ્યું છે. ભાવનગર એરપોર્ટ આજે સંપૂર્ણ બંધ હાલતમાં છે એક પણ ફ્લાઈટ નહીં, એક પણ મુસાફર નહીં, રોજગારીની એક પણ તક નહીં. એરપોર્ટ પર છવાયેલો આ સુનસાન સન્નાટો ભાજપ સરકારની ભયાનક નિષ્ફળતા અને બેદરકારીનો ખુલ્લો પુરાવો છે.

ભૂતકાળમાં ભાવનગરથી મુંબઈ, પુણે અને સુરત જેવી વ્યાવસાયિક અને ઔદ્યોગિક શહેરો માટે નિયમિત ફ્લાઈટ્સ ઉડતી હતી. મુસાફરોની સંખ્યા હતી, વ્યવસાય હતો, રોજગારી હતી. છતાં કોઈ કારણ વગર આજે ભાવનગરના વિકાસના પાંખો જાણબૂઝીને કાપી નાખવામાં આવ્યા છે. સવાલ સીધો છે  શું ભાવનગરને પછાત રાખવાની કોઈ રાજકીય સાજિશ ચાલી રહી છે ?

આ મુદ્દે વેપારી સંગઠનો, ભાવનગર ચેમ્બર ઓફ કોમર્સ અને શહેરના આગેવાનો વારંવાર રજુઆતો કરતા આવ્યા છે. પ્રતિનિધિ મંડળ દિલ્હી જઈને કેન્દ્ર સરકાર સમક્ષ માથું અથડાવી ચૂક્યું છે. છતાં સરકાર તરફથી એક લાઈનનો જવાબ નથી, કોઈ સમયમર્યાદા નથી, કોઈ જવાબદારી નથી. આ ચુપ્પી હવે મૌન નહીં, પરંતુ ગુનાહિત બેદરકારી બની ગઈ છે.

ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણીયા કેન્દ્ર સરકારમાં મંત્રી હોવા છતાં પોતાના મતવિસ્તાર માટે એક ફ્લાઈટ પણ પાછી લાવી શક્યા નથી. મંત્રિપદ જો ફક્ત કાર, બંગલો અને સુરક્ષા માટે જ હોય અને શહેર માટે શૂન્ય પરિણામ આપે, તો આવા મંત્રીઓ ભાવનગર માટે ભારરૂપ છે. સાંસદની નિષ્ક્રિયતા અને મૌનતા ભાવનગરના નાગરિકોને ખુલ્લેઆમ અપમાનિત કરી રહી છે.

એક તરફ રાજકોટ શહેર પર કરોડો રૂપિયાનો વિકાસવરસાદ વરસાવવામાં આવી રહ્યો છે  એરપોર્ટ, ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી અને બીજી તરફ ભાવનગરને સુનસાન, બેરોજગાર અને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યું છે. શું ભાવનગર સાથે રાજકીય ભેદભાવ નથી થઈ રહ્યો? શું આ શહેર કોઈની આંખમાં ખૂંચે છે? આ પ્રશ્ન હવે દરેક ભાવનગરવાસીના મનમાં સળગી રહ્યો છે.

ભાવનગરના નાગરિકો હવે ખાલી ભાષણો, ખોટા વચનો અને ફોટોશૂટની રાજનીતિથી કંટાળી ગયા છે. શહેરને એરપોર્ટ જોઈએ, શહેરને રોજગારી જોઈએ અને શહેરને વિકાસ જોઈએ. હવે સહનશક્તિની હદ પૂરી થઈ ગઈ છે.

હવે પ્રશ્ન માત્ર પૂછવાનો નથી  હવે જવાબ માગવાનો સમય છે.
બંધ પડેલા ભાવનગર એરપોર્ટને ફરી શરૂ કરવાની જવાબદારી કોણ લેશે ?
કે પછી સત્તાધીશો ભાવનગરને જાણબૂઝીને વિકાસના નકશા પરથી મિટાવી નાખવા માંગે છે ? એક સુરત ફ્લાઇટ હતી એ પણ બંધ..

Related Posts