ભાવનગરના કુડા ખાતેથી હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીનનું કરાયું લોકાર્પણ

ભાવનગર જિલ્લામાં આયુષ્માન આરોગ્ય મંદીર- કુડા ખાતેથી ટીબીના તમામ કેસોને ધરઆંગણે શોધવાના હેન્ડ હેલ્ડ એકક્ષ-રે મશીનનું લોકાર્પણ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ચંદ્રમણી કુમારના વરદહસ્તે કરવામાં આવ્યુ હતું આથી જનમાનસનું ટીબીનું નિદાન સરળતાથી થઈ શકે એવી એક્સ-રેની સુવિધા મળી શકશે. પ્રથમ દિવસે ૯૩ એક્સ રે કરવામાં આવ્યા હતા.
ભારત દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ-૨૦૨૫ સુધીમાં “ટીબી હારેગા દેશ જીતેગા” ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઇનના ભાગરૂપે આજરોજ વિકાસશીલ તાલુકો ધોધાની ગ્રાન્ટમાંથી ખરીદાયેલ હેલ્થ હેન્ડ એકક્ષ-રે મશીનનું લોકાર્પણ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીના વરદહસ્તે પ્રમુખશ્રી, તાલુકા પંચાયત-ધોધા તથા જિલ્લા પંચાયત જાહેર આરોગ્ય સમીતીના સદસ્યશ્રીની ગરીમામય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.
આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તથા જિલ્લા ક્ષય કેન્દ્ર ભાવનગર તથા તાલુકા હેલ્થ કચેરી-ધોધા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-મોરચંદના અધિકારી/કર્મચારીઓની હાજરીમાં જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદીર- કુડા ખાતેથી લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીન થકી દર્દીઓ તથા છેલ્લા પાંચ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા લોકો, ડાયાબીટીસ, આલ્કોહોલ તથા તમાકુ સેવન કરતા લોકો, સ્લમ વિસ્તાર, કુપોષિત લોકો, બંદિવાન તેમજ અન્ય જોખમી (હાઈરીસ્ક) લોકોમાં ટીબીના શંકાસ્પદ લક્ષણો મુજબ એક્સ-રે કરીને ટીબીના રોગને અટકાવવાની કામગીરી કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હેન્ડ હેલ્ડ એક્સ-રે મશીનની સુવિધાથી ગામના ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડીને તોડી શકાશે અને મરણના પ્રમાણમાં પણ ઘટાડો થશે. ભાવનગર જિલ્લામાં તમામ આયુષ્માન આરોગ્ય મંદીરો ખાતે આગામી દીવસોમાં આયોજન કરી જીલ્લાના ટીબીના તમામ કેસોને શોધવા તેમજ લોકોને ટીબી માટે સરળતાથી તદ્દન મફતમાં એક્સ-રે પડાવવાની સુવિધાઓ પુરી પાડવામાં આવશે.
Recent Comments