અમરેલી

ગીરના ‘જીવતા ગાંધી’ બાલુબાપા ગઢિયા: જ્યારે એક સંવાદે વિદ્યાર્થીઓના જીવનમાંથી ‘ચોરી’નું દૂષણ કાયમ માટે ભૂંસી નાખ્યું

​નથી જોઈતી આ નકલની સીડીઓ, મહેનતનું આભ જાતે આંબવું છે,

બાલુબાપાના એક બોધપાઠે,

જીવન આખું અજવાળવું છે .

કંડારવા ઈતિહાસ ​દીવાબત્તીના અજવાળે  પાને પાને,

સંસ્કારોની એ જ પાંખે આજે,   શિખર સફળતા કેરું  સર કરવું છે.

–“પાંધી સર” 

 સાંપ્રત સમયમાં જ્યારે વાર્ષિક પરીક્ષાઓનો માહોલ જામ્યો છે, ત્યારે ગીરના પંથકમાં શિક્ષણ જગતના એક સુવર્ણ ઇતિહાસની યાદ તાજી થઈ રહી છે. ગીરના ‘જીવતાં ગાંધી’ તરીકે ઓળખાતા પૂજ્ય બાલુબાપા ગઢિયાએ વર્ષ ૧૯૭૭-૭૮માં વિદ્યાર્થીઓના જીવનમાં જે સંસ્કારોનું સિંચન કર્યું હતું, તે આજે પણ નવી પેઢી માટે દીવાદાંડી સમાન છે.

​એ સમયે શાળાના શિસ્તબદ્ધ આચાર્ય મનવરસિંહ અટોદરિયાએ પરીક્ષામાં ચોરી કરનારા વિદ્યાર્થીઓ સામે લાલ આંખ કરી હતી. આ ગંભીર પ્રશ્ન જ્યારે બાલુબાપા પાસે પહોંચ્યો, ત્યારે તેમણે શિક્ષાના બદલે ‘શિક્ષણ’ અને ‘સમજાવટ’નો માર્ગ પસંદ કર્યો. તેમણે વિદ્યાર્થીઓ વચ્ચે જઈને કોઈ પણ આદેશ આપવાને બદલે હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. બાલુબાપાએ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, *માત્ર અઢી રૂપિયાની શિષ્યવૃત્તિ અને શેરીના દીવાબત્તીના પ્રકાશમાં ભણીને જો કોઈ વ્યક્તિ લંડનમાં હાઈ કમિશનર બની શકતી હોય, તો સંસાધનોના અભાવમાં ચોરીનો આશરો લેવો એ કાયરતા છે.* તેમની મીઠી વાણી અને વિનમ્ર રજૂઆતથી વિદ્યાર્થીઓના હૃદય પરિવર્તિત થયા અને ત્યાં જ વિદ્યાર્થીઓએ આજીવન ક્યારેય ચોરી ન કરવાનો સંકલ્પ લીધો.

​ આજે ભલે CCTV કેમેરા અને અત્યાધુનિક ટેકનોલોજીથી પરીક્ષાઓ પર નજર રખાતી હોય, પરંતુ બાલુબાપાએ જે ‘આંતરિક ચોકીદાર’ (નૈતિકતા) જગાડ્યો હતો, તેની ખોટ આજે પણ વર્તાય છે. તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં સુખી અને સમૃદ્ધ થઈને દેશનું ભાવી ઉજ્જવળ કરી રહ્યા છે. ખરા અર્થમાં બાલુબાપા એક દીર્ઘદ્રષ્ટા શિક્ષણકાર અને સંસ્કારોના પ્રસ્થાપક હતા.

Related Posts