સરકારના પેટ્રોલ પંપ પર ઘાસલેટ વિતરણ ક્યાંક ભેળસેળને ઉત્તેજન તો નહી આપે’ને? પેટ્રોલ પંપ પર ઘાસલેટ વિતરણ અર્થાત્ મિંદડીને દૂધની રખેવાળી કરવાનું સોંપવું એવું લાગે છે તેમ બુધ્ધિજીવોમાં ચર્ચાઈ રહ્યું છે.
હતી જે પ્રાયમસની પિન,
હવે એ પાઈપલાઈન થઈ ગઈ,
સમયની આ સફર જોને,
કેવી ફાઈન થઈ ગઈ.
હતું જે ઘાસલેટ કાલે,
હવે આદર્શ ઇંધણ છે,
સ્વનિર્ભરતા જ ભારતની,
હવે લાઈફલાઈન થઈ ગઈ.
–“પાંધી સર”
ભારતની વિકાસયાત્રા માત્ર આંકડાઓમાં નહીં, પણ રસોડાના બળતણમાં આવેલા બદલાવમાં પણ છુપાયેલી છે. એક સમય હતો જ્યારે રાજદૂત જેવા વાહનો ઘાસલેટ (કેરોસીન)થી હાંકવાના પ્રયોગો થતા, અને આજે પાઈપલાઈન દ્વારા ઘર-ઘર ગેસ પહોંચી રહ્યો છે. સરકાર જ્યારે પેટ્રોલ પંપ પર ઘાસલેટ આપવાની વાત કરે છે, ત્યારે જૂની પેઢીને ‘ચાવી છાપ’ કેરોસીન અને ‘મીરા ઉદ્યોગ’ના પ્રાયમસની યાદ તાજી થઈ જાય છે.
કેરોસીનની વાત નિકળી એટલે પ્રાયમસની વાત તો નીકળે જ ને તે વળી પંપને પીનો વાળા,લવિંગને બર્નરવાળા!
પંપ ય મારો અને પિન પણ મારો ત્યારે હાલે! વળી પાછી
પાછી ચાકી ખોલી હવા કાઢી નાખો એટલે બંધ.તો પેલો બગલાની ડોક જેવો!વોરાજીનો
રેણની હથોડી ગરમ કરવાનો પ્રાયમસ.! મુંગો ( વાટવાળો) જોખમ રહિત.ફાટે નહીં.
પ્રાયમસનું રાજ રસોડાની રાણીઓ પર ખૂબ ચાલ્યું.
આણા પરિયાણા…લગ્નની ભેટમાં મૂંગા પાઈમસ ખૂબ ચાલ્યા.
તો રાત્રે અજવાળા માટે પેટ્રોમેક્સ એમાં પણ કેરોસીનો ઉપયોગ થતો મેન્ટલ અને પંપ સાથે પીન મારો એટલે ચકચકિત અજવાળું.
કેરોસીનનું ટેકનિકલ નામ ‘S.K.O.’ (સુપિરિયર કેરોસીન ઓઈલ) છે, જેની ગુણવત્તા ઉચ્ચ હોવા છતાં તેનો ઉપયોગ ભેળસેળમાં વધુ થતો રહ્યો છે. સસ્તા દરને કારણે પેટ્રોલ-ડીઝલમાં કેરોસીનની ભેળસેળ રોકવા સરકારે તેમાં ‘વાદળી રંગ’ (Blue color) ઉમેરવો પડ્યો હતો. જેમ યુરિયાનો દુરુપયોગ અટકાવવા કલર કોડિંગ કરાયું, તેમ ઇંધણમાં પણ પારદર્શિતા લાવવા મથામણ ચાલી રહી છે.હા કેરોસીનની વાત આવે એટલે પેલાં વર્તમાન પત્રોમાં આવતા સમાચારો મુજબ કેરોસીન છાંટીને અગનપિછોડાની વાત
પણ કેરોસીન પર મોટામાં મોટો આરોપ ” બ્રાઈડ બર્નિંગ” ના રહેતો.
કોઈ ને કોઈ ” અગન પછેડી ઓઢી લેતું”! તો વળી કેરોસીન એટલે કે ઘાસલેટનો ગુજરાતીમાં મહાવરોમાં ઉપયોગ થતો.. પૈસાનું ઘાસલેટ થયું
મતલબ બરબાદી એવો પણ કરવામાં આવતો.. નિરર્થક થવું વગેરે શબ્દોના અર્થ થતાં
લાલ બાટલાથી પાઈપલાઈન સુધી ૭૦ના દાયકામાં ભારતમાં મજબૂત સ્ટીલ પ્લેટના અભાવે ગેસ સિલિન્ડર બનાવવામાં મુશ્કેલી પડતી હતી. અંકલેશ્વરમાં ગેસ હવામાં બાળી નાખવો પડતો કારણ કે તેનો સંગ્રહ કરવા બાટલા નહોતા. વડોદરાથી શરૂ થયેલી પાઈપલાઈન યાત્રા હવે સાવરકુંડલા જેવા શહેરો સુધી પહોંચી છે. જોકે, સિલિન્ડરમાંથી ગેસ ચોરી અને સબસિડીના દુરુપયોગ જેવા પ્રશ્નો હજુ પણ યથાવત છે.
આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય
જો ભારત આયાતી ઇંધણ પરની નિર્ભરતા ઘટાડી દે, તો ૨૦૪૭ પહેલા ભારત ફરી ‘સોને કી ચિડિયા’ બની શકે તેમ છે. આ માત્ર આર્થિક સુધારો નહીં, પણ રાષ્ટ્રીય ગૌરવની વાત છે.

















Recent Comments