અમરેલી

અમરેલી જિલ્લાના પત્રકારશ્રીઓનું “ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા” અંતર્ગત હેલ્થ સ્ક્રિનિંગ

૦૦૦૦૦૦૦૦

અમરેલી તા.૨૦ નવેમ્બર૨૦૨૫ (ગુરૂવાર) – લોકો સુધી પળે પળેના સમાચારો પહોંચાડવા માટે સતત ભાગદોડમાં રચ્યા પચ્યા પત્રકારશ્રીઓના આરોગ્યની સંભાળ માટે ગુજરાત સરકારના માહિતી ખાતા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે એક આગવો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ “ફિટ ઇન્ડિયા- ફિટ મીડિયા” અંતર્ગત અમરેલી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારશ્રીઓના આરોગ્યની તપાસ માટે હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું.

અમરેલી શહેરના રેડ ક્રોસ ભવન ખાતે વહેલી સવારે પત્રકારશ્રીઓના હેલ્થ ચેકઅપ માટે જુદા- જુદા તબીબી ટેસ્ટ માટે બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ સાથે ઇ.સી.જી તેમજ એક્સરે પણ લેવામાં આવ્યો હતો. આમ, પત્રકારશ્રીઓના આરોગ્યનાં રિપોર્ટ આપવામાં આવશે. જેથી આરોગ્યની સંભાળ માટે જરૂરી તકેદારી લઈ શકાય.

આ હેલ્થ સ્ક્રિનિંગ અંતર્ગત કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, લીવર તથા કિડની ફંક્શન, લિપિડ પ્રોફાઈલ, યુરિક એસિડ, કેલ્શિયમ, થાઈરોઈડ, વિટામીન બી 12 તથા વિટામિન ડી વગેરે તબીબી રિપોર્ટ કરવામાં આવ્યા હતા.

આ હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પના સફળ આયોજન માટે અમરેલી રેડ ક્રોસ સોસાયટીના મોભી ડો. ભરત કાનાબારનો પૂરતો સહયોગ મળ્યો હતો, તેમણે ગુજરાત સરકારના માહિતી ખાતા અને રેડ ક્રોસ સોસાયટીની પત્રકારશ્રીઓના આરોગ્યની તપાસ માટેની આ પહેલને આવકારી હતી.

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી જિલ્લા માહિતી કચેરીના ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સુશ્રી પ્રિયંકા પરમારના માર્ગદર્શન હેઠળ સુચારુ રીતે સંપન્ન થયો હતો, આ સાથે અમરેલી જિલ્લાના પત્રકાર આલમે પણ ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પત્રકારોના આરોગ્યની ખેવના માટેના આ ઉપક્રમને આવકારી બિરદાવ્યો હતો.

Related Posts