લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં યોજાયેલ વાર્ષિકોત્સવ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળામાં વિચારક વક્તા શ્રી જય વસાવડાએ છોડવાની કળા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા.
ગોહિલવાડની સુપ્રસિધ્ધ કેળવણી સંસ્થા લોકભારતી ગ્રામવિદ્યાપીઠમાં યોજાયેલ વાર્ષિકોત્સવ પ્રસંગે અગ્રણીઓ, ભૂતપૂર્વ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સાથે શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળા યોજાઈ ગઈ.
આ પ્રસંગે જાણીતા વિચારક વક્તા અને કટાર લેખક શ્રી જય વસાવડાએ ‘જીવન જીવવાની કળા’ સંદર્ભે વ્યાખ્યાન આપતાં છોડવાની કળા, એટલે જેને છોડી શકતા આવડે તે જીવી શકે, જે માટે પરિવર્તન અનિવાર્ય ગણાવતાં વિવિધ ઉદાહરણો પ્રસ્તુત કર્યા અને જીવન પરિવર્તનનો પ્રવાહ હોવાનું ઉમેર્યું. શ્રી જય વસાવડાએ પ્રકૃતિથી દૂર થતાં થયેલાં દુષ્પ્રભાવનો વસવસો પણ વ્યક્ત કર્યો.
જીવન જીવવાની કળા મૂળથી શરૂ થતી હોય છે, પછી ફળ, ફૂલ, ડાળી વગેરે તેના આધારે હોવાનું સમજાવ્યું. ઉપનિષદ સહિત પ્રાચીન અર્વાચીન સંદર્ભો સાથે ગુણ નહી ગુણવત્તાની કેળવણી જે જીવનની કેળવણી હોવાનું અને તે લોકભારતીમાં અપાઈ રહ્યાનું ગૌરવ સાથે જણાવ્યું.
વિદ્યાર્થીઓ સંદર્ભે છાત્રાલય જીવનનો ઉદ્દેશ્ય સંસ્થા સ્થાપકોને વધુ સમય સાથે રહેવાનો હોવાનું કહ્યું. તેઓએ સફળતા સાથે જ સંઘર્ષ તેમજ હારતાં પણ શીખવા ભાર મૂક્યો. પોતાની ટીકા કે ટકોર પણ સાંભળવા ગાંધીજીના જીવન સાથે વર્તમાન શ્રી મોરારિબાપુની જીવનીનો ઉલ્લેખ કર્યો.
બીજા સત્રમાં શ્રી જય વસાવડાએ ‘મરે છે, ધીરે ધીરે…’ કાવ્ય ભાવ પ્રસ્તુત કર્યું. તેઓએ વ્યાખ્યાન સાથે આખો માણસ જોવા, અડધાથી મૂલ્યાંકન ન કરવા શીખ આપી. તેમણે જીવનને ચાહવા તેમજ કેટલીક અધૂરપ પણ મજાની ગણાવી.
સાહિત્ય, ઈતિહાસ, ચિત્રપટ, સાંપ્રત વગેરે વિષયોનાં ઉલ્લેખ સાથે શ્રી જય વસાવડાએ વિદ્યાર્થીઓ સાથે પ્રશ્નોત્તરી સંવાદની પણ રમઝટ બોલાવી, તાળીઓના ગડગડાટ ઝીલ્યાં.
લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર પરિચય સાથે કાર્યક્રમ ભૂમિકા રજૂ કરેલ અને સંસ્થાની સ્થાપના સંસ્કાર સાથે જીવન શૈલી બદલવાનો જણાવી શ્રી નાનાભાઈ ભટ્ટ દ્વારા ભાવનગરમાં દક્ષિણામૂર્તિ છાત્રાલય પ્રારંભ કરી ભાવનગર મહારાજા સાથેના પ્રસંગો વર્ણવી સણોસરા, આંબલા તથા મણાર સંસ્થા અને માઇધાર સંસ્થા સુધીની યાત્રા વર્ણવી. આ સાથે લોકભારતી સ્થૂળ સંસ્થા નહી વિચાર હોવાનું અને આજે તે વૈશ્વિક બન્યાનો હરખ જણાવ્યો. વક્તા શ્રી જય વસાવડાએ ખોજી અને મોજી ગણાવ્યાં.
વાર્ષિકોત્સવ પ્રસંગે સંસ્થા પરિવાર દ્વારા વર્ષ ભરની પ્રવૃત્તિ અને પ્રગતિ સંદર્ભે શ્રી હસમુખભાઈ દેવમુરારીએ વાર્ષિક નિવેદન પ્રસ્તુત કરેલ.
આ પ્રસંગે આવેલ સંદેશાઓનું વાચન શ્રી કાંતિભાઈ ગોઠીએ કર્યું.
વાર્ષિકોત્સવ અને વ્યાખ્યાન પહેલા સત્રનું સંચાલન શ્રી વિશાલ ભાદાણીએ સાંભળ્યું. બીજા સત્રમાં શ્રી નીતિન ભીંગરાડિયા સંચાલનમાં રહ્યાં.
લોકભારતીના આ સમારોહ પ્રસંગમાં સંગીત વૃંદ દ્વારા સુંદર પ્રાર્થના અને ગીતગાન પ્રસ્તુત થયાં.
આ વાર્ષિકોત્સવ વ્યાખ્યાન ઉપક્રમ પ્રસંગે શ્રી રાજેન્દ્રભાઈ ખીમાણીએ આભારવિધિ કરી હતી.
વાર્ષિકોત્સવ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રાત્રે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થયેલ.


















Recent Comments