બનાસકાંઠામાં આવેલ અતિ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહાકુંભનો પાંચ દિવસીય મહોત્સવ શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થયો. આ મહાકુંભ દરમિયાન લાખો ભક્તો માં અંબાના દર્શન માટે ઉમટ્યા હતા. ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન જ ભારે વરસાદ ખાબક્યો છે. મેઘરાજાએ મન મૂકીને વરસતા યાત્રાળુઓ અને આયોજકો માટે કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે પવન અને વરસાદને કારણે મેળામાં કેટલીક જગ્યાએ હોર્ડિંગ્સ અને ડોમના પડદા ફાટી ગયા છે.
પવન અને અવિરત વરસાદના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે ઊભા કરવામાં આવેલા સ્ટોલોમાં પણ પાણી ભરાયા છે, જેનાથી વેપારીઓને મોટું નુકસાન થયું છે. અંબાજી મંદિર તરફ જતા મુખ્ય માર્ગો પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું, જેના કારણે વાહનવ્યવહારને અસર પહોંચી છે. આ વહેતા પાણીમાં કેટલાક યુવાનો અને બાળકો મસ્તી કરતા અને વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા.
જો કે, વરસાદના કારણે અંબાજી જતા હજારો પદયાત્રીઓ અટવાયા હતા. જોકે, અનેક શ્રદ્ધાળુઓએ વરસાદમાં પણ ‘બોલ મારી અંબે, જય જય અંબે’ના નાદ સાથે પોતાની પદયાત્રા ચાલુ રાખી હતી. આ ઘટનાએ યાત્રાળુઓની અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો છે.
આ કુદરતી આફત બની વરસેલા વરસાદના કારણે મેળાના આયોજન અને વ્યવસ્થાપનમાં પણ વિક્ષેપ પડ્યો છે, જેને ફરીથી ગોઠવવા માટે તંત્ર કામે લાગ્યું છે, પણ યાત્રાધામ ખાતે આવનાર કોઇપણ ભક્ત ને તકલીફ ના ભોગવવી પડે તે માટે તંત્ર અને મેળામાં સ્ટોલના આયોજકો દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે.


















Recent Comments