મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં વન મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે સર્વગ્રાહી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટેની ઈકો સિસ્ટમ ઉભી કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ક્લાઈમેટ ચેંજના પડકારો સામે લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ – મિશન લાઈફ, હરિત ઉર્જા માટે રિન્યુએબલ એનર્જી અને સોલાર રૂફટોપ તથા જળ સંચય માટે ‘કેચ ધ રેઈન’ અને અમૃત સરોવરનું નિર્માણ તેમજ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષોના વાવેતરથી હરિયાળી ક્રાંતિ દ્વારા પર્યાવરણ સંતુલન સાથેનો વિકાસ ગુજરાતે કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ૭૬માં વન મહોત્સવ અંતર્ગત રાજ્યના ૨૪માં સાંસ્કૃતિક વન તરીકે ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં ૭ હેક્ટરમાં નિર્માણ થયેલા ગળતેશ્વર વનનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે ગુજરાત સ્ટેટ વેટ લેન્ડ ઓથોરિટીની વેબ સાઈટનું લોન્ચીંગ, ગ્રામ વન નિર્માણ અને પટ્ટી વાવેતરની ઉપજના ચેકનું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતોને વિતરણ તથા વન વિભાગની યોજનાઓના લાભાર્થીઓને ચેક અર્પણ કર્યા હતા.
“આપણે કુદરતને પ્રેમ કરીશું તો કુદરત આપણું ધ્યાન રાખશે” મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, આપણે તો છોડમાં રણછોડ અને જીવમાં શિવ જોનારા લોકો છીએ. એટલુ જ નહિ, વડાપ્રધાનશ્રીએ પણ પર્યાવરણ સંતુલન અને જાળવણીને હંમેશા પ્રાયોરીટી આપી છે. આ હેતુસર તેમણે વન મહોત્સવનું પરંપરાગત પ્રારૂપ બદલીને વન સાથે જન જનને જોડ્યા છે અને વન મહોત્સવોને જન મહોત્સવો બનાવ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ ગ્રીન કવર વધારવા માટે ‘એક પેડ મા કે નામ’ અભિયાન, મિયાવાકી પદ્ધતિથી રાજ્યમાં ૨૦૭ વન કવચ નિર્માણ, ૮૨ જેટલા નમો વડ વન વગેરેની સફળતાને પરિણામે વન વિસ્તાર બહારનું ગ્રીન કવર વધીને ૧૧૪૩ ચોરસ કિલોમીટર થયું છે તેની પણ ભૂમિકા આપી હતી.
વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી શરૂ થયેલા ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં ગુજરાતે ગયા વર્ષે ૧૭.૫૦ કરોડ રોપાના વાવેતર સાથે દેશમાં બીજું સ્થાન મેળવ્યુ છે અને આ વર્ષે ‘એક પેડ મા કે નામ ૨.0’માં સમગ્ર રાજ્યમાં ૧૦.૩૫ કરોડ રોપાના વાવેતરનો લક્ષ્યાંક છે તેનો પણ તેમણે વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે વેપાર ઉદ્યોગના વિકાસ સાથે માનવ જીવનના વિકાસ માટે ભાવિ પેઢીને સ્વચ્છ વાતાવરણ પુરુ પાડીને સમૃદ્ધ અને સ્વસ્થ રાખવા માટે ગ્રીન ક્લિન એન્વાયરમેન્ટ જરૂરી છે અને વન મહોત્સવો આ માટેનું સક્ષમ માધ્યમ છે.
આ અવસરે વન અને પર્યાવરણ મંત્ર શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે, સાંસ્કૃતિક વનોનો હેતુ લોકોને ધાર્મિક અને ઔષધિય વૃક્ષો વિશે જાગૃત કરવા, જળવાયુ પરિવર્તનમાં સકારાત્મક યોગદાન આપવા, વૃક્ષ આચ્છાદન વધારવા અને લોકો, વિદ્યાર્થીઓ તથા બાળકોમાં વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગૃત કરવાનો છે. ચાલુ વર્ષે સામાજિક વનીકરણ હેઠળ ૩૯,૨૯૫ હેક્ટરમાં વાવેતર અને ૨૦ અર્બન ફોરેસ્ટના નિર્માણનું આયોજન છે. પંચરત્ન ગ્રામ વાટીકા મોડલ હેઠળ ૧૦૦૦ ગામોમાં ગામ દીઠ ૫૦ રોપા વાવવામાં આવશે. ૨૦૨૫-૨૬માં ૩૪ પવિત્ર ઉપવનો બનશે અને ૧૯,૮૯૫ હેક્ટરમાં ૧૫૩.૯૦ લાખ રોપાઓનું વાવેતર થશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સામાજિક વનીકરણમાં રાજ્ય સરકાર કટિબદ્ધતાથી કામગીરી કરી રહી છે. ખેડા જિલ્લામાં પણ આ દિશામાં કામગીરી કરતા ગોવિંદપુરા ખાતે વન કવચ અને “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ પીપલગ ગામે વન નિર્માણ કરવામાં આવ્યુ છે. રાજ્ય સરકારે ‘ગ્રીનગ્રોથ’ને વિકાસના પાંચમા સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે. તેમણે વર્ષ ૨૦૨૫-૨૬ માં “હરિત વન પથ” યોજના હેઠળ રોડસાઇડ અને કોસ્ટલ હાઇવે પર ૧૦૦ હેક્ટરમાં વૃક્ષોનુ વાવેતર, એગ્રો ફોરેસ્ટ્રી હેઠળ ૩૫,૦૦૦ હેક્ટરમાં ખેતરોમાં વૃક્ષારોપણ, ૧૩૦ અમૃત સરોવરો ફરતે ૨૦૦ રોપા દીઠ વાવેતર અને ૧૩૬ વનકુટીર નિર્માણ અને ૧૦૦ કિસાન શિબિર યોજવાનું આયોજન હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભમાં વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમારે ઉપસ્થિત સૌનું સ્વાગત કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.
આ કાર્યક્રમમાં ખેડા સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, પંચમહાલ સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, ઠાસરા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર, નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, મહુધા ધારાસભ્ય શ્રી સંજયસિંહ મહિડા, મહેમદાવાદ ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ, કપડવંજ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા, માતર ધારાસભ્ય શ્રી કલ્પેશભાઈ પરમાર, અગ્રણી શ્રી નયનાબેન પટેલ, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એ.પી સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક, વન્યજીવ, ડો. જયપાલસિંઘ, કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર, અન્ય અગ્રણીઓ, મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.





















Recent Comments