17 સપ્ટેમ્બર 2025ના રોજ શરૂ કરાયેલ “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનમાં ભારતભરમાં ભારે ભાગીદારી જોવા મળી રહી છે. જેમાં લાખો મહિલાઓ, બાળકો અને પરિવારો વ્યાપક આરોગ્ય સેવાઓનો લાભ લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસ નિમિત્તે, સેવા પખવાડિયા અંતર્ગત આજે અમદાવાદના સનાથલ ખાતે આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
સનાથલ ગામનાં સરપંચ હિતેન્દ્રસિંહ ચૌહાણ, પૂર્વ તાલુકા સભ્ય, બલરાજસિંહ ચૌહાણ, પૂર્વ રોગી કલ્યાણ સમિતિ પ્રમુખ ભુરુભા ચૌહાણનાં હસ્તે દીપ પ્રાગટય કરી આ આરોગ્ય શિબિરની શરૂઆત કરવામાં આવી હતી.
આ શિબિરમાં મેડિકલ ઓફિસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સનાથલ, ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રીસિયન તથા તજજ્ઞ ડોક્ટર્સ દ્વારા સર્ગભા બહેનોનું ચેકઅપ, રસીકરણ, NCD સ્ક્રીનીંગ, સિકલસેલ તથા ઓરલ, બ્રેસ્ટ અને સર્વાઈકલ કેન્સરની તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત ટી.બીનાં દર્દીઓને પોષણ કિટ આપવામાં આવી હતી. સાથે જ આયુષમાન કાર્ડ,આભા કાર્ડ, TB તપાસ વગેરે સેવાઓ આપવામાં આવી હતી. જેનો લાભ ગામની મહિલાઓ, તરૂણીઓ, વયોવૃદ્ધોએ બહોળા પ્રમાણમાં લીધો હતો.
આ શિબિરનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી, વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ. રજનીકાંત કાપડિયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, ડૉ. કાર્તિક શાહ તથા સાણંદ તાલુકા હેલ્થ ઓફિસર, ડૉ. બી. કે. વાઘેલાનાં માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર – સનાથલ ખાતે કરવામાં આવ્યું હતું.



















Recent Comments