ગુજરાત

અમદાવાદ ફાયર વિભાગની ટીમ માટે શુક્રવાર બન્યો બ્લેક ફાયર ડે

એક જ દિવસમાં ૩ અલગ-અલગ સ્થળે મોટી આગની ઘટના

શુક્રવારે અમદાવાદ શહેરના ૪ અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. જેમાં ચંડોળા તળાવ અને વટવા જીઆઈડીસી, પ્રહલાદ નગર ખાતે આવેલા વિનસ એટલાન્ટિસ અને બાપુનગર વિસ્તારમાં એક કારમાં આગ લાગવાની ઘટનાઓ બની હતી. આ ઘટનાને પગલે ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી હતી. વટવા જીઆઇડીસીમાં લાગેલી આગમાં ૨ લોકો દાઝી જતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.
અમદાવાદના વટવા જીઆઈડીસી ફેઝ ૪માં સંકટ મોચન હનુમાન પાસે આવેલી ફેક્ટરીમાં કોઈ કારણોસર ભયંકર આગ લાગી હતી. જયશ્રી ઈન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીમાં આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ૫ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફેક્ટરીમાં આગ લાગતા તેના ધૂમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા હતા. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
જ્યારે એક અન્ય બીજાે આગનો બનાવ અમદાવાદના પ્રહલાદનગરમાં બન્યો હતો. મળતી માહિતી મુજબ પ્રહલાદનગરમાં આવેલા વિનસ એટલાન્ટિસની બહાર આગ લાગી હતી. આ આગ એટલી ભયાનક હતી. જેના લીધે કુલ ૧૦ જેટલા વાહનો બળીને ખાખ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આગને કાબૂમાં લેવા માટે ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી. પ્રાથમિક તપાસ મુજબ, આગ ભારે ગરમીને કારણે પાર્ક કરેલા ટુ વ્હીલરમાંથી લાગી હોવાનું માનવામાં આવે છે. પાર્કિંગ અને ટુ વ્હીલર પાર્ક કરેલા હોવાથી એક પછી એક ૮થી વધુ ટુ વ્હીલર આગની ચપેટમાં ગયા હતા. જાે કે સદનસીબે રોડ પરથી પસાર થતાં રાહદારીઓ અને સ્થાનિકો દ્વારા સમયસર જાણ કરવામાં આવતાં અન્ય વાહનોને ખસેડી લેવામાં આવ્યા હતા.
ત્રીજા કિસ્સામાં એક બાજુ છેલ્લાં ત્રણથી ચાર દિવસથી ચંડોળા તળાવ ખાતે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં જે ઘર તોડ્યા તેનો કાટમાળ હજુ ત્યાં જ પડ્યો છે. ત્યારે આ કાટમાળમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કાપડ, પ્લાસ્ટિક અને લાકડા સહિતના સામાનમાં આગ લાગી છે. જાેકે, હાલ ત્યાં ફક્ત કાટમાળ હતો તેથી જાનહાનિના કોઇ અહેવાલ પ્રાપ્ત થયા નથી. પ્રાથમિક તબક્કે ગરમીના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Related Posts