અમરેલી

હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પથી પત્રકારોના આરોગ્યની ચકાસણી થવાની સાથે ભવિષ્યમાં આવનાર બિમારીઓ સામે સાવચેત થઈ શકાય છે : અમરેલી જિલ્લાના પત્રકારોશ્રીઓએ ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા કેમ્પેઇનને આવકાર્યું

ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે પત્રકારોના આરોગ્યની સંભાળ માટે “ફિટ ઇન્ડિયા, ફિટ મીડિયા” અંતર્ગત શરૂ કરવામાં આવેલા હેલ્થ સ્ક્રિનિંગ કાર્યક્રમને અમરેલી જિલ્લાના મીડિયાકર્મીઓએ આવકાર્યો છે.

અમરેલી રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન ડો. ભરતભાઈ કાનાબારે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારને રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયા કર્મીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા લીવર તથા કિડની ફંક્શન, યુરિક એસિડ, વિટામીન બી 12, ડાયાબિટીસ પ્રોફાઈલ વગેરે તબીબી રિપોર્ટ કરવામાં આવે છે. આ તબીબી તપાસથી પત્રકારો આવનાર બિમારીઓ સામે સાવચેત થઈ શકે છે. ગયા વર્ષે જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓએ આ કેમ્પનો લાભ મેળવ્યો છે. તેમણે આ કાર્યક્રમને આવકારદાયક ગણાવ્યો હતો.

અમરેલીના વરિષ્ઠ પત્રકાર શ્રી મિલાપભાઈ રૂપારેલે આ હેલ્થ સ્ક્રિનિંગના કાર્યક્રમ સંદર્ભે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનું ખૂબ સરાહનીય કાર્ય છે, પત્રકારો રાતદિવસ સમાચારો માટે ભાગદોડ કરતા રહે છે, તેવી સ્થિતિમાં તેઓ પોતાની તંદુરસ્તી પર પૂરતું ધ્યાન રાખી શકતા નથી, ત્યારે આ હેલ્થ સ્ક્રિનિંગ કેમ્પથી તેમના આરોગ્યની ચકાસણી થઈ શકે છે અને ભવિષ્યમાં આવનાર બિમારીઓ માટે સાવચેત થઈ શકે છે. તેથી જરૂરી આરોગ્યલક્ષી કાળજી લઈ શકે.

દિવ્ય પ્રકાશ દૈનિકના તંત્રી શ્રી હિંમતલાલ પટેલે પત્રકારશ્રીઓ માટેના હેલ્થ સ્ક્રિનિંગના કાર્યક્રમને આવકારી ગુજરાત સરકાર અને રેડ ક્રોસ સોસાયટીનો આભાર વ્યક્ત કર્યો હતો.

અગ્રણી પત્રકાર શ્રી રાજેશભાઈ ગઢીયાએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર અને રેડ ક્રોસ સોસાયટી મીડિયાકર્મીઓને સ્વસ્થ રાખવા માટે છેલ્લા બે વર્ષથી આ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, આ હેલ્થ સ્ક્રીનિંગથી ઘણા મિત્રોની અનડિટેક્ટ બીમારીઓ સામે આવે છે. જેથી આરોગ્ય લક્ષી જરૂરી કાળજી લેવાનો ખ્યાલ મળી રહે છે. આમ, કાર્યક્રમનો પત્રકારશ્રીઓને ખૂબ ફાયદો થાય છે.

Related Posts