યોગ કો-ઓર્ડિનેટર, કોચ તથા ટ્રેનરને પ્રોત્સાહન આપવાગુજરાત રાજ્ય યોગ એવોર્ડ – તા.૩૧ ડિસેમ્બર સુધીમાં અરજી મોકલવી
અમરેલી તા.૨૦ ડિસેમ્બર, ૨૦૨૪ (શુક્રવાર) રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કાર્યરત છે. યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલા હોય માત્ર તેવા યોગ કો-ઓર્ડિનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેઇનરને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવામાં આવે છે.
યોગના ક્ષેત્રમાં યોગદાન આપ્યું હોય અને ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ મેળવવા ઇચ્છતા હોય તેઓએ અરજી કરવાની રહે છે. અરજી કરતી વખતે ઓછામાં ઓછા ત્રણ (૩) વર્ષ યોગદાન યોગ ક્ષેત્રમાં આપેલું હોવું જોઈએ. યોગ બોર્ડ દ્વારા આપવામાં આવેલ યોગ કોચ અથવા યોગ ટ્રેઇનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. આ એવોર્ડ માટે વય(ઉંમર)બાધ નથી.
પૂરું નામ, સરનામું, સંપર્ક નંબર, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોગ ક્ષેત્રે કરેલા કાર્યના ફોટોગ્રાફસ, સંપૂર્ણ વિગતો અને માંગવામાં આવેલા તમામ આધાર-પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનામાં ફોટો સાથેના નક્કર પુરાવાવાળી અરજી ગુજરાતી, હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં, કોઈ પણ એક કેટેગરીમાં જ કરવી. આ અંગે વધુ વિગત માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીનો (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ સંપર્ક કરવો.
આ અરજી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સી બ્લોક, પ્રથમ માળ, રુમ ૧૧૦-૧૧૧, બહુમાળી ભવન (જિલ્લા સેવા સદન-૦૨), રાજમહેલ કમ્પાઉન્ડ, જિલ્લા સેવા સદન-૦૧ સામે, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે રુબરુ અથવા પોસ્ટથી મોડામાં મોડી તા.૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીમાં મોકલવી.
અધૂરી વિગત વાળી કે સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ અમાન્ય ઠરશે, તેની ખાસ નોંધ લેવા અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
Recent Comments