ગુજરાત

‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષો ઉછેરીને ગ્રીન કવર- કવચ ઉભું કરાયું : વન -પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા

‘કલાયમેટ ચેન્જ’ની વૈશ્વિક સમસ્યાના હકારાત્મક ઉકેલ માટે રાજ્યમાં જનભાગીદારીથી મહત્તમ વૃક્ષ ઉછેરવાની સાથે વિવિધ સ્વરૂપે ગ્રીન કવર- કવચ ઉભું કરવામાં આવ્યું છે. આ લક્ષ્યાંક સિદ્ધ કરવા વન વિભાગની સાથેસાથે વિવિધ પર્યાવરણ પ્રેમી સંસ્થાઓ- નાગરિકો સંયુક્ત ભાગીદારીથી કાર્ય કરી રહ્યા છે. આ સંયુક્ત પ્રયાસોના ભાગરૂપે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલ ‘એક પેડ મા કે નામ’ ૨.૦ અંતર્ગત ગુજરાતે અત્યાર સુધીમાં અંદાજે ૭.૫ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે જે ગૌરવ સમાન છે તેમ, વન-પર્યાવરણ અને ક્લાયમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાએ આજે ગાંધીનગરથી જણાવ્યું હતું.

                વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના તા.૧૭ સપ્ટેમ્બરે ૭૫મા જન્મ દિવસના ઉપક્રમે અને ‘વિશ્વ ઓઝોન દિવસ’ નિમિત્તે વન- પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઇ બેરાના હસ્તે આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના કુલ -૧૯ પર્યાવરણ પ્રેમી વિજેતાઓ – સંસ્થાઓને વિવિધ સાત શ્રેણીમાં ‘ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્સ ૨૦૨૫-૨૬’ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃક્ષોના જતન માટે રાજ્યભરમાં સેવા આપી રહેલા સદભાવના ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત ૫૬ જેટલા આમ‌ કુલ -૭૫ સંસ્થા- કાર્યકરોને પુરસ્કાર – પ્રમાણપત્ર આપી આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ, દ્ધિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ.૧ લાખ, ૭૫ હજાર અને ૫૦ હજારનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

                મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ પર્યાવરણના રક્ષણ માટે પુરસ્કાર વિજેતાઓના સમર્પણ અને યોગદાનની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૦૯માં ૧૭ સપ્ટેમ્બરના રોજ એશિયા સૌ પ્રથમ ગુજરાતમાં અલગ ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના કરી આ ક્ષેત્રમાં નવી દિશા કંડારી હતી. આજે ક્લાઈમેટ ચેન્જના કારણે વિશ્વમાં ભૂકંપ, વાવાઝોડું, અતિવૃષ્ટિ અને ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ જોવા મળે છે.

        આ ક્લાઈમેટ ચેન્જ સામે લડવા અને દેશમાં ગ્રીન કવર વધારવા માટે વડાપ્રધાનશ્રીએ તા. ૫ જૂન ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ના રોજ ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કર્યો હતો જેને ગુજરાત સહિત સમગ્ર દેશે વધાવી

લીધું છે. રાજ્યની અંદાજે ૪૧ હજાર જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં ૩૮ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.  વર્ષ ૨૦૩૦ સુધીમાં કુલ ઉપયોગની ૫૦ ટકા વીજળી પરંપરાગત ઊર્જામાંથી પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે ત્યારે ખેડૂતો,ઉદ્યોગપતિઓ સહિત નગર, શહેર, તાલુકા અને ગામમાં  વૃક્ષો વાવવા પ્રત્યે અભૂતપૂર્વ જાગૃતિ આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

        મંત્રીશ્રીએ વૃક્ષોના જતન-સંવર્ધન માટે કાર્યરત સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયા અને ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વતી અભિનંદન આપતા કહ્યું હતું કે વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટે સાથે મળીને ગુજરાતમાં સૌ પ્રથમ સ્ટેટ અને નેશનલ હાઇવેની આજુબાજુ વૃક્ષો વાવીને ગ્રીન કવચ ઉભુ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે જેના ભાગરૂપે પાયલોટ પ્રોજેક્ટ તરીકે સોમનાથ અને દ્વારકા વચ્ચે અંદાજે ૨૦ હજારથી વધુ વૃક્ષો વાવીને ગ્રીન કોરિડોર તૈયાર કર્યો છે. આગામી સમયમાં ૬૦૦થી વધુ હાઇવેને વૃક્ષોથી હરિત બનાવવામાં આવશે.

