ભાવનગર જિલ્લાની ઉમરાળા ગ્રામ પંચાયતે રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટની સાથે સાથે
લોકભાગીદારીના માધ્યમથી અને જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં પોતાના સ્વખર્ચે, દાતાઓના સહયોગથી
ઉમરાળા ગ્રામ પંચાયમાં શહેરને ટક્કર મારે તેવી તમામ માળખાકીય સુવિધાઓ આપવાનો નવતર પ્રયાસ
કર્યો છે. ગામની અંદર કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગ્રામ પંચાયત તેમજ મુખ્ય રસ્તા પર
અદ્યતન સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યાં છે. ગ્રામ પંચાયતમાં સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવીને
સમગ્ર ગામમાં દેખરેખ રાખવામાં આવી રહી છે.
ઉમરાળા ગ્રામ પંચાયતનો વહીવટ છેલ્લા ત્રણ વર્ષથી શ્રી ધર્મેન્દ્રભાઇ હેજમ કરી રહ્યાં છે. તેમણે
મેળવેલાં શિક્ષણ, આગવી સૂઝ અને ગામ માટે કંઇક કરી છૂટવાની તમન્નાને લીધે ઉમરાળા ગામે વિકાસ
ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરીને ગામની સાથે ભાવનગર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈની ઉત્કૃષ્ટ કામગીરીને લીધે વિવિધ મહાનુભાવોના હસ્તે તેમને સન્માનિત
કરવામાં આવ્યાં છે. આમ, ઉમરાળા ગામ અન્ય ગામો માટે પ્રેરણારૂપ બન્યું છે.
ઉમરાળા ગ્રામ પંચાયતની હાઈટેક કામગીરી
ઉમરાળા ગામના સરપંચશ્રી તેમજ તલાટી કમ મંત્રીશ્રી નિલમબેનની દેખરેખ હેઠળ આઇ.ટી.
નિષ્ણાંત ટીમને સાથે રાખી સ્કેનર દ્વારા 18 મી સદીથી લઈને આજ સુધીના જન્મ – મરણ રેકર્ડના એક એક
પેઈજ સ્કેન કરી પીડીએફ બનાવી લેમિનેશન ફોલ્ડરમાં નાખીને વર્ષ વાઇઝ અલગ અલગ ફાઈલો બનાવીને
તમામ રેકર્ડ અપડેટ કર્યું છે. 1899ની સાલ પછીના વડવાઓની જન્મ મરણની માહિતી મિનિટોની
ગણતરીમાં મળી જશે અને 125 વર્ષ જૂનું તૂટી ફાટીને જર્જરિત થયેલ રેકર્ડ હવેથી વર્ષો સુધી સુરક્ષિત રહેશે.
આમ, ઉમરાળાની ગ્રામ પંચાયતે સમગ્ર ગુજરાતના ગામડાઓને નવો રાહ ચિંધ્યો છે.
ગ્રામ પંચાયતમાં ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન નંબર કાર્યરત
ઘરે બેઠાં જ ગ્રામ પંચાયતના પ્રશ્નોનું નિવારણ આવી જાય તો કેવું સારું, બસ આવા વિચાર થકી જ
ગામના સરપંચશ્રીએ એક અનોખી પહેલ આદરી એ પહેલ એટલે ફરિયાદ નિવારણ. ગ્રામ પંચાયતે
7778800087 હેલ્પલાઇન નંબર છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત કર્યો છે. આ નંબર પર લોકો પોતાના પ્રશ્નો
રજૂ કરે છે. તલાટી કમ મંત્રીશ્રી, સરપંચશ્રી તેમજ તેમના સભ્યો દ્વારા રજૂ થયેલાં પ્રશ્નોનું નિવારણ
લાવવાનો પ્રયત્ન કરે છે. આમ આજદિન સુધીમાં નોંધાયેલ તમામ ફરિયાદોનો સમયસર નિકાલ કરી
દેવામાં આવ્યો છે.
ગ્રામ પંચાયતમાં ઓનલાઇન પેમેન્ટ માટે QR કોડની સુવિધા
ઉમરાળા ગ્રામ પંચાયતમાં અત્યાર સુધી રોકડેથી વસૂલાત થતી હતી. પરંતુ હવે QR કોડના
માધ્યમથી ઘરે બેઠા ઓનલાઇન વેરો વસૂલવામાં આવી રહ્યો છે. લોકોને વેરો ભરવા માટે ગ્રામ પંચાયત
સુધી આવવું પડતું નથી. ગામ બહાર વસતા લોકો બહારગામથી પોતાના વેરા અને લોકફાળો આપી શકે છે.
