ભાવનગર

ગાંધી વિચાર, સમરસતા અને સહઅસ્તિત્વની જીવંત પ્રયોગશાળા સમાન હણોલ ગામ

ગાંધી વિચારના પ્રચાર–પ્રસાર માટે દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા યુવાનો સાથે ભાવનગર જિલ્લાના
હણોલ ગામે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો. આ યુવાનો હણોલ ગામમાં ૧૧
દિવસ સુધી રોકાઈ ગ્રામજીવન, સામાજિક સમરસતા, સહઅસ્તિત્વ અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને નજીકથી
અનુભવી રહ્યા હતા.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, હણોલ ગામ સાચા અર્થમાં સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ
ગામમાં ૧૮ જેટલી જુદી-જુદી જ્ઞાતિના લોકો વસે છે, છતાં અહીં કોઈ ભેદભાવ વિના સૌ એક પરિવારની જેમ જીવન
જીવતા જોવા મળે છે. વિવિધ વિચારધારાઓ હોવા છતાં પરસ્પર સદભાવ, માનવતા અને પ્રેમથી અહીંનો સમાજ
ગુંથાયેલો છે, જે આજના સમયમાં સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યું કે, જો આપણે એકબીજા પ્રત્યે સદભાવ રાખી, ભેદભાવ દૂર કરી, એકતાના
સૂત્રને આત્મસાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં ૨૦૪૭ સુધીના ‘વિકસિત ભારત’ના સપનાને સાકાર
કરી શકીશું. હણોલ ગામમાં જોવા મળતી સમરસતાની આ વિચારધારાને સમગ્ર દેશમાં ફેલાવવાની જવાબદારી
યુવાનોના ખભે છે, તેમ તેમણે અનુરોધ કર્યો હતો.
સંવાદ દરમિયાન યુવાનોએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા, જેમાં બિહારથી આવેલા યુવાન પ્રશાંત કુમારે
જણાવ્યું હતું કે, બાબુભાઈ પરમારના ઘરે રહ્યા બાદ તેને એવું લાગ્યું કે આ તેમનું બીજું ઘર છે. અહીં મળેલો પ્રેમ અને
આત્મીયતા જીવનભર યાદ રહેશે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
જમનાબાના ઘરનો અનુભવ વર્ણવતાં અન્ય એક યુવાને કહ્યું કે, હણોલ ગામ છોડીને જવું અમારા માટે
અત્યંત કઠિન છે. અહીં રહેતા સમયે પિતા જેવી લાગણી અને પરિવાર જેવી લાગણી અનુભવાઈ. સાચા અર્થમાં ઘર
અને પરિવાર શું હોય છે, તે આજે અહીં આવીને સમજાયું છે. દેશના ઘણા વિસ્તારોમાં આજે પણ ભેદભાવ જોવા મળે
છે, પરંતુ હણોલ ગામમાં સૌ લોકો એક જ પરિવારની જેમ સાથે રહે છે, જે અત્યંત પ્રેરણાદાયક છે.
મુસ્લિમ યુવાન સહિયાર આલમે પોતાના અનુભવમાં જણાવ્યું કે, હું મુસ્લિમ હોવા છતાં હણોલ ગામના લોકોએ
મને પરિવારના સભ્યની જેમ રાખ્યો છે. આ ગામનો યુવાન સંદીપ આલ કોચિંગ કરીને ગામના તથા આસપાસના
યુવાનોને વિવિધ પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને તાલીમ આપે છે, જે સમાજસેવા અને યુવાનોના સશક્તિકરણનું
ઉત્તમ ઉદાહરણ છે.
પૂર્વાંચલમાંથી આવેલા યુવાન રાજીવ કુમાર સિંઘે જણાવ્યું કે, અહીંની મહેમાનગતિ ખૂબ સારી છે. ભોજન માટે
આખું કિચન પીરસી દેવામાં આવે છે. આત્મીયતા એવી છે કે અમે હમણાં જ ગામમાં આવ્યા હોવા છતાં એવું લાગે છે
કે છેલ્લા એક-બે વર્ષથી અહીં જ રહેતા હોઈએ તેવી લાગણી થાય છે.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું કે, દેશને બદલવાની જવાબદારી આપણા
સૌની છે. દેશને આઝાદ કરાવવા માટે અનેક યુવાનોએ બલિદાન આપ્યા હતા. આજે બલિદાન આપવાની જરૂર નથી,

પરંતુ દેશના વિકાસ માટે ઈમાનદારીપૂર્વક કામ કરવાની જરૂર છે. સમાજમાં એકતા, સમરસતા અને સેવા ભાવના
સાથે કામ કરનાર યુવાનો જ નવા ભારતનું નિર્માણ કરી શકે છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
હણોલ ગામમાં યુવાનો દ્વારા અનુભવાયેલી આ સમરસતા, એકતા અને માનવતાની ભાવના ગાંધી વિચારની
સાચી પ્રતિબિંબ છે, જે સમગ્ર દેશ માટે માર્ગદર્શક બની રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

Related Posts