વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી અમીત ચાવડાએ વિધાનસભા ખાતે પ્રેસ મિડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, “સરસ્વતી સાધના યોજના- જેના હેઠળ એસસી- એસટી- ઓબીસી સમાજની દીકરીઓને શાળાએ જવા માટે સાઈકલ સહાય આપવામાં આવે છે, શાળાની શરુઆત જુન મહિનામાં થાય, પ્રવેશોત્સવ યોજાય છે. દીકરીઓને જુન મહિનામાં સાઈકલ મળી જવી જોઈએ જેથી એ પહેલા દિવસથી સાઈકલ લઈને શાળાએ જઈ શકે. પણ સરકાર દીકરીઓને બદલે પોતાની માનીતી એજન્સીઓની ચિંતા કરે છે. સાયકલની ખરીદીનું કૌભાંડ ચાલે છે, થોડા પૈસાની લાલચ માટે સાઈકલ ખરીદીની પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરવા માટે વિલંબ થઇ રહ્યો છે.
“સરસ્વતી સાધના યોજના”માં ૨૦૨૩-૨૪ માં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિભાગ દ્વારા ૧ લાખ ૭૦ હજાર સાયકલો ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું. જેની ખરીદી માટે રાજ્ય સરકારનું સાહસ ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લી.(ગ્રીમ્કો) ને સત્તા આપવામાં આવી. વર્ષોથી ખરીદવામાં આવતી સાયકલ સ્પેશીફીકેશન અને ઉત્તમ કંડીશન છે કે નહિ એ વર્ષોથી એની કમિટી SPC દ્વારા નક્કી કરવામાં આવે છે. પરંતુ પહેલી વખત માનીતી કંપનીઓને ફાયદો કરાવવા માટે સ્પેશીફીકેશન અને કંડીશનમાં ફેરફાર થાય છે, એની સામે વિરોધ અને રજુઆતો થાય છે, વિરોધપક્ષની કચેરીમાંથી પણ એની તપાસ માટે પત્રો લખાય છે. પરંતુ CM ઓફીસના સીધા હસ્તક્ષેપને કારણે ખરીદીના સ્પેશીફીકેશન SPC ને બદલે સીધો વિભાગ નક્કી કરે છે. કેટલીક માનીતી ચોક્કસ કંપનીઓને લાભ થાય અને એના કારણે જે કંપની રાજસ્થાનમાં એક સાયકલ ૩૮૫૭ રૂપિયામાં આપે છે એ જ સાયકલ એ જ કંપની ગુજરાતમાં ૪૪૪૪ રૂપિયામાં સપ્લાય કરે છે. આમ એક સાયકલે ૫૦૦ રૂપિયા વધારે ગુજરાતની પ્રજાના પરસેવાના, ટેક્ષના પૈસા કંપનીને સરકાર દ્વારા ચૂકવાય છે. આમ ૧ લાખ ૭0,૦૦૦ હજાર સાયકલો એટલે કે “સાડા 8 કરોડ” રૂપિયા વધારે ચુકવવા પાછળનું કારણ શું છે એનો સરકાર જવાબ આપે.
સાયકલની ખરીદી પ્રક્રિયા મે-૨૦૨૩ માં થવી જોઈએ એને બદલે આખી પ્રક્રિયામાં ૧૦ મહિનાનો વિલંબ થાય છે અને નવા શૈક્ષણિક વર્ષ એપ્રિલ-૨૦૨૪માં વર્કઓડર અપાય છે, ડીલીવરી થાય છે. સાયકલો ગ્રીમ્કોના વેરહાઉસમાં પહોંચે છે, ત્યારબાદ એના સ્પેશીફીકેશન મુજબ ગુણવત્તા, ક્વોલીટી ચકાસવા માટે ઈલેક્ટ્રોનિક ક્વોલીટી ડેવલોપમેન્ટ સેન્ટર (EQDC) જે રાજ્ય સરકારનું છે એના દ્વારા તપાસ થાય છે. અને તે તપાસમાં જે સ્પેશીફીકેશન બીડમાં હતું એ મુજબની ગુણવત્તા જોવા મળી નથી. ISI માર્ક મુજબની જે સ્પેશીફીકેશન હતા એ ગુણવત્તા જોવા મળતી નથી. આ જ કારણે સાયકલો ગ્રીમ્કોના ગોડાઉનમાં પડી રહી છે, અને હજુ સુધી કોઈ દીકરી સુધી સાયકલ પહોંચી નથી.
