વિદ્યાર્થીઓના સંશોધન, ઇનોવેશન અને સ્ટાર્ટઅપ સશક્તિકરણ દ્વારા ‘આત્મનિર્ભર અને વિકસિત ભારત’ના નિર્માણ માટે જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીનો આ એક પ્રશંસનીય પ્રયાસ છે – ડો. મનીષ બંસલ
*ઇકો સાયકલ, ફોગ ફાર્મર, એકવા બોટ, ધોલેરા સર તેમજ અટલ બ્રીજ રેપ્લિકા ઉપરાંત આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ આધારિત ફેક્ટ ફાઈન્ડર, કેરીઅર બોટ, સેન્ટી વ્યુ, જેસ્ચર બોટ, એરો સેન્સ, સાય ગાર્ડ જેવા પ્રોજેક્ટ વિશેષ આકર્ષણનું કેન્દ્ર*
જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટી ખાતે ચાર દિવસીય પ્રોજેક્ટ મહોત્સવ ‘ટેકમંજરી-૨૬’ નો ભવ્ય પ્રારંભ ભાવનગર જિલ્લા કલેકટર ડો. મનીષ બંસલ, યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલ ના વરદ હસ્તે જ્ઞાનમંજરી ઇનોવેટીવ યુનિવર્સિટીના ચેરમેન શ્રી એમ.એમ. નાકરાણી, પ્રેસિડેન્ટ શ્રી અવિનાશ પટેલ તથા યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને સીઈઓ ડૉ. એચ.એમ. નિમ્બાર્ક ની વિશેષ ઉપસ્થિતિ માં આજરોજ તા. ૮ જાન્યુઆરી ના રોજ કરવામાં આવ્યો.
વર્તમાન ટેકનોલોજીના યુગમાં ભારતના યુવાનો સ્ટાર્ટઅપ્સ, ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરી શકે તેવા ધ્યેય સાથે આ ‘પ્રોજેક્ટ કાર્નિવલ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં આર્ટસ, કોમર્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન, ફાર્મસી, સાયન્સ, મેનેજમેન્ટ અને ટેકનોલોજી વિભાગના ૭૫૦થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ૧૫૦થી વધુ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સ, સ્ટાર્ટઅપ આઇડિયાઝ અને રિસર્ચ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ, નવીનીકરણીય ઊર્જા, કૃષિ ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવીનતમ સંશોધન પ્રદર્શિત કર્યા છે.
ઉદ્ઘાટન પ્રસંગે ભાવનગર જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, “આજના યુવાનોમાં રહેલી સર્જનાત્મક શક્તિઓને યોગ્ય મંચ અને માર્ગદર્શન મળી રહે તેમજ સરકારની સ્ટાર્ટઅપ માટેની વિવિધ યોજનાઓ અંગે તેઓ માહિતગાર થાય તે માટે આ પ્રકારના આયોજનો અત્યંત મહત્વપૂર્ણ છે.” યુવરાજ શ્રી જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે આજના સ્પર્ધાત્મક સમયમાં ‘ટેકમંજરી’ જેવા માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને ઇનોવેશન અને સંશોધનની દિશામાં આગળ વધવાની પ્રેરણા મળે છે, જેના પરિણામે સમાજ ઉપયોગી અનેક નવા આવિષ્કારો સામે આવે છે.” બંને મહાનુભાવો એ વિદ્યાર્થીઓના વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ અને સ્ટાર્ટ-અપ્સ ની સરાહના કરેલ તેમજ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે અભિનંદન પાઠવેલ.
યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને સીઈઓ ડૉ. એચ.એમ. નિમ્બાર્કે જણાવ્યું હતું કે, “છેલ્લા દસ વર્ષથી સતત આયોજિત થતા ‘ટેકમંજરી’નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સંશોધન અને નવીનીકરણની ભાવના જાગૃત કરવાનો છે, જેથી યુવાનો આત્મનિર્ભર અને ઉદ્યોગ સાહસિક બની રાષ્ટ્ર નિર્માણ માં પોતાનું યોગદાન આપી શકે.” તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૧ જાન્યુઆરી સુધી ચાલનારા આ ‘ટેકમંજરી-૨૬’ મહોત્સવની મુલાકાત લેવા માટે યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ ઔદ્યોગિક ક્ષેત્રના પ્રતિનિધિઓને ખાસ અનુરોધ કરવામાં આવે છે.
આજના પ્રથમ દિવસે વિવિધ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો મળીને કુલ ૧૮૦૦ જેટલા મુલાકાતીઓએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ આગામી ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ચાલશે, જેમાં વિદ્યાર્થીઓ, ઉદ્યોગ સાહસિકો અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો વચ્ચે જ્ઞાન અને અનુભવોનું આદાન-પ્રદાન થશે.


















Recent Comments