અમરેલી, તા.૦૫ ઓગસ્ટ, ૨૦૨૫ (મંગળવાર) એક સમય એવો હતો કે શાળાઓના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ પાટી પર એકડો લખીને શિક્ષણ મેળવવાની શરુઆત કરતા હતા. નોટબુક અને પાઠ્યપુસ્તકો દ્વારા મળતું જ્ઞાન ૨૧મી સદીમાં ડિજિટલાઇઝ થઈ રહ્યું છે.
ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારના પ્રયાસોને વેગ આપવા માટે વર્ષ-૨૦૧૭થી શરુ કરવામાં આવેલા ‘જ્ઞાનકુંજ’ પ્રોજેક્ટ અંતર્ગત છેવાડાના વિસ્તારની શાળાઓને પણ સ્માર્ટ ક્લાસરુમ મળ્યા છે.
આ ક્લાસરુમમાં બ્લેકબોર્ડનું સ્થાન ડિજિટલ સ્ક્રિને લીધું છે, પાઠ્યપુસ્તકો ઈ-કન્ટેન્ટ સ્વરુપે ભણાવવામાં આવે છે. ડિજિટલ ઈન્ડિયાના દ્રષ્ટિકોણથી પ્રેરિત થઇ ગુજરાત સરકારના ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે પ્રયાસોને વેગ આપવા માટે “જ્ઞાનકુંજ” પ્રોજેક્ટનો રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રીએ તા.પ સપ્ટેમ્બર, ર૦૧૭ શિક્ષક દિનથી શુભારંભ કર્યો હતો.
સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત દ્વારા અમલી કોમ્પ્યુટર એઇડેડ લર્નિંગ (CAL) આ પ્રોજેક્ટ અમરેલી જિલ્લાની ૭૪૨ શાળાઓમાં કાર્યરત છે. આ વિશે વિગતો આપતા ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ કો-ઓર્ડિનેટર શ્રી મુક્તાબેન ચાંડપા જણાવે છે કે, આ સ્માર્ટ ક્લાસરુમમાં વિદ્યાર્થીઓને ટેકનૉલોજી સાથે સુસંગત શિક્ષણ મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના ૨,૦૯૨ ક્લાસરુમ, ૧૬૦ સરકારી માધ્યમિક શાળાઓના ક્લાસરુમ, ૬૦૨ ગ્રાન્ટએઇડ ઇન શાળાઓના ૨,૮૫૪ વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસરુમમાં ઇન્ટરએક્ટિવ પેનલ (ડિજિટલ સ્ક્રિન) આપવામાં આવે છે જેમાં પાઠ્યપુસ્તકો સહિતનું સાહિત્ય અને પ્રેક્ટિકલ વીડિયોનો સમાવેશ થાય છે. આ શિક્ષણ પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ અને શીખવાની શક્તિમાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.
જ્ઞાનકુંજ શાળાઓમાં ઉપલબ્ધ ડિજિટલ શિક્ષણમાં ૫૨ પાઠ્યપુસ્તકોના ૪૫૦ થી વધુ એકમો ૩,૦૦૦થી વધુ એનિમેટેડ વિડિઓઝ, વિજ્ઞાન પ્રયોગો માટે વર્ચ્યુઅલ લેબ અને ૫૦,૦૦૦ થી વધુ પ્રશ્નોની પ્રશ્ન બેંક, ૩,૦૦૦ ઇન્ટરેક્ટિવ એનિમેશન, વિવિધ વિષયો પર ૧,૦૦૦ થી વધુ રમતોનો સમાવેશ છે.
અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરાવતા શિક્ષકોને વર્ષમાં એક તાલીમ આપવામાં આવે છે અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટને લગતી વિગતોથી અપડેટ રહે તે માટે વાકેફ કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકોના કેટલાક પ્રકરણોને શિક્ષકો પ્રેક્ટિલ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી શકતા હોવાથી વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરમાં સુધારો થયો છે.
ગ્રામ્ય વિસ્તારો અને છેવાડાના વિસ્તારની શાળાઓના વિદ્યાર્થીઓ આ સુવિધાના લીધે વૈશ્વિક ડિજિટલ શિક્ષણ અને ટેકનૉલોજીનું પાયાનું જ્ઞાન પણ મેળવે છે જે રાજ્ય સરકારના શિક્ષણક્ષેત્રે થયેલા ક્રાંતિકારી પ્રયાસોનું પરિણામ છે.
સ્માર્ટ ક્લાસરુમ ઉપરાંત શાળાઓમાં રાજ્ય સરકાર દ્વારા આઇ.સી.ટી. કોમ્પ્યુટર લેબ પણ આપવામાં આવે છે. ૧૫ કોમ્યુટર ધરાવતી હોય તેવી અમરેલી જિલ્લાની ૫૦૯ શાળાઓમાં લેબનો પણ સમાવેશ થાય છે.
આમ ૨૧મી સદીમાં ટેકનૉલોજી સાથે તાલ મિલાવતા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે થઈ રહેલી કામગીરીના સકારાત્મક પરિણામો છેવાડાના વિસ્તારના આર્થિક રીતે સામાન્ય સ્થિતિ ધરાવતા હોય તેવા પરિવારના બાળકોને પણ મળી રહ્યા છે.
Recent Comments