        સદભાવના ટ્રસ્ટના પ્રયત્નોથી મોરબીમાં અંદાજે ૧૨૦૦ હેક્ટર જમીનમાં માત્ર ૩૭ દિવસમાં ૧૦ લાખથી વધુ વૃક્ષો સાથે  મિયાવાકી વન તૈયાર કરીને રેકોર્ડ બનાવ્યો છે, જેનું આવતીકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. વન વિભાગ અને સદભાવના ટ્રસ્ટના પ્રયત્નોથી દરેક જિલ્લામાં કલેક્ટરશ્રી સાથે પરામર્શ કરીને જિલ્લામાં વિશેષ વન કવચ તૈયાર કરવામાં આવશે. ગુજરાતની તમામ સરકારી કચેરીઓ ઉપર  સોલર પેનલ લગાવવા માટે રાજ્ય સરકારે અંદાજે રૂ. ૧૦૦ કરોડ ફાળવ્યા છે.  આ ગ્રીન કવચ અભિયાન હવે સાચા અર્થમાં જનઆંદોલન બન્યું છે. આપણે સૌએ સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરીને પર્યાવરણના જતનમાં પોતાનું યોગદાન આપવું જોઇએ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

        વૃક્ષ પ્રેમી અને સદભાવના ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયાએ સૌને આહૃવાન કરતાં કહ્યું હતું કે આ ધરતી માતા આપણી સૌની છે, તેને વધુ હરિયાળી બનાવવી આપણા સૌની ૧૦૦ ટકા જવાબદારી છે. મંત્રી શ્રી મુળુભાઇ બેરાના નેતૃત્વમાં વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ સહિત પર્યાવરણ પ્રેમીઓના સહયોગથી હજારો એકર જમીનમાં ગ્રીન કવચ ઉભુ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વૃક્ષો વાવવા હજારો લોકો કરોડો રૂપિયાનું દાન કરી રહ્યા છે. આગામી વર્ષ ૨૦૩૦ સુધીમાં સરકાર અને આપણે સાથે મળીને ગુજરાતમાં અંદાજે ૧૫ કરોડથી વધુ વૃક્ષો વાવીને આવનાર પેઢીને વારસામાં ગ્રીન ગુજરાતની ભેટ આપવાની છે. આ અભિયાનને સાર્થક કરવા વ્યક્તિગત રીતે એક કિલોમીટર વિસ્તારમાં વૃક્ષો વાવવાનું શ્રી ડોબરીયાએ સૌ વૃક્ષ પ્રેમીઓને આહૃ્વાન કર્યું હતું.

                ક્લાઇમેટ ચેન્જ વિભાગના સચિવ શ્રી રાહુલ ગુપ્તાએ સૌને અભિનંદન આપતાં કહ્યું હતું કે, રાજ્યમાં વન કવચ વધારવા વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ અને આ ક્ષેત્રે કામ કરતી વિવિધ સંસ્થાઓએ જનભાગીદારીથી મહત્વની ભૂમિકા ભજવી છે. વિભાગ દ્વારા પર્યાવરણના આ સદકાર્યને બિરદાવવા માટે સતત ચાર વર્ષથી ક્લાઇમેટ ચેન્જ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વડાપ્રધાનશ્રીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ૭૫ પર્યાવરણ પ્રેમીઓનું સન્માન એ આપણા સૌ માટે ગૌરવ સમાન છે. 

        ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી- GEDAના ડાયરેક્ટર શ્રી અજય પ્રકાશે સૌ પર્યાવરણ પ્રેમીઓને  આવકારતાં કહ્યું હતું કે વન વિભાગ, સદભાવના ટ્રસ્ટ અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના વન કવચમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘મિશન લાઇફ’ દ્વારા રીયુઝ અને રીસાઇકલનો સંદેશો આપ્યો છે જેને આપણે સૌ જીવનમાં અમલી બનાવીશુ તો આબોહવા પરિવર્તનના જોખમો સામે લડી શકીશુ.

