અમરેલી

સાવરકુંડલાના ‘સેવા-સેતુ’ હરેશભાઈ મહેતા: જ્યાં કમાણી નહીં, પણ કરુણા એ જ અસલી સંપત્તિ છે

નથી માપતા એ ગજથી પોતાની                      જાગીરને કદી,

એ તો હૃદયના ધબકારે                                કરુણાની કથા લખે છે.

​કરોડોની કમાણી તો દુનિયા માટે                     માત્ર એક આંકડો,

સાચો માણસ તો બીજાના                              આંસુ લૂછીને ઈબાદત લખે છે.

–“પાંધી સર”

​કહેવાય છે કે સંસ્કાર અને સંકલ્પ જ્યારે ભેગા મળે છે, ત્યારે સમાજનું ચિત્ર બદલાઈ જતું હોય છે. અમરેલી જિલ્લાના ડુંગર ગામના વતની અને ઉદ્યોગપતિ હરેશભાઈ મગનલાલ મહેતાએ આ વાતને સાર્થક કરી બતાવી છે. ૧૯૫૩માં જન્મેલા અને મધ્યમવર્ગીય પરિવારમાં ઉછરેલા હરેશભાઈએ ૧૬ વર્ષની નાની વયે મુંબઈમાં માત્ર ૬૫ રૂપિયાના પગારથી પોતાની કારકિર્દી શરૂ કરી હતી. આજે તેઓ એક સફળ ઉદ્યોગપતિ છે, પણ તેમની ખરી ઓળખ તેમની ‘સંપત્તિ’ નહીં, પરંતુ તેમની ‘કરુણા’ બની ગઈ છે.  

સાવરકુંડલાની ‘નૂતન કેળવણી મંડળ શાળા’માં અભ્યાસ દરમિયાન રતિલાલ બોરીસાગર જેવા શિક્ષક અને માતા મંગળાબહેનના સેવાકીય સંસ્કારોએ હરેશભાઈના જીવનને પુસ્તકપ્રેમી અને પરોપકારી બનાવ્યું. વર્ષ ૨૦૧૧માં મોરારિબાપુના સંપર્કમાં આવ્યા બાદ, બાપુની પ્રેરણાથી તેમણે સાવરકુંડલાના પછાત આરોગ્ય ક્ષેત્રને બેઠું કરવાનો સંકલ્પ કર્યો.  શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર

પોતાના અંગત ૫-૬ કરોડ રૂપિયાના યોગદાન અને લલ્લુભાઈ શેઠના પરિવાર દ્વારા મળેલી જમીન પર ૨૦૧૫માં ‘શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર’નું નિર્માણ થયું. આજે આ એક એવી મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જ્યાં દર્દીઓ માટે નિદાન, ઓપરેશન, દવા અને રહેવા-જમવાની સુવિધા સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. મહિને આશરે સવા કરોડ રૂપિયાના નિભાવ ખર્ચ સાથે આ સેવાયજ્ઞ દાતાઓના સહયોગથી અવિરત ચાલી રહ્યો છે.  

હરેશભાઈ માત્ર આરોગ્ય જ નહીં, પણ શિક્ષણ અને ગૌસેવા ક્ષેત્રે પણ કાર્યરત છે. ‘પન્ના નાયક સંસ્કાર કેન્દ્ર’ હેઠળ નિઃશુલ્ક નર્સિંગ કોલેજ અને કન્યાશાળાનું આયોજન છે. આ ઉપરાંત, તેઓ ૫૦૦ ગાયોની અત્યાધુનિક ગૌશાળા અને ‘ગિરધર ઘર’ નામનો વૃદ્ધાશ્રમ પણ ચલાવી રહ્યા છે.

Related Posts