અમરેલી

વાતચીતથી ઉકેલ તરફ : પ્લાસ્ટિક કરારમાં સ્થાનિક નેતૃત્વની અનિવાર્યતા

આજરોજ તારીખ ૧૨ સપ્ટેમ્બરના રોજ પર્યાવરણ મિત્ર સંસ્થા દ્વારા “વાતચીતથી ઉકેલ તરફ : પ્લાસ્ટિક કરારમાં સ્થાનિક નેતૃત્વની અનિવાર્યતા” વિષય પરનો એક પરિસંવાદ યોજાઈ ગયો.

ઓગસ્ટની 14 તારીખે સ્વીત્ઝરલેન્ડના જીનીવા ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘની પર્યાવરણ શાખા દ્વારા એટલે કે યુએનઇપી દ્વારા પ્લાસ્ટિક કરાર ઉપરની બેઠક યોજાઈ ગઈ, કમનસીબે આ છઠ્ઠી બેઠક (INC 5.2) પણ નિષ્ફળ રહી અને કોઈપણ નિષ્કર્ષ સિવાય પૂરી થઈ. આ અંગેની માહિતી આપવા માટે અને આપણે સૌ શું કરી શકીએ કે જેથી પ્લાસ્ટિકનું ઉત્પાદન, પ્લાસ્ટિકનો વપરાશ અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટે તે માટે રાજ્યના વિવિધ નાગરિક સંગઠનો, સરકારી પ્રતિનિધિઓ, તજજ્ઞ અધ્યાપકો અને વિદ્યાર્થીઓની એક સંવાદ બેઠક યોજાઈ ગઈ.

આ બેઠકમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારી શ્રી અશ્વિન મિસ્ત્રી, જાણીતા પર્યાવરણવિદ અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભૂતપૂર્વ અધિકારી શ્રી ચિરાગ ભીમાણી, દિલ્હી સ્થિત ટોક્સિક લિંક સંસ્થાના સુશ્રી અલકા દુબે તેમજ પર્યાવરણ મિત્રના ડો. ફાલ્ગુની જોષી અને મહેશ પંડ્યાએ સક્રિય રીતે ચર્ચાની આગેવાની લીધી.

આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક ટ્રીટી તેમજ ભારતમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમોના અમલીકરણ અને ભાવિ આયોજન અંગે તેમ જ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઘટાડવા અને પ્લાસ્ટિકના કયા વિકલ્પો હોઈ શકે તે અંગેની ચર્ચા આજની મિટિંગમાં થઈ. એમાં સ્થાનિક કક્ષાએ પ્લાસ્ટિકનો પુનઃ વપરાશ કે પછી પ્લાસ્ટિકના યોગ્ય નિકાલ બાબતે વિવિધ મંતવ્યો મળ્યા.

પર્યાવરણ મિત્ર આ મંતવ્યો એકઠા કરીને ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલય તેમજ નીતિ આયોગને આ સૂચનો પહોંચાડશે. આ ઉપરાંત, ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ તેમ જ શહેરી વિભાગને પણ આ માહિતી દ્વારા કેવા પ્રકારના આયોજન તેમજ જાગૃતિના કામો કરવા જોઈએ તે અંગે આ સંવાદમાંથી બહાર આવેલા નિષ્કર્ષ અંગે માહિતગાર કરાશે.  આ કાર્યક્રમમાં આશરે ૩5 વિવિધ સંગઠનના મળીને 50 લોકોએ ભાગ લીધો અને ચર્ચાને ગુણવત્તા યુક્ત બનાવીને યોગ્ય સૂચનોને સંકલિત કરવામાં આવ્યા.

Related Posts