ગ્રીમ્કો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા વખતે વાંધા ઉઠાવવામાં આવ્યા હતા એ મુજબ બીડના જે ભાવ આવ્યા છે એ રાજસ્થાનમાં મળેલ ભાવ કરતા ૫૮૭ રૂપિયા અને પશ્ચિમ બંગાળમાં મળેલ ભાવ કરતા ૪૨૫ રૂપિયા વધુ હોય એ બાબતે એલ્વન કંપની દ્વારા જસ્ટીફીકેશન આપવામાં આવેલ કે યોગ્ય રીતે જણાતું નથી એટલા માટે સદર યોજાયેલ બેઠકમાં બીડ રદ કરવા માટે સરકારની મંજુરી મેળવવા માટેનો પત્ર લખવામાં આવે છે, તેમ છતાં સરકાર બીડ રદ કરતી નથી અને એ જ કંપનીને ઓર્ડર આપવામાં આવે છે. અમારો સ્પષ્ટ આક્ષેપ છે કે ગરીબ દીકરીઓ માટેની યોજનામાં ખરીદાતી સાયકલ એમાં ૧૦ કરોડ જેટલો ભ્રષ્ટાચારમાં CM ઓફિસની સીધી સંડોવણી અને સુચનાથી આ કંપનીને ઓર્ડર અપાયો અને મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.
ગ્રીમ્કોએ ૧૧ માર્ચ ૨૦૨૪ ના રોજ, આ સાઈકલો માટેનું વર્ષ ૨૦૨૩- ૨૪ નું ટેન્ડર રદ્દ કરવાનો પત્ર લખવામાં આવેલો. ટેન્ર રદ્દ કરવાની મંજુરી માંગવામાં આવે છે, ત્યારબાદ નવી પ્રોસેસ શરુ કરવા માટેની સરકારને જાણ કરવામાં આવે છે. સરકારને તો એક સાઈકલે ૫૦૦ રૂપિયા વધારે લેતી કંપની જોડે સેટિંગ થઇ ગયેલું. એવી ૧.૭૦ લાખ સાઈકલ લેખે ગણીએ તો ૮.૫ કરોડ રૂપિયાનું કૌભાંડ કરવું હતું એટલે ગ્રીન્કોની ટેન્ડર રદ્દ કરવાની ભલામણ સ્વીકારવામાં ના આવી.
સાઈકલો સરકારને પહોંચાડવામાં આવી અને લેબ દ્વારા ચકાસણી કરવામાં આવે છે ત્યારે રિપોર્ટમાં આવે છે કે સ્પેસિફિકેશન અને સ્ટાન્ડર્ડ હતા તે મુજબની સાઈકલો નથી આપવામાં આવી. એટલે હલકી ગુણવત્તાની, નક્કી થયેલ કરતા અલગ સ્પેસિફિકેશનવાળી સાઈકલ સપ્લાય થવાથી સ્વીકારી ના શકાય. સાઈકલ જિલ્લે જિલ્લે પહોંચી ગયેલી, એટલે લાંબા સમય સુધી એ સાઈકલો પડી રહી. વરસાદમાં પલળતી રહી- કાટ ખાઈ ગઈ- ભંગાર થઇ ગઈ. વારંવાર તપાસની માંગણી કરી, પત્રો લખ્યા. મંત્રી ઋષિકેશ પટેલે તેની તપાસની કરવાની જાહેરાત ગયા વર્ષે જુલાઈમાં કરેલી પણ આજે વિધાનસભામાં આ અંગે પૂછ્યું, તપાસનો રિપોર્ટ માંગ્યો, પણ સરકાર તેના માટે તૈયાર નથી. સરકાર કૌભાંડીઓને છાવરવા માટે વિધાનસભામાં ઉડાઉ જવાબો આપી રહી છે. ૨૦૨૩-૨૪ નું વર્ષ તો પૂરું થયું અને ૨૦૨૪-૨૫ નું વર્ષ પૂરું થવામાં છે. બે વર્ષ થવા છતાં દીકરીઓને સાઈકલ આપવામાં ના આવી. આ સમગ્ર ખરીદીની પ્રક્રિયામાં કોની સુચનાથી, કોના લાભાર્થે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે એની તપાસ થાય તેવી માંગણી કરીએ છીએ.
Recent Comments