મોટાભાગના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા શીખવાનો ભય સતાવતો રહે છે, તેમાંય ગ્રામીણ પરિવેશમાંથી આવતા વિદ્યાર્થીઓને વિશેષ. ઘણા વિદ્યાર્થીઓ નાસીપાસ પણ થયા હશે. પણ તેનો તોડ શોધી કાઢ્યો છે, અમરેલી જિલ્લાના એક શિક્ષકે.
વિદ્યાર્થીઓને સરળતાથી ઇંગ્લિશ શીખી શકે તે માટે માત્ર ૧૩૦ શબ્દોનો એક ખાસ ચાર્ટ બનાવ્યો છે અને વિદ્યાર્થીઓની ઇંગ્લિશ ભાષામાં રસ રુચિ કેળવાય તે માટે આગવી રમતો અને ભણાવવાની નવીન પદ્ધતિ વિકસાવી છે. આ શિક્ષક છે અમરેલી જિલ્લાની હરીપુરા પ્રાથમિક શાળામાં ફરજરત શ્રી હિમાંશુ જોશી.
તેઓ માને છે કે, એક શિક્ષકનું કામ વિદ્યાર્થીઓને શીખવવા કરતા શીખવા માટે પ્રેરિત કરવાનું વધુ હોય છે. વર્ગખંડમાં શિક્ષક ઓછું અને વિદ્યાર્થી જાજુ કાર્ય કરે છે. આ સાથે જ્યારે ભાષા શીખવા સાથે નિસબત હોય ત્યારે ખાસ શિક્ષક ઓછું અને વિદ્યાર્થીઓ વધુ બોલે તો વર્ગખંડને જીવંતતા મળે છે.
તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષાનો ભય દૂર કરવા માટે પ્રથમ સેન્ટેન્સ બનાવવા માટે મહદ્અંશે જે શબ્દોનો ઉપયોગ થાય છે તેને અલગ તારવીને ૧૩૦ શબ્દોનો ચાર્ટ બનાવ્યો. આ શબ્દો પૈકી વિદ્યાર્થીઓને દરરોજ માત્ર બે જ શબ્દો પાકા કરવાના. જેથી તેમને વધુ બોજારૂપ ન લાગે.
આમ, ઇંગ્લિશ ભાષાનું એકદમ પ્રાથમિક જ્ઞાન મેળવ્યા બાદ અંગ્રેજી ભાષાના મૂળાક્ષરો ઉપયોગ આધારિત આગવી રમતો દ્વારા તેમનું શબ્દ ભંડોળ વધારવામાં પણ સફળતા મળી.
તેઓ ઉદાહરણ આપતા કહે છે કે, જો વિદ્યાર્થીઓને વર્ગખંડની બહાર વૃક્ષ નીચે બેસીને ભણાવવાતા હોય ત્યારે વૃક્ષના દરેક ભાગ એટલે કે, થડ, ડાળી, પાન, ફળ, વગેરે માટે ઇંગ્લિશમાં જે શબ્દ પ્રયોજાતો હોય તેની જાણકારી આપવી. એટલે કે પ્રત્યક્ષ વસ્તુ નિહાળવાથી સરળતાથી વિદ્યાર્થીઓને યાદ પણ રહે છે.
આ રીતે શિક્ષણકાર્યથી વિદ્યાર્થીઓમાં અંગ્રેજી ભાષા પ્રત્યેનો દર દૂર થયો છે, વિદ્યાર્થીઓ જાતે જ કહે છે કે, અંગ્રેજીની ગેમ્સ રમીએ, કાળ વચ્ચેનો તફાવત સમજતા થયા છે. શિષ્ટ શબ્દો બોલવાની સાથે તેમના ભાષા કૌશલમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.
તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર પણ આ પ્રકારના એક્ટિવિટી બેઇઝ્ડ શિક્ષણ પર ભાર આપી રહી છે. તાજેતરમાં જ બેગલેસ ડેની શરૂઆતથી આનંદ ઉમંગ બેવડાયો છે. જેથી શાળાકીય વાતાવરણ બદલાયું છે.
એમ.એ.,બી.એડ. સુધીનો અભ્યાસ કરેલા શિક્ષક શ્રી હિમાંશુ જોષી એમ પણ કહે છે કે, વિદ્યાર્થીઓને શિક્ષકનો ભય ન લાગવો જોઈએ અને ખાસ વિદ્યાર્થીઓના પ્રશ્નો ન દબાય તેની પણ વિશેષ કાળજી રાખવી જોઈએ. ખરા અર્થમાં પ્રશ્નોથી જ જ્ઞાન અર્જન સિદ્ધ થતું હોય છે.
શિક્ષક શ્રી હિમાંશુ જોશીને ઇંગ્લિશ શીખવા માટેના આ ક્રિયાત્મક સંશોધન માટે તાજેતરમાં પાંચમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસની ઉજવણીના પ્રસંગે અમરેલી તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકના સન્માનથી પણ નવાજવામાં આવ્યાં છે.


















Recent Comments