ગુજરાત

ગુજરાત તાપમાનનો પારો વધ્યો; કંડલામાં સૌથી વધુ ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં આ વર્ષે એપ્રિલ મહિનાના આરંભ સાથે અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. સરેરાશ તાપમાનનો પારો ૪૩ ડિગ્રીએ પંહોચતા રાજ્યવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાઈ રહ્યા છે. હવામાનવિભાગે આગામી ૩ દિવસોમાં પણ કાળઝાળ ગરમીનો અનુભવ કરવો પડશે તેવી આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આગામી થોડા દિવસ કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી છે. ત્યારે મંગળવારે (સાતમી એપ્રિલ) કંડલામાં સૌથી વધુ ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. નોંધનીય છે કે,આજે કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં ઍલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગ અનુસાર, કંડલામાં સૌથી વધુ ૪૫.૩ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૪૨.૯, ગાંધીનગરમાં ૪૨.૯ ડિગ્રી, ડીસામાં ૪૩.૨, વલ્લભ વિદ્યાનગરમાં ૪૦.૭ ડિગ્રી, વડોદરામાં ૪૧.૬, સુરેન્દ્રનગરમાં ૪૪.૦ ડિગ્રી તાપમાન, નલિયામાં ૩૮.૨, ભુજમાં ૪૨.૯ ડિગ્રી તાપમાન, પોરબંદરમાં ૩૮, રાજકોટમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન, કેશોદમાં ૪૧.૮, મહુવામાં ૩૯.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગરમી બાબતે હવામાન વિભાગની આગાહી મુજબ, ૮-૯ એપ્રિલના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૦ જિલ્લામાં યલો ઍલર્ટની આગાહી છે, ત્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બંને દિવસે કચ્છ જિલ્લામાં ઉષ્ણ લહેરની ચેતવણીને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે ૧૦ એપ્રિલે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ચાર દિવસ ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં પહેલીવાર તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચી ગયું છે. આ સાથે અમદાવાદના લોકો ભારે ગરમીનો સામનો કરી રહ્યા છે. દિવસ દરમિયાન ગરમીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કંડલામાં નોંધાયું હતું, જ્યાં પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સાથે, કંડલામાં પરિસ્થિતિ અત્યંત ગરમ થઈ ગઈ છે અને ગરમીને કારણે લોકો ઘરની અંદર રહેવા મજબૂર છે.

Related Posts