અમરેલી

અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની મુલાકાત લેતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અમરેલી જિલ્લાની બે દિવસીય મુલાકાતે પધાર્યા છે. જે અંતર્ગત આજ રોજ રાજ્યપાલશ્રીએ અમરેલી સ્થિત કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગની મુલાકાત લીધી હતી.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કોલેજ કેમ્પસમાં ‘પ્રાકૃતિક કૃષિ’ ફાર્મની મુલાકાત લીધી હતી, દેશી બિયારણનો ઉપયોગ કરીને વાવેલા બાજરી, ચોખા, જુવાર સહિતના ધાન્ય પાક વિવિધ કઠોળ, દેશી ભીંડા સહિતના શાકભાજ઼ી, સુરજમુખી સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું હતું.

ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી-હાલોલના ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલરશ્રી ડો. વી.પી.ઉસદડિયા અને કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીના પ્રિન્સિપાલ શ્રી સ્વપ્નિલ દેશમુખે રાજ્યપાલશ્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉમળકાભેર આવકાર્યા હતા.

કોલેજ કેમ્પસ ખાતે રાજ્યપાલશ્રીએ બાયો ઇનપુટ્સ પ્રયોગશાળાની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં ઉપયોગી ઘન જીવામૃત, બીજામૃત, નિમાસ્ત્ર, દશપર્ણી અર્ક સહિતની બનાવટની પદ્ધતિનું નિદર્શન કર્યું હતું. કોલેજના વિદ્યાર્થીઓએ તૈયાર કરેલ પ્રાકૃતિક કૃષિ મોડેલની પ્રતિકૃતિ નિહાળીને રાજ્યપાલશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજ ભાવે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, ખેતીમાં રાસાયણિક ખાતરના ઉપયોગથી માનવીના આરોગ્ય પરનો ખતરો સતત વધી રહ્યો છે. ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવીને ઝેરમુક્ત ખેતી તરફ વળવું અનિવાર્ય બન્યું છે. કેન્સર સહિતના જીવલેણ રોગોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એકમાત્ર ઉપાય છે.

રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ વિષયક નવીન સંશોધનો અને તેના પ્રચાર પ્રસાર માટે પ્રેરણા પુરી પાડી હતી. ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓને સફળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ તકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, સુપર ન્યુમરરી આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી અતુલ સિંઘ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી-હાલોલના ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલર શ્રી ડો. વી.પી.ઉસદડિયા, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ અમરેલીના પ્રિન્સિપાલ શ્રી સ્વપ્નિલ દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts