અમરેલી

કૃષિ ઉત્પાદનો પાક્યા પહેલાં જ ઘનશ્યામભાઈનીખેત પેદાશોની ખરીદી એડવાન્સમાં બુક થઈ જાય છે

અમરેલીતા.૨૪ જુલાઈ ૨૦૨૫ (ગુરૂવાર) અમરેલીના અમરાપુર ગામના ખેડૂત શ્રી ઘનશ્યામભાઈ રાજપરા દેશદાઝને વરેલા છે. તે કૃષિ ક્ષેત્રે સતત નવું કરવા માટે મથામણ તો કરી જ રહ્યા હોય છે, ત્યારે પરિવારમાં આવેલી એક બિમારી તેમને ઢંઢોળી મૂકે છે.

પંદરેક વર્ષ સુધી એગ્રો એટલે કે, રાસાયણિક દવા અને ખાતર વેચાણનો ધીકતો ધંધો કરી રહ્યા હોય છે, જેવો તેવો પણ નહિ વર્ષે રુ.૨૫ લાખનું ટર્ન ઓવર પણ ખરું. પણ મનોમન તેમણે સંકલ્પ કર્યો હતો કે, ઝેરવાળું-રસાયણયુક્ત ખાવું નથી, લોકોને ખવડાવવું પણ નથી, રોટલો તો ગમે ત્યાંથી રળી લેશું.

ખેતીમાં કંઈક નવું કરવા માટે તરવરાટ ધરાવતા શ્રી ઘનશ્યામભાઈ રાજપરા રાસાયણિક દવા અને ખાતરના ધંધાને પડતો મૂકી પ્રાકૃતિક કૃષિ શરુ કરવા માટે ઘણી રઝળપાટ પણ કરે છે, અનેક શિબિર અને તાલીમમાં ભાગ પણ લે છે. આ દરમિયાન વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૦ વીઘા જમીનમાં પ્રાકૃતિક કૃષિ પ્રાકૃતિક કૃષિ શરુ કરે છે. આજે તો પ્રાકૃતિક કૃષિમાં તેમની મહારત છે, તેમનાથી પ્રેરિત થઈને પણ ખેડૂતો પ્રાકૃતિક કૃષિમાં જોડાયા છે.

શ્રી ઘનશ્યામભાઈ રાજપરા કહે છે કે, પ્રાકૃતિક કૃષિ શરુ કરી ત્યારે લોકો તેને પાગલપણું ગણતા હતા, લોકો તો ત્યાં સુધી કહેતા કે, હું તો જમીન વેંચીશ. પરંતુ આજે ખેડૂતો મારી વાત સાંભળતા થયા છે, ઘણા ખેડૂતો એમ પણ કહેતા થયા છે કે, પ્રાકૃતિક કૃષિ વિના ઉદ્ધાર નથી. એક સમયે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ અનિવાર્ય બની જશે.

તેઓ કહે છે કે, રાસાયણિક ખેતીથી નાગરિકોના અને જમીનના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઈ રહી છે. નાગરિકો ગંભીર રોગમાં સપડાયા છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનનો જ જનઆરોગ્ય માટે એક વિકલ્પ તરીકે બચશે.

તેમણે કહ્યુ કે, આજે એક વર્ગમાં ચોક્કસથી ઝેરમુક્ત અને આરોગ્યપ્રદ ખોરાક લેવાની જનજાગૃત્તિ આવી છે. તેના પરિણામે પ્રાકૃતિક ઢબે પકવેલા કૃષિ ઉત્પાદનોની માંગ પણ સતત વધી રહી છે. મારા કૃષિ પાકો ખેતરમાં જ ઉભા હોય ત્યાં જ તેની લોકો ખરીદી કરી લે છે. આમ, એડવાન્સમાં જ કૃષિ ઉત્પાદનોના વેચાણ બુક થઈ જાય છે.

શ્રી ઘનશ્યામભાઈ રાજપરા ૨૦ વીઘા જમીનમાં કપાસ, મગફળી, મગ, અડદ, ચણા, તુવેર, ધાણા, હળદર, મરચી વગેરે પાકોની ખેતી કરી રહ્યા છે. તેનું વેલ્યુ એડિસન એટલે કે મૂલ્યવર્ધન – પેકિંગ કરીને વેચાણ કરે છે અને બજાર કરતા આ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોનો ભાવ પણ ૨૫ થી ૩૦ ટકા જેટલો વધુ મળે છે, તેમ પણ તેમણે કહ્યુ હતુ.

તેમણે પ્રાકૃતિક કૃષિના અભિયાનને તેજીથી આગળ વધારવા માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરતા કહે છે કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ બોર્ડ પણ પ્રાકૃતિક કૃષિના અભિયાનને આગળ ધપાવી રહ્યું છે, જિલ્લા કક્ષાએ આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ સતત જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવા અને ખેડૂતોને સતત માર્ગદર્શન મળી રહે તે માટે ફાર્મ વિઝીટ કરવાની સાથે તાલીમ પણ યોજે છે. જેથી ખેડૂતો પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત થઈ રહ્યા છે.

Related Posts