ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને હાલમાં ઈફકો તથા એન.સી.યુ.આઈ. ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીને સુપ્રિમ કોર્ટ દ્વારા આજે કહેવાતા ૪૦૦ કરોડના ફીશરીઝ પ્રકરણમાં ચાર્જ મુક્ત કરવાનો હુકમ કરતાં દિલીપ સંઘાણીને રાહત મળેલ છે.આ સમગ્ર પ્રકરણની વિગત એવા પ્રકારની છે કે સને-૨૦૦૭ના વર્ષમાં અમરેલીથી ધારાસભ્ય બનેલા દિલીપ સંઘાણી કૃષિ, સહકાર, પશુપાલન, ફીશરીઝ સહિતના વિભાગના કેબીનેટ મંત્રી બન્યા હતા અને ફીશરીઝ વિભાગના રાજ્યમંત્રી તરીકે હાલના વર્તમાન મંત્રી પરસોત્તમભાઈ સોંલકી હતા. તે વખતે એક ઈશાક મોરડીયા નામની વ્યક્તિએ તે વખતના રાજ્યકક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકી સામે રૂ.30 લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ કરી પરસોત્તમભાઈ સોલંકી સામે ફરિયાદ કરવા મંજુરી માંગી હતી, પરંતુ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ મળેલ કેબીનેટની મીટીંગમાં મંજુરી આપવાની ના પાડતાં જે તે વખતે ગુજરાતના ગવર્નર તરીકે રહેલા કમલા બેનીવાલ દ્વારા સને-૨૦૧૨ ના વર્ષમાં પરસોત્તમભાઈ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવા મંજુરી આપતા ફરિયાદી દ્વારા ગાંધીનગરની સ્પે. કોર્ટમાં પરસોત્તમભાઈ સોલંકી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
જેથી કોર્ટ દ્વારા ઈન્કવાયરી કરવાનો હુકમ કરવામાં આવેલ હતો ત્યારે ગાંધીનગરના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કરવામાં આવેલ તપાસના અંતે રાજકીય કારણોસર સને-૨૦૧૪ ના વર્ષમાં આખરી રીપોર્ટમાં આરોપી નં.ર તરીકે તત્કાલીન કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણીનું નામ જોડવામાં આવેલ હતું, પરંતુ આ સમગ્ર તપાસમાં દિલીપ સંઘાણી સામે કોઈ આક્ષેપ કરવામાં આવેલ નહી કે તેમની સામે કોઈપણ પ્રકારનો પુરાવો ન હોવા છતાં માત્ર ને માત્ર રાજકીય કારણોસર તેમનું નામ આરોપી નં. ૨ તરીકે દર્શાવવામાં આવેલ હતું. ગાંધીનગરની કોર્ટ દ્વારા સને-૨૦૧૫ ના વર્ષમાં દિલીપ સંઘાણી સામે સમન્સ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હતો જેથી ગાંધીનગરની કોર્ટના સમન્સ ઈસ્યુ કરવાના હુકમને નામ. હાઈકોર્ટમાં પડકારતાં નામદાર કોર્ટ દ્વારા ગાંધીનગરની સ્પેશ્યલ કોર્ટમાં પ્રિ-ચાર્જ પુરાવો લીધા બાદ ડીસ્ચાર્જ અરજી કરવાનો હુકમ કરેલ હતો,
જેથી ગાંધીનગરની સ્પેશ્યલ કોર્ટમાં નામદાર કોર્ટ દ્વારા ફરિયાદી ઈશાક મોરડીયા, આઈ.પી.એસ. ઓફિસર અર્થના શીવહરે તથા શરદ સીધલ તથા એસીબીના ડીવાયએસપી પી. જે. ચૌધરીની સરતપાસ તથા ઉલટ તપાસ કરવામાં આવી હતી, તે દરમ્યાન કોઈ પુરાવો ન મળતાં દિલીપ સંઘાણી દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવેલ હતી જે ડિસ્ચાર્જ અરજી તા.૧૨/૦૩/૨૦૨૧ ના રોજ નામંજુર કરવામાં આવેલ હતી. જેથી ગાંધીનગરની કોર્ટનાં તા. ૧૨/૦૩/૨૦૨૧નાં હુકમને નામ. ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલ હતો અને તા.૨૬/૦૭/૨૦૨૪ ના રોજ નામ ગુજરાત હાઈકોર્ટે દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજી રદ કરી હતી જેથી દિલીપ સંઘાણીએ તેમના એડવોકેટ રાજેશ રૂપારેલીયા મારફતે સુપ્રિમ કોર્ટમાં નામ. ગુજરાત હાઈકોર્ટના હુકમને પડકાર કરેલ હતો. જેમાં તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સુપ્રિમ કોર્ટમાં માનનીય જસ્ટીસ સુંધાશુ ધૂલીયા અને જસ્ટીસ વિનોદ ચંદ્રનની ખંડપીઠમાં સુપ્રિમ કોર્ટના સિનિયર એડવોકેટ અને ભારત સરકારના પૂર્વ એટોર્ની જનરલ શ્રી મુકુલ રોહતગી દ્વારા દલીલો કરવામાં આવેલ હતી અને આજરોજ તા.૨૭/૦૨/૨૦૨૫ ના રોજ નામ. સુપ્રિમ કોર્ટ ઈન્ડિયા દ્વારા દિલીપ સંઘાણીને તમામ આરોપમાંથી મુક્ત જાહેર કરવાનો હુકમ કર્યો હતો. દિલીપ સંઘાણી અત્યારે
આફ્રિકાનાં પ્રવાસે છે અને આગામી તારીખ ૦૩ ના રોજ તેઓ ગાંધીનગર પરત ફરતાની સાથે આ કેશ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી વિશેષ વિગતો જાહેર કરશે તેમ આધારભુત વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
Recent Comments