અમદાવાદની જાણીતી કે. ડી. હોસ્પિટલ દ્વારા આયોજિત ૫ કિલોમીટરની મેરેથોન દોડમાં સાવરકુંડલાના શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા સાથે સંકળાયેલા ભરતભાઈ જોષીના ધર્મપત્ની શ્રીમતી ગીતાબેન જોષીએ ભાગ લઈને મહિલા શક્તિ અને તંદુરસ્તીનો પરિચય આપ્યો હતો.
૧૫ ફેબ્રુઆરીના રોજ યોજાયેલી આ મેરેથોન માટે ગીતાબેને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. સવારે ૭-૩૦ વાગ્યે પ્રારંભ થયેલી આ દોડ અમદાવાદના ઐતિહાસિક વારસા સમાન સ્થળો પરથી પસાર થઈ હતી. જેમાં સીદી સૈયદની જાળી, લાલ દરવાજા, ત્રણ દરવાજા, ભદ્રનો કિલ્લો અને ભદ્રકાળી મંદિર જેવા હેરિટેજ સ્થળોનો સમાવેશ થયો હતો. એલિસબ્રિજ થઈને નિર્ધારિત સ્થળે પરત ફરવાની આ દોડમાં કોઈ વય મર્યાદા ન હોવાથી અનેક રમતવીરો જોડાયા હતા.
ગીતાબેને ૫ કિલોમીટરનું આ લક્ષ્ય ૧ કલાક, ૧૩ મિનિટ અને ૭ સેકન્ડમાં પૂર્ણ કર્યું હતું, જેનો સરેરાશ સમય પ્રતિ કિલોમીટર ૧૪ મિનિટ અને ૩૮ સેકન્ડ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ૩૦ નવેમ્બરના રોજ અદાણી ગ્રુપ દ્વારા આયોજિત મેરેથોનમાં પણ તેમણે પ્રથમ વખત ભાગ લીધો હતો. રમતગમત પ્રત્યેના વિશેષ લગાવને કારણે તેમણે ફરી આ સ્પર્ધામાં જોડાવાનો નિર્ણય લીધો હતો.
સ્વાસ્થ્ય એ જ સાચી સંપત્તિ
આ સફળતા બદલ ગીતાબેનને અભિનંદન પાઠવતા જણાવવામાં આવ્યું છે કે, “જે ફિટ છે તે જ હિટ છે.” આજના સમયમાં ગમે તેટલી સત્તા કે સંપત્તિ હોય, પણ જો શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું ન હોય તો બધું વ્યર્થ છે. યોગ, પ્રાણાયામ અને મેદાની રમતો તરફ રુચિ કેળવવી એ સમયની માંગ છે. ગીતાબેને સાબિત કર્યું છે કે જે સ્વસ્થ અને તંદુરસ્ત છે, તે જ ખરા અર્થમાં યુવા છે. તેમની આ સિદ્ધિ બદલ સાવરકુંડલા પંથકમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.


















Recent Comments