રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન આજે લાઠી તાલુકાના દુધાળા મુકામે લાલજી દાદા ઋષિ કૃષિ કેન્દ્ર-પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી.
દુધાળા સ્થિત પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે ચંદન, લીમડી, ખારેક સહિતના ફ્રૂટ, નાળિયેરી, ચીકુ, નીલગીરી, શીસમ સહિતના છોડનું વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યપાલશ્રીએ ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને વિવિધ પાકનું નિરીક્ષણ કર્યું હતું.
લાઠીના દુધાળા, અકાળા સહિત વિવિધ ગામડાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોએ રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરીને ઉમળકાભેર આવકાર્યા હતા.
રાજ્યપાલશ્રીએ પ્રગતિશીલ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિમાં ઉપયોગી ઘન જીવામૃત, વિવિધ મિશ્ર પાકના વાવેતરની પદ્ધતિ, ધાન્ય અને કઠોળ પાકો, વિવિધ પાકનું જમીનમાં પ્રથમ વખત વાવેતર સમયે આવતી મુશ્કેલીઓ સહિતના મુદ્દે સહજ સંવાદ સાધ્યો હતો. રાજ્યપાલશ્રીએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ વિષયક માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગૌશાળાની મુલાકાત લીધી હતી અને ગૌ માતાને ગોળ ખવડાવીને ધન્યતા અનુભવી હતી. પ્રાકૃતિક કૃષિ ફાર્મ ખાતે રાજ્યપાલશ્રીએ કલ્પવૃક્ષનું રોપણ કરીને વૃક્ષારોપણ અને પર્યાવરણના જતનનો સંદેશ પ્રસરાવ્યો હતો. ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ફાર્મમાં ઉગાડવામાં આવેલ વિવિધ ફ્રૂટના નિદર્શનને નિહાળ્યું હતું. તેમજ દુધાળા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી.
દુધાળા સ્થિત લાલજી દાદા ઋષિ કૃષિ કેન્દ્ર-પ્રાકૃતિક ફાર્મ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાત વેળાએ શ્રી રાકેશભાઈ ધોળકિયા, ધોળકિયા ફાઉન્ડેશનના વડા શ્રી સવજીભાઈ ધોળકિયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી તેમજ સ્ટાફ, પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂતો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


















Recent Comments