ભાવનગર

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ શ્રી મોરારિબાપુ

સમાચાર યાદી

——————–

સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. – શ્રી મોરારિબાપુ

તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે પ્રતિભાઓને અર્પણ થયાં ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન

ઈશ્વરિયા શનિવાર તા.૧૨-૪-૨૦૨૫

( મૂકેશ પંડિત )

શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં હનુમંત જન્મોત્સવ પ્રસંગે વિવિધ પ્રતિભાઓને ‘હનુમંત સન્માન’ અને વિવિધ સન્માન અર્પણ થયાં આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે.

હનુમંત જન્મોત્સવ પ્રસંગે શ્રી ચિત્રકુટધામ તલગાજરડામાં ત્રિદિવસીય આયોજન થઈ ગયું. હનુમાન જન્મોત્સવ સન્માન પ્રસંગે શ્રી મોરારિબાપુએ ચિંતન ઉદ્બોધન કરતાં કહ્યું કે, સેવક હોય તે સ્વામી બનવાને લાયક હોય છે, જે હનુમાનજી છે. શ્રી હનુમાનજી એ સેવક, સ્વામી સાથે સાથે સદગુરુ, વક્તા, સંદેશ વાહક, રામદૂત, સામવેદનાં ગાન કરનાર… વગેરે ભૂમિકામાં રહેલાં છે. 

શ્રી મોરારિબાપુએ આ પ્રસંગે વિદ્યાઓના અલગ અલગ ઉપાસકો અને આવાં ઉપક્રમોનાં અનુભવો અને અનુભૂતિ ઉપરથી લાગે છે કે, આપણાં રોજિંદા જીવન સિવાય પણ જીવનમાં કશુંક અલગ તત્ત્વ રહેલું છે, જેની સૌને પ્રતીતિ થઈ રહી જ છે.

સનાતન પરંપરા અને સંસ્કૃતિનાં આ પ્રસંગમાં શ્રી મોરારિબાપુએ આ સન્માનો દ્વારા સૌની વંદના કરી રહ્યાનો ભાવ વ્યક્ત કર્યો.

હનુમંત મહોત્સવ પ્રસંગે શ્રી મોરારિબાપુનાં હસ્તે ગાયન, વાદ્ય, નૃત્ય તથા તાલવાદ્ય માટે હનુમંત સન્માન અર્પણ થયાં. આ સન્માનિતોમાં શ્રી જયતીર્થ મેવુંડી ( ગાયન ), શ્રી નિલાદ્રી કુમાર ( સિતાર વાદન ), શ્રી વિદુષી અદિતિ મંગળદાસ  ( નૃત્ય કથ્થક ) તથા શ્રી સત્યજિત તલવળકર ( તાલવાદ્ય તબલા )નો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં નટરાજ સન્માનમાં શ્રી પ્રાણજીવન પૈજા ( ભવાઈ ), શ્રી સનત વ્યાસ ( નાટક ), શ્રી ‘ અર્જુન’ ફિરોઝખાન ( હિન્દી શ્રેણી ) સન્માનિત થયાં. ભામતી સન્માન સંસ્કૃત ભાષાની સેવા કરનાર શ્રી પુનિતાબેન દેસાઈને તથા વાચસ્પતિ સન્માન સંસ્કૃત ભાષા સંદર્ભે શ્રી ગિરીશ જાનીને, ચિત્રકામ માટે કૈલાસ લલિતકળા સન્માન શ્રી નૈના દલાલને, સદભાવના સન્માન શ્રી ગુલઝાર અહેમદ ગયાનને અને સુગમ સંગીત માટે શ્રી અવિનાશ વ્યાસ સન્માન શ્રી હરિશ્ચંદ્ર જોષીને અર્પણ કરવામાં આવેલ છે.

આ ત્રિદિવસીય પર્વમાં શ્રી હનુમાનજીને સાંજનાં સમયે સંગીતાંજલિ નૃત્યાંજલિ રૂપે ગુરુવારે શ્રી જયતીર્થ મેવુંડી દ્વારા શાસ્ત્રીય ગાયન અને શુક્રવારે વાદ્ય સંગીતમાં શ્રી નિલાદ્રી કુમાર દ્વારા સિતાર વાદન તથા શ્રી સત્યજીત તલવળકર દ્વારા તબલા વાદન પ્રસ્તુત થયેલ. 

શ્રી હનુમાન જયંતી પ્રસંગે આરતી અને સુંદરકાંડ, હનુમાન ચાલીસા તથા સંકીર્તન સાથે પ્રારંભે ગણપતિ વંદના નૃત્ય શ્રી ગૌરી દિવાકર દ્વારા પ્રસ્તુત થયેલ.

કાર્યક્રમ સંચાલન સાથે શ્રી હરીશભાઈ જોષીએ શ્રી મોરારિબાપુ દ્વારા કળા પ્રતિભાઓનાં સન્માન ઉપરાંત વિવિધ ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક સહયોગ ઉપક્રમોનો ઉલ્લેખ કર્યો. 

ઉલ્લેખનીય છે કે આ સન્માનિત પૈકી શ્રી હરીશભાઈ જોષીનાં સન્માન અંગે તેઓનાં સવિનય અસ્વીકાર બાદ શ્રી મોરારિબાપુ દ્વારા પોતાની પ્રસન્નતા માટેનો ભાવ આગ્રહ થતાં આ સન્માન સ્વીકારાયાનું જણાવાયું હતું. શ્રી હરીશભાઈ જોષીની સેવા અંગે શ્રી તુષારભાઈ શુક્લ દ્વારા ટૂંક વિગતો આપવામાં આવી હતી.

સન્માનીતો દ્વારા પ્રાસંગિક અહોભાવ વ્યક્ત કરવામાં આવેલ. સમગ્ર સંકલનમાં સન્માન પસંદગી સમિતિ સભ્યો રહેલ. આ પ્રસંગે શ્રી જયદેવભાઈ માંકડ, શ્રી નિલેશભાઈ વાવડિયા અને કાર્યકર્તાઓ આયોજનમાં રહ્યાં.

Related Posts