રાજ્યના નાગરિકોને વધુ સુવિધા-સુશાસનની અનુભૂતિ કરાવવા સરકારી તથા અર્ધસરકારી કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે ગુજરાત રૂરલ ઈન્ડસ્ટ્રિઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ એટલે કે ગ્રીમકો સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. ગ્રીમકોએ વર્ષ ૨૦૨૩-૨૪થી ૨૦૨૫-૨૬ એમ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યની વિવિધ સરકારી કચેરીઓમાં કુલ રૂ. ૫૪.૯૭ કરોડના ખર્ચે ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ ૨૦૨૬-૨૭માં અંદાજે રૂ. ૩૦ કરોડ કરતાં વધુના ખર્ચે વિવિધ કચેરીઓની આંતરિક માળખાકીય સુવિધાઓના કાર્યો પ્રગતિ હેઠળ છે.
વર્ષ ૨૦૨૫થી ૨૦૨૮ દરમિયાન હાથ ધરાનારા ઈન્ટીરિયર ડિઝાઈનિંગના વિવિધ કાર્યોનું ગુણવત્તાસભર અને સમયબદ્ધ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે પાંચ અલગ-અલગ શ્રેણીઓમાં પ્રતિષ્ઠિત આર્કિટેક્ટ્સની પેનલની રચના કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પહેલના પરિણામે દરેક પ્રોજેક્ટમાં ઉચ્ચ ગુણવત્તા, વ્યાવસાયિક અભિગમ અને પારદર્શિતા વધુ સુદૃઢ બનશે, તેમજ પ્રોજેક્ટ્સના ઝડપી, કાર્યક્ષમ અને અસરકારક અમલીકરણને પણ વેગ મળશે.
ગ્રીમકોની મહત્વપૂર્ણ કામગીરી:
વર્ષ ૨૦૨૩-૨૪
કુલ રૂ. ૨૦.૪૩ કરોડના ખર્ચે વિવિધ સરકારી કચેરીઓમાં આંતરિક માળખાકીય સુવિધાઓના કાર્યો કરવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારના વિશિષ્ટ પ્રોજેક્ટ અંતર્ગત ૧૨ જી.એસ.ટી. સુવિધા કેન્દ્રો ની કામગીરી માત્ર ૩૫ દિવસ જેવી ટૂંકી સમય મર્યાદામાં ગુણવત્તાસભર પૂર્ણ કરવામાં આવેલી હતી. અમદાવાદ હાટ (વસ્ત્રાપુર), ૧૭ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સહિતની કચેરીઓની વિવિધ કામગીરી કરવામાં આવેલી છે.
વર્ષ ૨૦૨૪-૨૫
રાજ્યની ૩૫ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ, નાણાં વિભાગ, શ્રમ આયુક્ત કચેરી, વિકાસ કમિશનરની કચેરી, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી સહિતની કચેરીઓના કુલ રૂ. ૨૯.૨૪ કરોડના ઈન્ટીરિયર ડિઝાઈનિંગના પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા.
વર્ષ ૨૦૨૫-૨૬
ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન (GSBTM) જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટના ઈન્ટીરિયર ડિઝાઈનિંગનું રૂ. ૫.૩૦ કરોડના ખર્ચે સમયસર અને ગુણવત્તાસભર અમલીકરણ કરવામાં આવ્યું હતું, જેની નોંધ રાજ્યના સર્વોચ્ચ સ્તરે પણ લેવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૬-૨૭ (પ્રોજેક્ટ્સ પ્રગતિ હેઠળ)
હાલમાં, નાણા વિભાગ, સેટલમેન્ટ કમિશનર કચેરી, EQDC, RUDA, GPCB, GIL, GIDC, સહાયક રાજ્યવેરા કમિશનરશ્રીની કચેરી, જામખંભાળીયા તેમજ ૪૯ સબ-રજિસ્ટ્રાર કચેરીઓ સહિતની કચેરીઓના વિવિધ આંતરિક સુશોભનના પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દુરંદેશી નેતૃત્વ અને કુટીર, ખાદી, ગ્રામોદ્યોગ મંત્રી શ્રી નરેશ પટેલ તેમજ રાજ્ય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના સક્ષમ માર્ગદર્શન હેઠળ ગ્રીમકો આગામી સમયમાં પણ ગુણવત્તા, સમયબદ્ધતા અને કાર્યક્ષમતાના ઉચ્ચ ધોરણો સાથે રાજ્યની કચેરીઓને આધુનિક, સુવ્યવસ્થિત અને નાગરિક- કેન્દ્રીત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી રહેશે.


















Recent Comments