ભારતમાં દર વર્ષે તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું મહત્વ ભારતીય મહાન વૈજ્ઞાનિક ડૉ. સી.વી. રામન દ્વારા વર્ષ ૧૯૨૮માં કરવામાં આવેલ “રામન ઇફેક્ટ”ની શોધ સાથે જોડાયેલું છે. આ દિવસનો મુખ્ય હેતુ સમાજમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવાનો, યુવાનોમાં સંશોધન પ્રત્યે રસ જગાડવાનો અને વિજ્ઞાનના મહત્વ અંગે જાગૃત્તિ લાવવાનો છે. આ સંદર્ભમાં અમરેલી જિલ્લાના લાઠી રોડ સ્થિત કે.કે. પારેખ ટેક્નિકલ ગ્રાઉન્ડ ખાતે નિર્માણ પામી રહેલું અદ્યતન જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર જિલ્લાવાસીઓ માટે ગૌરવની બાબત છે. આ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી જિલ્લામાં વિજ્ઞાનના અજવાળે ઉજ્જવળ ભવિષ્યનો પાયો નાખશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ અને ટેકનોલોજી(ગુજકોસ્ટ), DST, દ્વારા અંદાજે રૂ. ૨૧ કરોડના ખર્ચે આ વિજ્ઞાન કેન્દ્ર વિકસાવવામાં આવી રહ્યું છે. આ જિલ્લા વિજ્ઞાન કેન્દ્રનો હાલ રાજ્યના ઊર્જા અને કાયદો તેમજ ન્યાય વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રીશ્રી અને તત્કાલિન વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે વિકાસ સપ્તાહ અંતર્ગત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોને આવરી લેતી ત્રણ મુખ્ય ગેલેરીની વ્યવસ્થા રહેશે. પ્રાદેશિક ગેલેરીમાં ગીર જંગલ, એશિયાટીક સિંહ, બાયોકોસ્ટિક્સ અને વન્યજીવન આનુવંશિકતા વિશે માહિતી મળશે. એપ્લાઇડ એન્ડ સ્ટેમ ગેલેરીમાં ડીએનએ હેલિક્સ, મોલેક્યુલર બાયોલોજી, ખોરાક અને કૃષિ સંબંધિત વૈજ્ઞાનિક માહિતી રજૂ કરવામાં આવશે. જ્યારે સામાન્ય વિજ્ઞાન ગેલેરીમાં ભૌતિકશાસ્ત્રના વિવિધ પ્રયોગો, ક્વોન્ટમ ડેમો અને કાર્બન ફૂટપ્રિન્ટ સીમ્યુલેટર જેવા આધુનિક પ્રદર્શન વિદ્યાર્થીઓ માટે વિશેષ આકર્ષણ બનશે.
આ ઉપરાંત, વિજ્ઞાન કેન્દ્રમાં પ્લેનેટોરિયમ, ઓડિટોરીયમ, ડિસ્કવરી સેન્ટર અને ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે. પ્લેનેટોરિયમ દ્વારા વિદ્યાર્થીઓને અવકાશ વિજ્ઞાન અંગે જીવંત અનુભવ મળશે, જ્યારે ડિસ્કવરી સેન્ટર દ્વારા તેઓ પ્રયોગાત્મક રીતે વિજ્ઞાનને સમજી શકશે.
આ અંગે જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રના ડાયરેક્ટર શ્રી નિલેશ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વર્ષ ૨૦૦૦થી અમરેલી જિલ્લામાં લોકવિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે, જેના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારો સુધી વિજ્ઞાનનો પ્રચાર-પ્રસાર કરી બાળકો-વિદ્યાર્થીઓ અને લોકોની વિજ્ઞાન પ્રત્યે અભિરૂચી વધે તેવું કામ કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, નિર્માણાધિન ડિસ્ટ્રીક્ટ સાયન્સ સેન્ટર આગામી દિવસોમાં અમરેલી જિલ્લામાં વિજ્ઞાન અને તેને સંબંધિત પ્રવૃત્તિઓ, જી.આઈ ટેગ, સંશોધન, વિજ્ઞાનને લગતી બાબતોનું પ્રેરણાધામ બનશે. જિલ્લા કક્ષાના આ કેન્દ્રથી લોકો જીજ્ઞાસાથી જ્ઞાન સુધીની સફર કેળવી શકશે.
આ કેન્દ્ર વિદ્યાર્થીઓ અને યુવાનો માટે જ્ઞાન, સંશોધન અને નવીનતાનું પ્રેરણાસ્થાન બનશે. સાથે સાથે, આ વિજ્ઞાન કેન્દ્ર પરંપરાગત જ્ઞાન અને આધુનિક ટેક્નોલોજી વચ્ચે સેતુરૂપ બનીને આગામી પેઢીમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ આપણને વિજ્ઞાનના મહત્વને સમજવાની અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવવાની પ્રેરણા આપે છે. અમરેલીમાં આકાર પામી રહેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આ દિશામાં એક મહત્વપૂર્ણ મીલનો પથ્થર સાબિત થશે.
















Recent Comments