અમરેલી

સાંસદ ભરતભાઈ સુતરીયાના હસ્તે જરખીયા ખાતે આરોગ્ય કેમ્પનો પ્રારંભ

અમરેલી જિલ્લાના જરખીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પનું ઉદ્ઘાટન અમરેલી લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.બી. પંડ્યા, તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.આર. મકવાણા તથા અન્ય મહાનુભાવો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું.

આ પ્રસંગે મહાનુભાવોએ લોક આરોગ્ય માટે સરકાર ચલાવતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપ્યું અને સ્વસ્થ સમાજની રચનામાં લોકભાગીદારીનું મહત્વ સમજાવ્યું. સાંસદશ્રીએ જણાવ્યું કે, “ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ પહોંચાડવા સરકાર પ્રતિબદ્ધ છે અને આવા કેમ્પો દ્વારા સામાન્ય જનતાને તાત્કાલિક લાભ મળે છે.”

કેમ્પ દરમિયાન નોન-કોમ્યુનિકેબલ ડિસીઝની તપાસ સાથે બહેનો માટે સ્તન કૅન્સર સ્ક્રીનિંગ, બીપી અને ડાયાબિટીસની ચકાસણી, લોહીની લેબોરેટરી તપાસ તથા જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી. સાથે જ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા આપવામાં આવી. મેલેરિયા, ડેન્ગ્યુ જેવા વાહકજન્ય રોગો નિવારવા આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવ્યું.

આ કેમ્પના સફળ આયોજન માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર.આર. મકવાણા ના માર્ગદર્શન હેઠળ ડો. નિશિત ચત્રોલા, ડો. શીતલ રાઠોડ, ભરત સોલંકી તેમજ આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્યકર્મીઓ અને આશા બહેનો દ્વારા વિશેષ જહેમત લેવામાં આવી હતી. ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિને કારણે આ આરોગ્યલક્ષી અભિયાનને અનોખી સફળતા મળી હતી.

Related Posts