ગ્રામ પંચાયત, લાઈબ્રેરી અને શાળામાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા
ઉમરાળા ગામનાં સરપંચ શ્રી ધર્મેન્દ્રભાઈ હેજમે સ્વખર્ચે ગ્રામ પંચાયત, લાઈબ્રેરી, શાળાઓ તેમજ
ગામના મુખ્ય વિસ્તારોમાં ફ્રી વાઈ-ફાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધા ગ્રામજનો,
વાંચકો માટે ખુબ જ લાભદાયી બની રહી છે.
સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ બોટલ આપો અને રૂ.૨૦ મેળવો
ઉમરાળા ગ્રામ પંચાયતે એક નવતર પહેલ આદરી છે. જેમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક ભરેલી ત્રણ
બોટલ આપે તેને રૂ.૨૦ આપવાના રહે છે. આ પહેલ દ્વારા રસ્તા કે, ગામની અંદર પ્લાસ્ટીકની બોટલો જ્યાં
ત્યાં ફેંકેલી જોવા મળતી હતી. તે હવે જોવા મળતી નથી અને ગામ પણ પ્લાસ્ટીક મુક્ત બનતું જાય છે.
શિક્ષણ ક્ષેત્રે ઉમરાળા ગામની પ્રગતિની રૂપરેખા
ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલા વિવિધ
પ્રયાસો અને તેના સકારાત્મક પરિણામોથી શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે ત્યારે ઉમરાળામાં
ગુણવત્તાસભર શિક્ષણ થકી ધો.10 અને 11ની શાળાનું પરિણામ ઉત્કૃષ્ટ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત
આર્થિક રીતે નબળા પરિવારની દિકરીઓ શિક્ષણની સુવિધાથી વંચિત ના રહી જાય તે માટે ૬૦ દિકરીનો
શિક્ષણનો ખર્ચ અને ૬૦ જેટલાં દિકરા-દિકરીઓને શૈક્ષણિક કિટ્સનું વિતરણ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં
આવી રહ્યો છે. આ શૈક્ષણિક કિટ્સમાં સ્કૂલબેગ, ફુલસ્કેપ ચોપડા, કંમ્પાસ, પેડ, પેન્સીલ, પાણીની બોટલ
અને ૫૦ જેટલી પેનનો સમાવેશ થાય છે.
ઘર આંગણે આરોગ્ય લક્ષી સુદ્રઢ સારવાર
ઉમરાળા ગામના લોકોને ઘર આંગણે જ આરોગ્ય લક્ષી સુદ્રઢ સારવાર મળી રહે તે માટે વેલનેસ
સેન્સર સહિતની આરોગ્ય લક્ષી ઉત્તમ પ્રકારની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. જેમાં ઇમરજન્સી
સારવાર, ડિલિવરી યુનિટ, ઓપીડી સારવાર, લેબોરેટરી, ડાયાલિસિસ યુનિટ વગેરે ઉપલબ્ધ છે. લોકોને
અહીં સમયસર આરોગ્યની સારવાર મળી રહે છે. આકસ્મિક સારવાર માટે એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ
છે. આ ઉપરાંત આર્થિક રીતે નબળા માણસો માટે વ્હીલચેર સહિત અન્ય સાધનોની જરૂર પડે તો ગામના
સરપંચશ્રી દ્વારા વિનામૂલ્યે પુરા પાડવામાં આવે છે. તાજેતરમાં વિશ્વ આરોગ્ય દિવસ ઉજવણીના ભાગરૂપે
ઉમરાળા ગ્રામ પંચાયતને આરોગ્ય વિષયક ટી.બી. નિયમન ક્ષેત્રે ઉત્કૃષ્ઠ કાર્ય બદલ બ્રોન્ઝ એવોર્ડ
આપવામાં આવ્યો છે.
ફાયર સેફટીની સુવિધાથી સજ્જ
ઉમરાળા ગામની મુખ્ય બજારોમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આવનારા
દિવસોમાં ઉમરાળાના તમામ વિસ્તારોને ફાયર સેફટીથી સુસજ્જ કરવામાં આવશે.
ઉમરાળામાં ભયજનક ગોળાઈ પર બહિર્ગોળ કાચ મુકવામાં આવ્યાં
ઉમરાળા ગામમાં અકસ્માત નિવારવા માટે ભયજનક ગોળાઈવાળા આઠ જેટલાં વિસ્તારોમાં બંને
સાઈડથી દેખાય એવા બહિર્ગોળ કાચ મુકવામાં આવ્યા છે. આ કાચ થકી લોકોની સલામતી જળવાઇ છે અને
અકસ્માત પણ નિવારી શકાય છે.
