ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે જમીન વિવાદમાં ક્રિકેટર યુસુફ પઠાણની અરજી ફગાવી, વડોદરા મનપા. ને જમીનનો કબજો કેમ લેવાયો નથી તેનો જવાબ માંગ્યો

ભારતીય ક્રિકેટ ટીમમાં રમી ચૂકેલા ક્રિકેટર અને તાજેતરમાં પશ્ચિમ બંગાળથી લોકસભા ચૂંટણી જીતેલા યુસુફ પઠાણ સરકારી જમીન પચાવી પાડવાના વિવાદમાં સપડાયા હતા.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાણીતા રમતવીરોને રાહતદરે જમીન આપવાની યોજના અમલમાં મૂકી હતી. તેમાં ક્રિકેટર યુસુફ પઠાણે જમીનની માંગણી કરી હતી. તેને કોર્પોરેશનની સભાએ મંજૂરી આપી રાજ્ય સરકારમાં મોકલી હતી, પરંતુ નામંજૂર દીધી હતી. હવે તે જમીન પર ગેરકાયદે દબાણ કરી તબેલો અને દીવાલ બાંધી દઈ પ્લોટનો કેટલોક ભાગ પોતાના હસ્તક મેળવી લીધો હતો. જે અંગે વિવાદ થતાં કોર્પોરેશને નોટિસ આપતા યુસુફ પઠાણે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે અંગેનો કેસ ચાલી જતાં હાઈકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી છે અને વડોદરા મહાનગપાલિકાની ટીકા કરી છે કે, કોર્પોરેશને આ જમીનનો કબજો હજુ સુધી લીધો કેમ નથી?

તાંદળજા શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી આંગન સોસાયટી નજીક ટી.પી. સ્કીમ નં.22 ના ફાઈનલ પ્લોટ નં.90 વાળી રહેણાંકનો હેતુ ધરાવતી 978 ચોરસ મીટર જમીન ક્રિકેટર યુસુફ પઠાણે 3 માર્ચ 2012 ના રોજ વેચાણથી માંગણી કરી હતી. જે અંગે 8 જૂન 2012 ના માત્ર ત્રણ મહિનામાં કોર્પરેશનની સામાન્ય સભામાં ભાજપ–કોંગ્રેસના પણ વિરોધ વિના સર્વાનુમતે જમીન આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. 

કોર્પોરેશને ઠરાવ કર્યા બાદ રાજ્ય સરકારમાં મંજૂરી માટે મોકલવામાં આવતા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે 9 સપ્ટેમ્બર 2014 ના રોજ કમિશનરને પત્ર લખી યુસુફ પઠાણને ફાળવવામાં આવેલી જમીન પ્રતિ ચો.મી. રૂા. 57, 270 ના પ્રિમિયમથી 99 વર્ષના ભાડા પટ્ટેથી જાહેર હરાજી સિવાય ફાળવવા માટે ખાસ કિસ્સા તરીકે રાજ્ય સરકારની મંજૂરી મેળવવા અંગે કરવામાં આવેલી દરખાસ્ત નામંજૂર કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું?? 

આ મુદ્દે કોર્પોરેશનની સભામાં હોબાળો થતાં ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણે હાઈકોર્ટમાં રીટ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ન્યાયમૂર્તિ મોનાબેન ભટ્ટની કોર્ટમા ચાલી જતાં યુસુફ પઠાણની અરજી ફગાવી દેવામાં આવી છે અને હાઈકોર્ટે ટીકા કરી છે કે, રાજ્ય સરકારે ક્રિકેટરની જમીનની માગણી નામંજૂર કરી છે તેમ છતાં કોર્પોરેશન દ્વારા તે જમીનનો કબજો લેવાની કાર્યવાહી કેમ કરી નથી.

આ અંગે ભાજપના પૂર્વકોર્પોરેટર પવારે મુખ્યમંત્રીને પત્ર લખી જમીન પરત લેવા માંગણી કરી હતી. તે બાદ કોર્પોરેશનની માલિકીની જમીન પચાવી પાડનાર યુસુફ પઠાણ સામે કોર્પોરેશનની સભામાં સયાજીગંજના ધારાસભ્ય કેયૂર રોકડિયા, વોર્ડ નં-10ના કોર્પોરેટર નીતિન દોંગા સહિત કોંગ્રેસના કોર્પોરેટરોએ પણ યુસુફ પઠાણ પાસેથી જમીનનું ભાડુ વસૂલ કરવા જણાવ્યું હતું તેમ છતાં આજદિન સુધી કોર્પોરેશને ભાડૂ વસૂલ કર્યું નથી. 

Related Posts