અમરેલી

સાવરકુંડલાની કબીર ટેકરી ખાતે શાંતબા મેડિકલ કોલેજ દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ સંપન્ન

ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ, અમરેલી ના કોમ્યુનિટી મેડિસિન વિભાગ તેમજ ગ્રામીણ આરોગ્ય તાલીમ કેન્દ્ર (RHTC) દ્વારા સાવરકુંડલાના કબીર ટેકરી વિસ્તારમાં માનવતાના હેતુથી નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો શુભારંભ કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસસાહેબના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો

આ કેમ્પમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા દર્દીઓની સઘન તપાસ કરવામાં આવી હતી. સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે નીચે મુજબની સુવિધાઓ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી લેબોરેટરી તપાસ: ડાયાબિટીસ (સુગર) અને હિમોગ્લોબિન (લોહીની ટકાવારી) ની તપાસ. શારીરિક તપાસ: બ્લડ પ્રેશર (B.P.) અને સામાન્ય રોગો (તાવ, શરદી, ઉધરસ) નું નિદાન.

 વિનામૂલ્યે દવાઓ: તપાસ બાદ જરૂરી તમામ દવાઓ દર્દીઓને સ્થળ પર જ મફત આપવામાં આવી હતી.

લોકસેવાને બિરદાવતા મહંતશ્રી

આ પ્રસંગે કબીર ટેકરીના મહંત શ્રી નારાયણ દાસસાહેબે ગજેરા ટ્રસ્ટ અને શાંતબા મેડિકલ કોલેજની આ ઉમદા કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, “છેવાડાના માનવી સુધી ઉત્તમ આરોગ્ય સુવિધાઓ પહોંચાડવી એ જ સાચી પ્રભુ સેવા છે.” સ્થાનિક રહીશોએ પણ સંસ્થાની આ નિ:શુલ્ક સેવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

સુંદર આયોજન અને પ્રતિસાદ

કેમ્પમાં વહેલી સવારથી જ લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કુલ ૭૦ થી વધુ દર્દીઓએ આ શિબિરનો લાભ લીધો હતો. સમગ્ર કેમ્પ દરમિયાન વ્યવસ્થા ખૂબ જ શિસ્તબદ્ધ રહી હતી, જેથી ગ્રામીણ અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો ઘરઆંગણે જ તબીબી સલાહ મેળવી શક્યા હતા.

ગજેરા ટ્રસ્ટ દ્વારા સમયાંતરે કરવામાં આવતી આવી સામાજિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.

Related Posts