અમરેલી

ગીર (પૂર્વ) વન વિભાગ ધારી દ્વારા ‘માનવ-વન્યપ્રાણી સંઘર્ષ નિવારણ’ પર વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન

*ધારી ખાતે નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ.(IFS) ની અધ્યક્ષતામાં સેમિનાર સંપન્ન*

*સિંહ-દીપડાના વિચરણ વચ્ચે જનજાગૃતિ ફેલાવવા વન વિભાગની વિશેષ પહેલ: લોકભાગીદારી દ્વારા સંઘર્ષ ઘટાડવા પર ભાર*
ધારી
ગીર (પૂર્વ) વન વિભાગ, ધારી દ્વારા વન્યપ્રાણીઓના રક્ષણ અને માનવ-વન્યપ્રાણી સંઘર્ષને ઘટાડવા માટે લોકભાગીદારી વધારવાના ઉમદા હેતુથી એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવ (IFS) ની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જનજાગૃતિ અને લોકભાગીદારી પર ભાર
તાજેતરમાં ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં સિંહ તથા દીપડા જેવા વન્યપ્રાણીઓના વિચરણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ પરિસ્થિતિમાં માનવ અને વન્યપ્રાણીઓ વચ્ચેના સંઘર્ષની ઘટનાઓ નિવારી શકાય અને સ્થાનિક લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી વન વિભાગ દ્વારા “કેસરી સદન, ધારી-દલખાણીયા રોડ” ખાતે આ વિશેષ બેઠકનું આયોજન કરાયું હતું.
આ સેમિનારમાં વિવિધ ગામોના સરપંચશ્રીઓ, સામાજિક આગેવાનો, પત્રકાર મિત્રો, એનજીઓ (NGO) ના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ સેમિનારમાં સ્થાનિક સમુદાયને વન્યપ્રાણીઓના વિચરણ દરમિયાન રાખવી પડતી સાવચેતીઓ વિશે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી.
આ સેમિનાર માત્ર માર્ગદર્શન પૂરતો મર્યાદિત ન રહેતા એક સક્રિય સંવાદનું માધ્યમ બન્યો હતો વન્યપ્રાણી સંઘર્ષ ઘટાડવા માટે હાજર રહેલા આગેવાનો અને ખેડૂતો પાસેથી બહુમૂલ્ય મંતવ્યો અને સૂચનો મેળવવામાં આવ્યા હતા.
નાયબ વન સંરક્ષકશ્રીનું સંબોધન
સેમિનારની અધ્યક્ષતા કરતા નાયબ વન સંરક્ષકશ્રી વિકાસ યાદવે જણાવ્યું હતું કે, “વન્યજીવ સંરક્ષણ અને સંઘર્ષ નિવારણની કામગીરી માત્ર વન વિભાગ દ્વારા જ નહીં, પરંતુ જનતાના સહયોગથી જ સફળ થઈ શકે છે.” તેમણે સ્થાનિક નાગરિકો અને ખેડૂતોને વન્યજીવ સંરક્ષણની આ કડીમાં સહભાગી થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા ગીર પંથકમાં વન્યજીવો પ્રત્યે સંવેદનશીલતા વધારવા અને માનવ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે.

બાઈટ વિકાસ યાદવ (IFS) નાયબ વન સંરક્ષક શ્રી ગીર પૂર્વ વન વિભાગ ધારી

Related Posts