દીકરી જન્મના વધામણા
ઉમરાળા ગામના સરપંચશ્રી દ્વારા ઉમરાળા સરકારી દવાખાનામાં જે પણ દીકરીનો જન્મ થાય તેમને
ચાંદીની ગાય અને ચાંદીનો તુલસી ક્યારો ભેટ આપીને દીકરી જન્મના વધામણા કરવામાં આવે છે. તેઓ
સમાજને સંદેશ આપવા માંગે છે કે, દીકરી એ સાપનો ભારો નથી દીકરી તો તુલસીનો ક્યારો છે.
સોશિયલ મીડિયાના સથવારે ગ્રામજનો સાથે માહિતીનું આદાન પ્રદાન
ગ્રામજનો સુધી માહિતી સમયસર અને ઝડપથી પહોંચે તે માટે ગામના સરપંચશ્રી ધર્મેન્દ્રભાઇ હેજમ
દ્વારા સોશિયલ મીડિયાનું ગૃપ બનાવવામાં આવ્યું છે. આ ગૃપમાં ગામના તમામ પરિવારો જોડાયેલા
હોવાથી ગામને લગતી માહિતી સમયસર પહોંચે છે અને લોકો પોતાના અભિય્રાયો પણ મુક્ત મને શેર કરી
શકે છે. આમ આ ગૃપ ગામના લોકો માટે ખૂબ જ લાભદાયી છે.
ઉમરાળામાં તૈયાર થશે હેલ્ધી અને સ્વાદિષ્ટ શાકભાજી
હેલ્ધી અને સ્વાદિષ્ટ શાકભાજી ઘર આંગણે જ લોકોને મળી રહે તે માટે ગ્રામ પંચાયત દ્વારા 3
હજારથી વધુ પેકેટનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યાં છે.
જયપાલસિંહ ગોહિલે ઇનામ સ્વરૂપે મળેલ ઝેરોક્ષ મશીન પંચાયતને આપ્યું ભેટ
ઉમરાળા ગ્રામ પંચાયતના નિષ્ઠાવાન કર્મચારી જયપાલસિંહ ગોહિલની શ્રેષ્ઠ કામગીરીના ઇનામ
સ્વરૂપે સરકારશ્રી તરફથી અંદાજે રૂ.૧,૫૦,૦૦૦ કિંમતનું ઝેરોક્ષ મશીન ભેટ આપવામાં આવ્યું હતું પરતું શ્રી
જયપાલસિંહે આ ઝેરોક્ષ મશીન પોતે ન રાખતા પંચાયતને ભેટમાં આપ્યું હોવાથી ગ્રામ પંચાયતમાં કામ
કાજ અર્થે આવતા અરજદારોને હવે ઝેરોક્ષ કઢાવવા માટે બહાર જવું પડતું નથી.
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ઉમરાળા ગ્રામ પંચાયતની અનેક લોકોએ મુલાકાત લીધી
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ગુજરાતના વિવિધ જિલ્લાઓના સરપંચો, તલાટી મંત્રીઓ,
કર્મચારીઓ, અધિકારીઓએ ઉમરાળા ગામની મુલાકાત લીધી છે. આ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર, બોટાદ
અને નર્મદા એમ 3 જિલ્લાના સરપંચો અને પદાધિકારીઓ- અધિકારીઓ ઉમરાળાની મુલાકાત લઈ ચુક્યા
છે.
મિશન ગ્રીન ઉમરાળા
ઉમરાળા ગામને લીલુંછમ- હરિયાળુ બનાવવા માટે દાતાઓ અને સમસ્ત ગામના સહિયારા
પ્રયાસોથી 7 રોપાનું ટ્રિગાર્ડ સાથે રોપણ કરવામાં આવ્યું છે. 2727 વૃક્ષોથી ઉમરાળા લીલુંછમ બનશે.
છાયાના વૃક્ષોમાં કણજી, લીમડા, વડ, પીપળો, સપ્તપર્ણ, બીલીપત્ર, ક્લોટન, બોગરનલ, વાંસ, કાશીદ,
સીતાઅશોક, ગરમાળો તેમજ ફળોના વૃક્ષોમાં સીતાફળ, જામફળ, લીંબુ, પપૈયા, ગુંદા, બદામ, સરગવો,
શેતુર, અરીઠા, જાબું, અને ફૂલોમાં જાસૂદ, ગુલાબ, ચંપો, લિલી મેંદી, પીળી મેંદી વગેરે આ તમામ રોપાઓ
ગ્રામ પંચાયત દ્વારા વિનામૂલ્યે આપવામાં આવ્યાં છે. આમ, આજદિન સુધીમાં 3 હજાર જેટલાં રોપાઓનું
વિતરણ કરી દેવામાં આવ્યું છે.
