બિહારમાં વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનના પરાજય બાદ લાલુ યાદવના પરિવારમાં તિરાડ પડી છે. લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે સંબંધ સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી. જે બાદ આજે તેમણે ફરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અત્યંત ગંભીર આરોપો લગાવ્યા છે. રોહિણી આચાર્યએ કોઈનું નામ લીધા વિના પોસ્ટ કરી કહ્યું છે, કે ગઇકાલે એક પુત્રી, એક બહેન, એક પરિણીત મહિલા, એક જનેતાનું અપમાન કરવામાં આવ્યું. ગંદી ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી લીધી. મેં મારા આત્મસન્માન સાથે બાંધછોડ ન કરી તેના કારણે મારું અપમાન કરાયું. મજબૂરીમાં એક પુત્રીએ રડતાં મા-બાપ તથા બહેનોને છોડવી પડી. મારે મારું પિયર છોડવું પડ્યું. મને અનાથ બનાવી દીધી. રોહિણી આચાર્યની આ ભાવુક પોસ્ટથી બિહારના રાજકારણમાં સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયું છે. જોકે સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળ તથા લાલુ યાદવના પરિવાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા કે નિવેદન આપવામાં આવ્યું નથી. નોંધનીય છે કે ગઇકાલે જ રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે નાતો તોડવાની જાહેરાત કરી હતી. રોહિણી આચાર્યએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જાહેરાત કરી હતી કે હું રાજકારણ છોડી રહી છું અને પરિવાર સાથેના સંબંધ તોડી રહી છું. મને સંજય યાદવ અને રમીઝે આવું કરવાનું કહ્યું છે. હું તમામ દોષ પોતાના શિરે લેવા તૈયાર છું.નોંધનીય છે કે આ વિધાનસભા ચૂંટણી પહેલા જ લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજ પ્રતાપ યાદવને પક્ષમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. આટલું ન નહીં પરિવાર સાથે સંબંધ સમાપ્ત થવાના કારણે તેજ પ્રતાપ યાદવે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવી ચૂંટણી લડી. તેમણે પણ તેજસ્વી યાદવના નજીકના ગણાતા સંજય યાદવ જ આરોપો લગાવ્યા હતા. તેજ પ્રતાપ યાદવે કહ્યું હતું, કે અમારા પરાજયમાં જનતાની જીત છુપાયેલી છે. આજના પરિણામો સ્વીકારું છું. બિહારે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હવે રાજકારણમાં પરિવારવાદ નહીં ચાલે. આ જયચંદોનો પરાજય છે. મેં ચૂંટણી પહેલા જ કહ્યું હતું કે કોંગ્રેસ સમાપ્ત થઈ જશે. હું હારીને પણ જીત્યો છું. કારણ કે જનતાનો પ્રેમ, વિશ્વાસ, આશીર્વાદ મારી સાથે છે. જયચંદોએ RJDને અંદરથી બરબાદ કરી નાંખી છે. જેના કારણે આજે તેજસ્વી ફેલસ્વી થઈ ગયો. જેમણે પોતાની ખુરશી માટે પોતાના જ ઘર પરિવારને આગ લગાવી, ઈતિહાસ તેમને ક્યારેય માફ નહીં કરે.
‘મને ગાળો આપી, મારવા માટે ચંપલ ઉઠાવી…’, લાલુ યાદવના પુત્રી રોહિણીનો ગંભીર આરોપ


















Recent Comments