        ક્લાઇમેટ ચેન્જ વિભાગના ઉપ સચિવ શ્રી ડૉ. રાજેશ બલદાણિયાએ સૌનો આભાર માન્યો હતો. 

        આ કાર્યક્રમમાં રાજ્યભરના કુલ ૧૯ વિજેતાઓને સસ્ટેનેબલ પદ્ધતિઓ, પુનઃવનીકરણ, ઊર્જા બચત, કચરાનું વ્યવસ્થાપન, પાણી સંરક્ષણ અને રિન્યુએબલ ઊર્જાના ઉકેલમાં તેમણે આપેલા યોગદાન બદલ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ વિજેતાઓમાં એવા નાગરિકો-સંસ્થાઓનો સમાવેશ થાય છે કે જેમણે મોટાપાયે વૃક્ષારોપણ અભિયાન ચલાવ્યા, ઇકો-ફ્રેન્ડલી ટેકનોલોજી વિકસાવી અને સમુદાય આધારિત ટકાઉ કાર્યક્રમો અમલી બનાવ્યા છે.

        આ અવોર્ડની કુલ સાતમાંથી, ‘શૈક્ષણિક સંસ્થા’ શ્રેણી હેઠળ ગાંધીનગર-પાલજની સરકારી પ્રાથમિક શાળા,  ‘ઔદ્યોગિક એકમ’ શ્રેણી હેઠળ શ્રી રામકૃષ્ણ એક્ષ્પોર્ટસ પ્રા. લિ. તેમજ ‘વ્યક્તિગત’ શ્રેણી હેઠળ ડૉ. ઉપેન્દ્ર પટેલને પ્રથમ પુરસ્કાર અપાયો છે.  જ્યારે શાહ મનન રાજીવને  ‘રિસર્ચ પ્રોજેક્ટ’ શ્રેણી હેઠળ તેમજ ‘જાહેર જાગૃતી’ શ્રેણીમાં  ગુજરાત એન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (જેમી)ને પહેલો પુરસ્કાર જીત્યો છે. આ સમારોહમાં ‘સ્ટાર્ટ અપ એક્મો’ની શ્રેણી પણ હતી, જેનો પ્રથમ પુરસ્કાર ઇશિત્વા રોબોટિક્સ સિસ્ટમ પ્રા. લિ.ને મળ્યો હતો. ‘મહિલા સાહસિકો’ માટેની શ્રેણીમાં ડૉ. ફાલ્ગુની જોશી પ્રથમ પુરસ્કાર જીત્યા હતા. આ સિવાય અન્ય અરજદારો અને પર્યાવરણ ક્ષેત્રે શાંતિથી કાર્યરત વ્યક્તિઓના યોગદાનને પણ બિરદાવવામાં આવ્યા. તેમના સતત પ્રયાસોએ સ્થાનિક સમુદાયોમાં હકારાત્મક પરિવર્તન લાવ્યું છે અને સ્થાયી પર્યાવરણીય અસર ઊભી કરી છે.

        અત્રે નોંધનીય છે કે, નાગરીકો અને સ્વૈચ્છિક સંસ્થાઓને પર્યાવરણ-ક્લાઇમેટ ચેન્જ પ્રત્યે વધુ જાગૃતિ આવે તેવા હેતુ સાથે ગુજરાતમાં ક્લાઇમેટ ચેન્જ અવોર્ડ્ આપવાનો પ્રથમ પ્રારંભ વર્ષ ૨૦૨૧-૨૨થી કરવામાં આવ્યો હતો. આ વર્ષ ૨૦૨૫-૨૬ માટે કુલ ૨૫ અરજીઓ આવી હતી જેમાંથી નિયત માપદંડોને આધારે ૧૯ અવોર્ડ્ માટે પસંદગી કરવામાં આવી હતી. 

        આ કાર્યક્રમમાં ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓ, પર્યાવરણવિદો, ક્લાઇમેટ ચેન્જ અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ-કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts