અમરેલી

સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પર તંત્રની ઘોર બેદરકારી: ખુલ્લી ગટરમાં ખાબકેલી ગાયનું ભારે જહેમતે રેસ્ક્યુ

​​જવાબદારી ત્યજીને બેઠું છે

આ તંત્ર પથ્થર થઈ,

બચાવવા જીવ ગાયનો, 

જનતા જ આવી સજ્જ થઈ.

​ખુલ્લી ગટર ને તૂટતી દીવાલો 

પૂછે છે અહીં સવાલ,

ક્યાં સુધી આ ભૂલ બીજાની 

કહીને છૂટશે આ તંત્ર અહીં?

–“પાંધી સર”

સાવરકુંડલા રેલ્વે સ્ટેશનના પટાંગણમાં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. સ્ટેશન પરિસરમાં આવેલી ગટર ખુલ્લી હાલતમાં હોવાને કારણે એક નિરાધાર ગાય તેમાં ખાબકી હતી. આ ઘટનાની જાણ થતા જ સેવાભાવી સંસ્થાઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો.આ દુર્ઘટનાની જાણ થતા જ ‘શ્રીજી ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ’ના સ્વયંસેવકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ગાયને ગટરમાંથી બહાર કાઢવા માટે નાગરિક જેસીબી (JCB), નગરપાલિકાના ફાયર વિભાગ અને સ્થાનિક અગ્રણી સોહિલભાઈ શેખની મદદ લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત અને સંયુક્ત પ્રયાસો બાદ ગાયનું સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

જ્યારે આ બાબતે રેલ્વેના જવાબદાર કર્મચારીને પૂછવામાં આવ્યું, ત્યારે સહકાર આપવાને બદલે તેઓ ઉગ્ર બની ગયા હતા. કર્મચારીએ ઉદ્ધત વર્તન કરતા જણાવ્યું હતું કે, “ગટર તો લોકોએ તોડી નાખી હશે, અમે બધે ધ્યાન ન રાખી શકીએ.” રેલ્વે તંત્રની આ પ્રકારની જવાબદારી વગરની વાતોથી શહેરીજનોમાં ભારે નારાજગી ફેલાઈ છે.હાલમાં પણ સ્ટેશન પટાંગણમાં ગટરનું સમારકામ યોગ્ય રીતે સત્વરે  કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં કોઈ પશુ કે મુસાફર સાથે મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? તેવો સવાલ અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

Related Posts