પતંગના તહેવાર દરમિયાન પક્ષીઓના રક્ષણ માટે દોરીના વજન પ્રમાણે મેળવો ઇનામ
ઉતરાયણ તહેવાર બાદ ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં
ગામના રસ્તાઓમાં, વૃક્ષોમાં દરેક જગ્યાઓએ મોટી સંખ્યામાં દોરી ઘુંચ પડેલી હોય છે. જેમાં અસંખ્ય
પક્ષીઓના પગમાં દોરી ભરાવાથી ઉડી શકતા નથી. અબોલ પક્ષીઓને આ મુશ્કેલીથી બચાવવા દોરીના
વજન પ્રમાણે ઇનામ આપવામાં આવે છે. 100 ગ્રામ દોરી જમા કરાવે તો 100 રૂપિયાનું ઇનામ આપવામાં
આવે છે. આમ, જેટલાં ગ્રામ દોરી જમા કરાવે તેટલા ગ્રામના રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે. આમ આ
પહેલ થકી ગામની અંદર નકામી દોરી જોવા પણ મળતી નથી.
૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી રાશન હોમ ડિલિવરીની વિતરણ વ્યવસ્થા
૬૦ વર્ષથી વધુ ઉંમરના વડીલો છે તેમને રાશનની દુકાનેથી અનાજ માથે ઊંચકીને લઈ જવું ન પડે
માટે ફ્રી રાશન હોમ ડિલિવરીની વિતરણ વ્યવસ્થા ઉમરાળા ગ્રામ પંચાયત દ્વારા ચાલુ કરવામાં આવી છે.
આ વ્યવસ્થા વડીલો માટે ખૂબ જ કલ્યાણકારી બની રહી છે.
ઉમરાળા ગ્રામ પંચાયતની ઉમદા પહેલ
શાળાના બાળકોના કૌશલ્યનું ઘડતર થાય તે માટે ગામની શાળામાં દર વર્ષે એક વખત પરીક્ષા
લેવામાં આવે છે. જેમાં સૌથી વધારે માર્કસ મેળવનાર વિદ્યાર્થીને એક દિવસ માટે ગામના સરપંચ
બનાવવામાં આવે છે. આ સાથે ઉપસરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિતની કામગીરી આ વિદ્યાર્થીઓ કરે
છે.
ઉમરાળા ગામના વિકાસ કાર્યોની એક ઝલક
ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન નંબર કાર્યરત, ઉમરાળા ગ્રામ પંચાયત, શાળા તેમજ લાઇબ્રેરીમાં
ફ્રી વાઇફાઇની સુવિધા, બગીચાનું નિર્માણ, ડોર ટુ ડોર કચરાનો નિયમિત નિકાલ, મુખ્ય રસ્તા પર
અદ્યતન સીસીટીવી કેમેરા, કન્યા કેળવણીને પ્રોત્સાહન, શાકભાજીના બિયારણોનો વિનામૂલ્યે વિતરણ,
નિયમિત પાણી વિતરણ, વેરાચુકવણી ડીજીટલ ઓનલાઇન સેવા, વેપારીઓને વિનામુલ્યે ડસ્ટબીનનું
વિતરણ, દર મહિને આરોગ્યલક્ષી કેમ્પો, ભૂગર્ભ ગટરની જાળવણીની શ્રેષ્ઠ કામગીરી, ગ્રામ ઉમરાળા માટે
૨૦૦ ટ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું મોમેન્ટો સાથે સન્માન, ૩૦૦૦ હજાર રોપાઓનું
વિનામૂલ્યે વિતરણ, અગ્નિશામક સાધનોથી સુવિધાસજ્જ મુખ્ય વિસ્તારો, વૃધ્ધોને રેશનીંગ સામગ્રીનું ફ્રી
હોમ ડીલીવરી,મંદીના સમયમાં ઉમરાળા ગામનાં 200 ડાયમંડ વર્કરને રાશનકિટ્સ અને ત્રણ વર્ષ માટે
1,05,000ની વીમા પોલિસી અને ક્રિકેટ અને વોલીબોલની 10 ટીમોને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, ઉમરાળા ગ્રામ પંચાયતના છ માસના કાર્યકાળ દરમિયાન ૬૦ જેટલાં
વિકાસકાર્યો પૂરાં કરવા બદલ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તા.૩૦/૦૮/૨૦૨૨નાં રોજ
શુભેચ્છા સંદેશ પાઠવીને સરપંચશ્રીને અભિનંદન પાઠવ્યા હતા.
Recent Comments