રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉડાન ભરતી કેટલીક ફ્લાઇટ્સને તાજેતરમાં GPS સ્પૂફિંગ (ખોટા સિગ્નલો)નો સામનો કરવો પડ્યો હોવાની કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સંસદમાં કબૂલાત કરી છે. આ ગંભીર ઘટનાની જાણકારી કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી.આ અંગે સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિન્જારાપુ રામમોહન નાયડુએ સંસદમાં જણાવ્યું કે, આ ઘટનાઓ ત્યારે બની હતી, જ્યારે વિમાનો ઈન્દિરા ગાંધી એરપોર્ટના રન-વે 10 પર ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (GPS- જીપીએસ) આધારિત લેન્ડિંગ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હતા. જીપીએ સ્પૂફિંગના કારણે વિમાનોના નેવિગેશન સિસ્ટમને ખોટા સિગ્નલો મળ્યા હતા. પરિણામે પાયલટોએ તાત્કાલિક આકસ્મિક કાર્યવાહી શરૂ કરવી પડી હતી. જો કે, ગ્રાઉન્ડ-આધારિત પરંપરાગત નેવિગેશન સિસ્ટમના કારણે અન્ય રન-વે પરની કામગીરી પૂરતી અસરકારક રહી ન હતી. માત્ર દિલ્હી જ નહીં, પરંતુ દેશના અન્ય મુખ્ય એરપોર્ટ્સ પર પણ GNSS (ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ)માં આ પ્રકારના હસ્તક્ષેપના અહેવાલો મળ્યા છે. સરકારે કબૂલ્યું છે કે, કે કોલકાતા, અમૃતસર, મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નાઈ એરપોર્ટ પર પણ GPS જામિંગ/સ્પૂફિંગની ઘટનાઓ નોંધાઈ છે. આ ઘટના પછી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા આ જોખમને ઘટાડવા માટે અનેક પગલાં લેવાયા છે. તેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તક્ષેપના સ્ત્રોતને ઓળખવા માટે વાયરલેસ મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશન (WMO) ની મદદ લેવામાં આવી છે. આ ઉપરાંત ડીજીસીએ દ્વારા જીપીએસ સ્પૂફિંગની ઘટનાઓનું રિયલ ટાઇમ રિપોર્ટિંગ કરવા માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડ્યુર (SOP) પણ બહાર પાડવામાં આવી છે. આ ઉપરાંત એરક્રાફ્ટની સુરક્ષા માટે ભારતીય હવાઈ ક્ષેત્રમાં પરંપરાગત ગ્રાઉન્ડ આધારિત નેવિગેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મીનિમમ ઓપરેટિંગ નેટવર્ક (MON) જાળવી રખાયું છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા સાયબર સુરક્ષાના જોખમો સામે લડવા સિસ્ટમ અને પ્રોટોકોલ પણ સતત અપગ્રેડ કરાઈ રહ્યા છે. ઉડ્ડયન મંત્રીએ સંસદમાં જણાવ્યું છે કે, એવિએશન ક્ષેત્રે પણ રેન્સમવેર અને માલવેર જેવા સાયબર હુમલાનું જોખમ પણ સતત વધી રહ્યું છે, જે નિર્ણાયક સિસ્ટમને નિશાન બનાવી શકે છે. આ જોખમોનો સામનો કરવા માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ તેના IT નેટવર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર સુરક્ષા વધારી દીધી છે. આ તમામ અપગ્રેડેશન નેશનલ ક્રિટિકલ ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (NCIIPC) અને ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા નક્કી કરાયેલી માર્ગદર્શિકા મુજબ કરાયા છે. આ સિવાય ભારત વૈશ્વિક ઉડ્ડયન-સુરક્ષા ફોરમમાં પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યું છે, જેથી નવીનતમ ટેક્નોલોજીથી માહિતગાર થઈને અપડેટ થઈ શકાય.જીપીએસ સ્પૂફિંગ એ એક એવી પ્રવૃત્તિ છે જેમાં કોઈ હુમલાખોર (Malicious Actor) નકલી જીપીએસ સિગ્નલની મદદથી જીપીએસ રિસિવરને છેતરી શકે છે. એવિયેશન ક્ષેત્રે વિમાનના નેવિગેશન યુનિટને છેતરવા અને મોટો અકસ્માત સર્જવા આ પદ્ધતિનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારનું હેકિંગ જીપીએસ રિસિવરને એવું માનવા મજબૂર કરે છે કે, તે ખરેખર જ્યાં છે તેના કરતાં જુદા સ્થાન અને સમય પર છે.
1. રેડિયો ફ્રિક્વન્સી (RF) સિગ્નલ સ્પૂફિંગ: આ પ્રકારની છેતરપિંડીમાં હુમલાખોર અસલી જીપીએસ સિગ્નલોની નકલ કરીને નકલી સિગ્નલોનું પ્રસારણ કરે છે. આ નકલી સિગ્નલો ઘણીવાર અસલી કરતા વધુ મજબૂત હોય છે. હુમલાખોર આ સિગ્નલના સમય અને વિષય વસ્તુને કાળજીપૂર્વક નિયંત્રિત કરીને રિસિવરને તેની સ્થિતિ (Position), ઊંચાઈ (Altitude) કે ઝડપ (Velocity)ની ખોટી ગણતરી કરવા મજબૂર કરે છે.
2. નેવિગેશન ડેટા મેનિપ્યુલેશન: આ પ્રકારના વધુ હાઈટેક હુમલામાં સ્પૂફર નેવિગેશન ડેટા રિસિવ થયા પછી તેને આંતરીને (ઇન્ટરસેપ્ટ) બદલી શકે છે. અથવા તેઓ ડેટા સર્વિસને જ કોમ્પ્રોમાઇઝ કરીને ખોટી માહિતી આપે છે. આ ટેક્નોલોજિકલ ખતરાને ધ્યાનમાં રાખીને, સરકારે એરપોર્ટ પર સાયબર સુરક્ષા પગલાં વધારી દીધા છે અને હુમલાના સ્ત્રોતને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
સામાન્ય રીતે જાણીતા જીપીએસ જામિંગ હુમલામાં સિગ્નલોને માત્ર બ્લોક કરાય છે, જેથી રિસિવર કામ કરવાનું બંધ કરી દે છે. પરંતુ સ્પૂફિંગમાં તો સિગ્નલોને બ્લોક કરવાને બદલે સક્રિયપણે ખોટો ડેટા આપે છે. આ કારણસર રિસિવરને લાગે છે કે, તે સાચા સિગ્નલ મેળવી રહ્યું છે. રિસિવરને આ રીતે છેતરીને વિમાન કે ડ્રોન જેવી સિસ્ટમને ગેરમાર્ગે દોરી શકાય છે, જે મોટી દુર્ઘટના સર્જી શકે છે.


















Recent Comments